ખેડબ્રહ્મા તાલુકાના મટોડા ગામ નજીકથી ૨૩.૧૮૦ કિગ્રા ગાંજાનો જથ્થો ઝડપાયો
પ્રતિકાત્મક
મહેસાણા એસઓજીએ ૨૮ હજારના ગાંજા સાથે એકને ઝડપ્યો
એસએમસીની ટીમે ગાંજો અને ઇકો મળી કુલ ૧૭.૪૪ લાખના જથ્થા સાથે બે જણાને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી
હિંમતનગર, ખેડબ્રહ્મા પોલીસ મથકમાં પેટ્રોલિંગ કરી રહેલી સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે મટોડા ગામના ઝાંઝવા પાણી રોડ નજીકથી પસાર થઈ રહેલી ગાડીને રોકાવી તેમાંથી ૧૧.૫૯ લાખની કિંમતનો ૨૩.૧૮૦ ગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. એસએમસીની ટીમે ગાંજો અને ઇકો મળી કુલ ૧૭.૪૪ લાખના જથ્થા સાથે બે જણાને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે એસએમસીના સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર, પી.આઈ. પી.પી. બ્રહ્મભટ્ટ અને એમની ટીમ ખેડબ્રહ્મા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી.
તે દરમિયાન રાજસ્થાન તરફથી આવી રહેલી ઇકો ગાડી શંકાસ્પદ જણાતાં તેને રોકાવી તપાસ હાથ ધરી હતી. જેમાં ઇકોમાં રાખેલો રૂ. ૧૧,૫૯,૦૦૦ની કિંમતનો ૨૩.૧૮૦ કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ગાંજાના જથ્થા સાથે ઝડપાયેલા મહેશકુમાર બાબુ ગમાર (રહે. નકોલા તા. કોટડા, જિ. ઉદયપુર, રાજસ્થાન) તથા તેજસકુમાર બાબુ ગમાર (રહે. નકોલા, તા. કોટડા, જિ. ઉદયપુર, રાજસ્થાન)ની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી. પોલીસ પૂછપરછ દરમિયાન આ ગાંજાના જથ્થાની હીરાફેરીમાં અન્ય ત્રણ ઈસમો મેઘારામ બામણીયા (રહે. મામેર, તા. કોટડા, જિ. ઉદયપુર), વિપુલ પારગી (રહે. ઘોડામરી, તા. કોટડા, જિ. ઉદયપુર) તથા ઈશ્વર પારગી (રહે. ચીખલી, તા. કોટડા. જિ. ઉદયપુર)ની સંડોવણી હોવાનું માલૂમ પડ્યું હતું.આથી એસએમસીની ટીમે ખેડબ્રહ્મા પોલીસ મથકમાં ઝડપાયેલા બે અને વોન્ટેડ ત્રણ મળી કુલ પાંચ જણા વિરુદ્ધ એનડીપીએસ એક હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે
મહેસાણા એસઓજીનો સ્ટાફના કોન્સ્ટેબલ મહેશકુમારને બાતમી મળી હતી કે, મહેસાણા તાલુકાના બાલિયાસણ ગામની સીમમાં ભાસરિયા ચોકડી નજીક કૌહવાળા આંટામાં પોતાના ખેતરમાં બનાવેલા કાચા છાપરામાં ગાંજાનો જથ્થો રાખી એક વ્યક્તિ વેપાર કરે છે. આ બાતમી આધારે ઉપરોક્ત સ્થળે રેઇડ કરતાં ઠાકોર મહેશજી જવાનજી (રહે. બાલિયાસણ, કૌહવાળા આંટામાં)ના છાપરામાંથી રૂ. ૨૮૯૫૦ની કિંમતનો ગાંજાનો ૦.૫૭૯ કિગ્રા જથ્થો મળી આવ્યો હતો. આથી પોલીસે મુદ્દામાલ કબજે કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી લાંઘણજ પોલીસ સ્ટેશને ગુનો રજિસ્ટર કરાવ્યો હતો.SS1
