પતિએ ટર્પેન્ટાઇન આપી મરી જવા કહેતા પત્નીનો આગ ચાંપી આપઘાત
પતિએ પત્ની પાસેથી રૂ. ૨૦૦ની માગણી કરીને ઝઘડો કર્યાે હતો
૯ દિવસની સારવાર બાદ પરિણીતાનું મોત નિપજતા ચાંગોદર પોલીસે પતિ અને જેઠ સામે દુષ્પેરણાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી
અમદાવાદ, સાણંદના મોરૈયા ગામમાં રહેતી પરિણીતાને પતિ અને જેઠ દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. ગત તા.૨૫ જાન્યુઆરીએ તેના પતિએ રૂ. ૨૦૦ની માગણી કરીને ઝઘડો કર્યાે હતો. બાદમાં તેને ટર્પેન્ટાઇનનું ડબલું આપીને તે છાંટીને સળગી જવાનું કહેતા પરિણીતાને મનમાં લાગી આવ્યું હતું. પરિણીતાએ પોતાના શરીરે જ્વલનશીલ પ્રવાહી છાંટીને આગ ચાંપી દેતા તેને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડી હતી. ૯ દિવસની સારવાર બાદ પરિણીતાનું મોત નિપજતા ચાંગોદર પોલીસે પતિ અને જેઠ સામે દુષ્પેરણાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મોરૈયામાં ધર્મેશભાઇ શાહ પત્ની સંગીતાબેન અને ત્રણ સંતાનો સાથે રહે છે. ધર્મેશ શાહ કામધંધો ન કરીને દારૂ પીવાની ટેવ ધરાવતો હતો. અવાર નવાર પત્ની સાથે ઝઘડો કરીને પત્ની અને પુત્રીને માર મારતો હતો. સંગીતાબેનનો જેઠ મુકેશ પણ ફોન પર ઝઘડો કરીને મારી નાખવાની ધમકીઓ આપતો હતો. ગત તા. ૨૫ જાન્યુઆરીએ ધર્મેશ શાહે તેની પત્ની સંગીતાબેન સાથે ઝઘડો કર્યાે હતો. ધર્મેશ ગાળો બોલીને પત્ની પાસે રૂ. ૨૦૦ માગતો હતો અને સંગીતાબેને નાણાં ન આપતા તેને ટર્પેન્ટાઇનનું ડબલું આપીને તે છાંટીને મરી જવાનું કહીને મારી નાખવાની ધમકી આપી હતી.
સંગીતાબેનને મનમાં લાગી આવતા તેમણે પોતાના શરીર પર આગ લગાવી હતી. સળગતી હાલતમાં સંગીતાબેન ઘરની બહાર દોડી આવતા લોકોએ આગ ઓલવીને તેમને સારવાર માટે ખસેડ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન ગત તા. ૨ ફેબ્›આરીએ સંગીતાબેનનું મોત નિપજ્યું હતું. આરોપી ધર્મેશ શાહે તેની પુત્રીને પણ ધમકી આપી હતી. સમગ્ર મામલે ચાંગોદર પોલીસે ધર્મેશ શાહ (રહે. મોરૈયા) અને તેના ભાઇ મુકેશ શાહ (રહે. ધોળકા) સામે દુષ્પેરણાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.SS1
