સગર્ભા પુત્રવધૂને સાસરિયાંએ ધક્કો મારતાં બીજા માળેથી જમીન પર પટકાઈ
દાણીલીમડા પોલીસે પતિ સહિત ચાર લોકો સામે ગુનો નોંધ્યો
ઘટનાની જાણ થતાં તેના માતા-પિતા દોડી આવ્યા હતા અને બેહોશ હાલતમાં પડેલી દીકરીને હોસ્પિટલ લઈ ગયા હતા
અમદાવાદ, સાસરીમાં સાસુ સાથે થતા સતત ઝઘડાથી કંટાળીને એક પરણિત સગર્ભા યુવતી રિસાઈને પિતાના ઘરે દાણીલીમડા વિસ્તારમાં રહેવા આવી હતી. દરમિયાન, ગત બુધવારના રોજ જરૂરી કેટલીક દવાઓ લેવા માટે યુવતી તેની સાસરીમાં ગઈ હતી. આ સમયે પતિ સાથે વાતચીત દરમિયાન અલગ રહેવાની વાત ઊઠતા દંપતી વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો, જેમાં પતિ અને સાસરિયાએ મળીને યુવતીને ધક્કો મારતાં તે બીજા માળેથી નીચે જમીન પર પટકાઈ હતી. આ અંગે પત્નીએ પતિ સહિત ચાર લોકો સામે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
દાણીલીમડાના બોમ્બે હોટલ વિસ્તારમાં રહેતી ૨૩ વર્ષીય સગર્ભા ગત ૪ ફેબ્›આરીના રોજ કેટલીક જરૂરી દવાઓ લેવા માટે સાસરીમાં ગઈ હતી. ત્યાં પતિ મળતાં પત્નીએ જણાવ્યું હતું કે સાસુ સાથે રહેવું તેના માટે શક્ય નથી અને અલગ રહેવા અંગે શું નિર્ણય લેવાયો છે તે અંગે પૂછપરછ કરી હતી. આ વાતને લઈને બંને વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી.ફરિયાદમાં પત્નીએ આરોપ મૂક્યો છે કે ઝઘડાની વચ્ચે પતિ, સાસુ, સસરા અને નણંદે ભેગા થઈને તેને માર માર્યાે હતો. આરોપ છે કે સાસરિયાઓને પત્નીની ગર્ભાવસ્થા અંગે જાણ હોવા છતાં, પતિ સહિત ચારેય આરોપીઓએ તેને ધક્કો મારતા તે બીજા માળેથી નીચે પડી બેહોશ થઈ ગઈ હતી.
ઘટનાની જાણ થતાં તેના માતા-પિતા દોડી આવ્યા હતા અને બેહોશ હાલતમાં પડેલી દીકરીને હોસ્પિટલ લઈ ગયા હતા. સારવાર બાદ યુવતીએ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે દાણીલીમડા પોલીસે પતિ સફીક શેરુમિયા શેખ, સસરા શેરુમિયા શેખ, સાસુ સકીનાબીબી શેરુમિયા શેખ તથા નણંદ શબનમ શેરુમિયા શેખ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.SS1
