“કવચ કેન્દ્ર” પહેલ હેઠળ ગુજરાતમાંથી ૭૮૦ વિદ્યાર્થીઓને સાયબર સિક્યુરિટીની તાલીમ અપાઈ
ગાંધીનગર, રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા કવચ કેન્દ્ર પહેલ અંતર્ગત યુનિસેફના સંકલન સાથે રહીને ગુજરાતની વિવિધ યુનિવર્સિટીઓમાં એક દિવસીય ‘વિદ્યાર્થી સાયબર સિક્યુરિટી’ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાજ્યભરની યુનિવર્સિટીઓમાંથી કુલ ૭૮૦ વિદ્યાર્થીઓએ સહભાગી બનીને વ્યવહારુ સાયબર સિક્યુરિટી જ્ઞાન, જવાબદાર ડિજિટલ હાઇજીન તથા ઉભરતા સાયબર ખતરાઓ સામે સંસ્થાગત તૈયારી મજબૂત બનાવવા અંગે માહિતી મેળવી હતી.
આ પહેલ હેઠળ રાજ્યની સરકારી ઉચ્ચ તથા ટેકનિકલ શિક્ષણ કોલેજો, ગ્રાન્ટ-ઇન-એઇડ કોલેજો, ગ્રામ વિદ્યાપીઠો તથા યુનિવર્સિટીઓમાંથી પ્રતિ સંસ્થા બે વિદ્યાર્થીઓ જે કવચ કેન્દ્ર સાયબર ક્લબ વોલેન્ટરી તરીકે કામગીરી કરી રહ્યા છે, તેઓને તાલીમ આપવામાં આવી હતી.
આ તાલીમ સત્રો વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં તા.૨૦ જાન્યુઆરીથી ૦૫ ફેબ્રુઆરી ૨૦૨૬ દરમિયાન અલગ અલગ દિવસે સવારે ૦૯:૦૦ થી સાંજે ૦૪:૩૦ કલાક સુધી યોજાયા હતા. જેમાં સાયબર સિક્યુરિટી જાગૃતિ, સાયબર હાઇજીન, ડિજિટલ નૈતિકતા, સાયબર ખતરાઓની ઓળખ, ઘટનાની રિપોર્ટિંગ પદ્ધતિઓ તેમજ શૈક્ષણિક સંસ્થાઓમાં મજબૂત સાયબર સિક્યુરિટી સંસ્કૃતિ વિકસાવવામાં વિદ્યાર્થીઓની સક્રિય ભૂમિકા અંગે નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ તાલીમ કાર્યક્રમમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન -ગાંધીનગર, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી-પાટણ, ગુજરાત યુનિવર્સિટી-અમદાવાદ, સરદાર પટેલ યુનિવર્સિટી આણંદ, શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી-પંચમહાલ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી-સુરત, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી-રાજકોટ, શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી -જૂનાગઢ તથા મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી-ભાવનગર સહિત રાજ્યની અગ્રણી યુનિવર્સિટીઓના કુલ ૭૮૦થી વધુ વિદ્યાર્થી વોલેન્ટરી તરીકે આ પહેલમાં જોડાયા હતા.
આ તાલીમબદ્ધ વિદ્યાર્થીઓ વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં કેમ્પસ સ્તરે ‘સાયબર જાગૃતિ દૂત’ તરીકેની ભૂમિકા ભજવશે. આ પહેલથી યુવાનોમાં સાયબર ઠગાઈ, ફિશિંગ, ડેટા પ્રાઇવસી અને જવાબદાર ડિજિટલ વર્તન અંગે જાગૃતિમાં નોંધપાત્ર વધારો થશે. સાયબર સિક્યુરિટી ‘કવચ કેન્દ્ર’ પહેલના માધ્યમથી સાયબર ક્લબ્સની સ્થાપનાને ગતિ મળશે. જેથી સાયબર જોખમ નિવારણ, જાગૃતિ અને ડિજિટલ પ્રતિરોધ ક્ષમતામાં સંસ્થાગત તૈયારીને વધુ બળ મળશે, તેમ શિક્ષણ વિભાગની યાદીમાં જણાવાયું છે.
