Western Times News

Gujarati News

27 નગરપાલિકાઓ અને રાજકોટ મ્યુનિ. કોર્પો. દ્વારા અમદાવાદની ‘Peer Visit’નું આયોજન કરાયું

AI Image

સ્વચ્છ સર્વેક્ષણ–2025-26ના “Capacity Building” પેરામીટર અંતર્ગત 

અમદાવાદ (પ્રતિનિધિ) ભારત સરકારના આવાસ અને શહેરી કાર્ય મંત્રાલય દ્વારા આયોજિત સ્વચ્છ સર્વેક્ષણ–2024-25 અંતર્ગત અમદાવાદ શહેરે સ્વચ્છતાના ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી છે. દસ લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોની શ્રેણીમાં અમદાવાદે ભારતભરમાં ‘સ્વચ્છ શહેર રેન્ક–1’ પ્રાપ્ત કર્યો છે. તેમજ ગાર્બેજ ફ્રી સિટી (GFC) કેટેગરીમાં 7 સ્ટાર રેટિંગ અને શૌચાલયોની સુવિધા માટેનો શ્રેષ્ઠ ‘Water+’નો દરજ્જો પ્રાપ્ત કરીને સ્વચ્છતાના વૈશ્વિક ધોરણો સ્થાપિત કર્યા છે.

આ ઐતિહાસિક સફળતા બાદ રાજ્યની અન્ય નગરપાલિકાઓને ‘અમદાવાદ મોડેલ’માંથી પ્રેરણા મળી શકે તે હેતુસર સ્વચ્છ સર્વેક્ષણ–2025-26ના “Capacity Building” પેરામીટર (7.6) અંતર્ગત રાજ્યની 27 જેટલી વિવિધ નગરપાલિકાઓ અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદ શહેરની ‘Peer Visit’નું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં કુલ 27 નગરપાલિકાઓના અધિકારીઓએ અમદાવાદની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના 30થી વધુ સેનેટરી ઇન્સ્પેક્ટરો અને સુપરવાઇઝરી સ્ટાફે પણ અમદાવાદની મુલાકાત લીધી હતી.

આ મુલાકાત દરમિયાન પ્રતિનિધિ ટીમે અમદાવાદ શહેરની મોડલ વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટ્સનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું. જેમાં ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેક્શન સિસ્ટમ, આધુનિક બીટ સફાઈ પ્રક્રિયા, મિકેનાઇઝ્ડ સ્વીપિંગ (યાંત્રિક સફાઈ), રિફ્યુઝ ટ્રાન્સફર સ્ટેશન (RTS), મટિરિયલ રિકવરી ફેસિલિટી (MRF) તેમજ અત્યાધુનિક વેસ્ટ-ટુ-એનર્જી પ્લાન્ટની કામગીરીનો વિગતવાર અભ્યાસ કરવામાં આવ્યો હતો.

મુલાકાત દરમિયાન પ્રતિનિધિઓએ ડોર-ટુ-ડોર કલેક્શન અને બીટ સફાઈના સશક્ત મોડલ દ્વારા કચરાના સ્ત્રોત પર જ વર્ગીકરણ (સોર્સ સેગ્રેગેશન) કેવી રીતે સુનિશ્ચિત થાય છે તેની વ્યવહારુ સમજ મેળવી હતી. આ ઉપરાંત, MRF સેન્ટરની મુલાકાત દરમિયાન ‘વેસ્ટમાંથી બેસ્ટ’ બનાવીને કેવી રીતે આવકનાં સ્ત્રોત ઊભા કરી શકાય અને પર્યાવરણનું સંરક્ષણ કેવી રીતે શક્ય બને છે તે અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત, મિકેનાઇઝ્ડ સફાઈ અને વેસ્ટ-ટુ-એનર્જી જેવી આધુનિક ટેકનોલોજીના અમલીકરણ અને તેનાથી થતા માનવશ્રમનાં બચાવ અંગે પણ પ્રત્યક્ષ જાણકારી તેઓને મળી છે, જે તેઓ પોતાની નગરપાલિકામાં લાગુ કરી શકશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રાજ્યની અન્ય નગરપાલિકાઓ માટે ‘નોલેજ શેરિંગ પ્લેટફોર્મ’ પૂરું પાડીને સમગ્ર ગુજરાત રાજ્ય આગામી સ્વચ્છ સર્વેક્ષણોમાં ઉત્કૃષ્ટ દેખાવ કરે તે દિશામાં મહત્વપૂર્ણ યોગદાન આપવામાં આવ્યું હોવાનું પ્રતિનિધિઓએ આભાર વ્યક્ત કર્યો હતો.

આમ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા આયોજિત આ “Peer Visit” મુલાકાત માત્ર માહિતીનું આદાન-પ્રદાન જ નહીં, પરંતું ગુજરાતનાં તમામ શહેરોને સ્વચ્છતાના રાષ્ટ્રીય નકશા પર અગ્રેસર રાખવા માટેનું મહત્વનો નિર્ણય સાબિત થયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.