બોટાદમાં સાયબર છેતરપિંડીનો ભોગ બનનાર પીડિતોને રૂ.૮.૧૮ લાખ પરત અપાવતી પોલીસ
અજાણ્યા લિંક્સ, કોલ અને ઓફરથી સાવચેત રહેવા પોલીસની અપીલ
બોટાદ, બોટાદ જિલ્લામાં વધતી જતી ઓનલાઈન છેતરપિંડી સામે બોટાદ સાઈબર ક્રાઈમ સીલ દ્વારા અસરકારક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. છેલ્લા એક માસ દરમિયાન સાયબર ફ્રોડનો ભોગ બનેલા ર૧ નાગરિકોને રૂ.૮.૧૮ લાખની રકમ પરત અપાવી પોલીસે પ્રશંસનીય કામગીરી કરી છે.
બોટાદ જિલ્લાના કુલ ર૧ લોકો સાથે અંદાજે રૂ.ર૦.૮૧ લાખની સાયબર છેતરપિંડી થઈ હતી. આ છેતરપિંડીમાં એટીએમ ફ્રોડ, લોન અને લોટરીના બહાના, નકલી નોકરીની ઓફર, ઓનલાઈન શોપિંગમાં છેતરપિંડી તેમજ આર્મીના નામે ફ્રોડ જેવી વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સાયબર ફ્રોડનો ભોગ બનેલા નાગરિકોએ તાત્કાલિક સાઈબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાવતા બોટાદ સાઈબર સેલ દ્વારા ઝડપી તપાસ શરૂ કરવામાં આવી હતી.
બેંક અને ટેકિનકલ એજન્સીઓના સહયોગથી આરોપીઓના ખાતા ફ્રીઝ કરાવી અને લેવડદેવડના પાથરાઓની તપાસ કરીને કુલ રૂ.૮.૧૮ લાખની રકમ પરત અપાવવામાં સફળતા મેળવી હતી.
રકમ પરત મળતા પીડિત નાગરિકોમાં આનંદની લાગણી જોવા મળી હતી અને તેમણે સાઈબર ક્રાઈમ પોલીસની કામગીરી બદલ આભાર વ્યકત કર્યો હતો. પોલીસ દ્વારા લોકોને અજાણ્યા લિંકસ, કોલ અને ઓફરથી સાવચેત રહેવા તેમજ કોઈ પણ શંકાસ્પદ ઘટના બને તો તાત્કાલિક ફરિયાદ કરવા અપીલ કરવામાં આવી છે.
