જામનગર હિટ & રનમાં દંપતી ખંડિત: પતિનું મૃત્યુ, પત્ની સારવારમાં
AI Image
જામનગર, જામનગર- રાજકોટ ધોરી માર્ગ વધુ એક વખત રકતરંજીત બન્યો છે, અને હિટ એન્ડ રનના બનાવમાં બોલેરો પીકઅપ વેન અને એક્ટીવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં જામનગરથી ધ્રોલ એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા જઈ રહ્યું હતું.
દરમિયાન તેઓના સ્કૂટરને બોલેરો ચાલકે અડફેટમાં લઈ લેતાં ગંભીર ઈજા થવાથી મૃત્યુ નીપજયું છે, જયારે તેમના પત્ની ઈજાગ્રસ્ત બન્યા હોવાથી જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યા છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરના ગુલાબનગર નજીક સિન્ડિકેટ સોસાયટીમાં રહેતા દયાળજીભાઈ મકનજીભાઈ ચૌહાણ નામના ૬૧ વર્ષના બુઝુર્ગ કે જે પોતાનુ એક્ટિવા સ્કૂટર લઈને તેમાં પાછળ પોતાના પત્ની ભગવતીબેન (૬૦)ને બેસાડીને ધ્રોલમાં એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે જઈ રહ્યા હતા
તે દરમિયાન ધ્રોલની ભાગોળે પુરપાટ ઝડપે આવી રહેલા જી.જે.૩૭ ટી ૯ર૯૪ નંબરના બોલેરો પીકઅપ વેનના ચાલકે સ્કૂટરને અડફેટમાં લઈ લેતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં દયાળજીભાઈને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. ઉપરાંત તેમનો જમણો પગ પણ કપાઈ ગયો હતો. તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાય તે પહેલા જ તેઓએ દમ તોડયો હતો, અને ભારે ગમગીની ફેલાઈ હતી.
આ ઉપરાંત પાછળ બેઠેલા તેમના પત્ની ભગવતીબેનને કે જેઓ પણ ઈજાગ્રસ્ત બન્યા હોવાથી તેઓને સારવાર માટે સૌપ્રથમ ધ્રોલની સરકારી હોસ્પિટલમાં અને ત્યારબાદ જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે
જેમના પુત્ર કેતન દયાળજીભાઈ ચૌહાણ એ ધ્રોલમાં બોલેરો પીકઅપ વેનના ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસ હેડ કોન્સ્ટેબલ આર.એ. કુબાવત બનાવના સ્થળે તેમજ સરકારી હોસ્પિટલમાં દોડી ગયા હતા અને મૃતદેહનો કબજો સંભાળ્યો છે, જયારે બોલેરો સામે ગુનો નોંધ્યો છે.
