ભરૂચ જિલ્લામાંથી પસાર થનારી હાઈ ટેન્શન વીજ ટ્રાન્સમિશન લાઈનો મુદ્દે ખેડૂતોમાં ઉગ્ર રોષ
(પ્રતિનિધિ) ભરૂચ,ભરૂચ જિલ્લા માંથી પસાર થનારી હાઈ ટેન્શન વીજ ટ્રાન્સમિશન લાઈનો મુદ્દે ખેડૂતોમાં ઉગ્ર રોષ ફાટી નીકળ્યો છે. ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના બેનર હેઠળ ખેડૂતોના પ્રતિનિધિ મંડળે આજરોજ ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર આપી હાલ ચાલી રહેલી કામગીરી તાત્કાલિક બંધ કરાવવા અને ખેડૂતોના હક્કોની રક્ષા કરવા માંગ કરી હતી.
આવેદનપત્રમાં ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે રાજ્યના વિવિધ વિસ્તારોમાં પવનચક્કી અને સોલાર પાવર પ્લાન્ટ દ્વારા ઉત્પન્ન થતી વીજળીના ટ્રાન્સમિશન માટે ૪૦૦, ૨૨૦, ૧૩૨ અને ૬૬ કિ.વી.ની હાઈ ટેન્શન લાઈનો તથા ટાવરો ઉભા કરવામાં આવી રહ્યા છે.
આ કામગીરી દરમિયાન ખેડૂતોની જમીનમાં પ્રવેશ,ખેત પાકને નુકસાન તથા દબાણની ઘટનાઓ બની રહી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે.
ખેડૂતોના જણાવ્યા મુજબ ટાવર લાઈન નાખવા માટે જરૂરી CERC માર્ગદર્શિકા મુજબની લાઈસન્સ પ્રક્રિયા, વાંધા-સૂચનો અને જરૂરી દસ્તાવેજોની માહિતી અસરગ્રસ્તોને આપવામાં આવતી નથી.ઉપરાંત મુજબનો રૂટ મેપ પણ ખેડૂતોને આપવામાં આવતો નથી, જેના કારણે પારદર્શકતાનો અભાવ હોવાનું રજૂ કરવામાં આવ્યું છે.
આવેદનમાં વધુમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કેટલાક વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત સાથે કંપનીઓ દ્વારા કામગીરી હાથ ધરાતા ખેડૂતોમાં ભયનો માહોલ સર્જાયો છે.અસરગ્રસ્તોની સંમતિ વિના તથા યોગ્ય વળતર નક્કી કર્યા વગર કામગીરી આગળ ધપાવવામાં આવી રહી હોવાના આક્ષેપો પણ કરાયા છે.
જેને લઈને ખેડૂતોએ માંગણી કરી છે કે,ટાવર લાઈન નાખવાની હાલની કામગીરી તાત્કાલિક સ્થગિત કરાય, CERC માર્ગદર્શિકા મુજબ સંપૂર્ણ પ્રક્રિયા પારદર્શક રીતે અમલમાં મુકાય, રૂટ મેપ જાહેર કરવામાં આવે, જમીન સંપાદન કાયદા-૨૦૧૩ મુજબ યોગ્ય વળતર તથા ચાર ગણું વળતર ચૂકવવામાં આવે અને બજાર ભાવ નક્કી કરવા માર્કેટ રેટ ડિટર્મિનેશન કમિટી રચાય અથવા પ્રતિ ટાવર યોગ્ય નાણાકીય વળતર નક્કી કરાય તેવી માંગ કરવામં આવી હતી.
