SIR પ્રક્રિયામાં કોઇ પ્રકારે અવરોધ ઊભો નહીં કરવા દઇએઃ સુપ્રીમ કોર્ટ
નવી દિલ્હી, મતદાર યાદીની વિશેષ સુધારણા પૂર્ણ કરવામાં કોઈને પણ અવરોધ ઊભો કરવા દેશે નહીં તેવી રાજ્યોને સ્પષ્ટતા કરતાં સુપ્રીમ કોર્ટે સોમવારે પશ્ચિમ બંગાળના પોલીસ મહાનિર્દેશકને અસામાજિક તત્વો દ્વારા ચૂંટણી પંચની નોટિસો સળગાવવાના આક્ષેપ મામલે એફિડેવિટ દાખલ કરવા નિર્દેશ આપ્યો હતો.
પશ્ચિમ બંગાળે એસઆઈઆર પ્રક્રિયા માટે ચૂંટણી પંચને ૮,૫૦૫ ગ્રુપ બી અધિકારીઓની યાદી પૂરી પાડી હોવાનું નોંધીને, સર્વાેચ્ચ અદાલતે અસરગ્રસ્ત વ્યક્તિઓ દ્વારા સબમિટ કરવામાં આવેલા દસ્તાવેજોની ચકાસણી માટેની સમયમર્યાદા ૧૪ ફેબ્›આરીથી એક અઠવાડિયા માટે લંબાવી હતી, કારણ કે આ પ્રક્રિયામાં સમય લાગવાની શક્યતા છે અને તેનાથી ચૂંટણી નોંધણી અધિકારીઓને યોગ્ય નિર્ણય લેવામાં મદદ મળશે.
ચીફ જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ એન.વી. અંજારિયાની બેન્ચે જણાવ્યું હતું કે તે આ બાબતમાં જરૂરી તમામ આદેશો અથવા સ્પષ્ટતાઓ જારી કરશે. પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલી મતદાર યાદીની એસઆઈઆર સંબંધિત મુખ્યમંત્રી મમતા બેનર્જીની અરજી સહિતની અરજીઓની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસે કહ્યું હતું કે, “અમે એસઆઈઆર પ્રક્રિયામાં કોઈને પણ અવરોધ ઊભો કરવા દઈશું નહીં. તે રાજ્યોને સ્પષ્ટ હોવું જોઈએ.
તેની વધારાની એફિડેવિટમાં, ચૂંટણી પંચે રજૂઆત કરી હતી કે પશ્ચિમ બંગાળમાં એસઆઈઆર પ્રક્રિયાને અવરોધવા અને નિષ્ફળ બનાવવા માટે ઇરાદાપૂર્વક અને વ્યવસ્થિત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અનેક નિર્દેશો પસાર કરતા, બેન્ચે ઉમેર્યું કે ચૂંટણી પંચને આપવામાં આવેલા ૮,૫૦૫ ગ્રુપ બી અધિકારીઓને તાલીમ આપીને એસઆઈઆર પ્રક્રિયામાં કામે લગાડી શકાય છે.
કોર્ટે કહ્યું કે રાજ્યએ સુનિશ્ચિત કરવું જોઈએ કે આ અધિકારીઓ મંગળવારે સાંજે ૫ વાગ્યા સુધીમાં જિલ્લા ચૂંટણી અધિકારી અથવા ઈઆરઓને રિપોર્ટ કરે. આ અધિકારીઓની કામના પ્રકાર અંગે ચૂંટણી પંચ નક્કી કરશે.
બેન્ચે ચૂંટણી પંચ દ્વારા દાખલ કરવામાં આવેલી એફિડેવિટની નોંધ લીધી હતી, જેમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા હિંસા અને નોટિસો સળગાવવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. પંચે રજૂઆત કરી હતી કે અત્યાર સુધી, નોટિસો સળગાવવા અને અન્ય ગેરકાયદે પ્રવૃત્તિઓમાં સામેલ હોવાની શંકા ધરાવતા લોકો સામે કોઈ એફઆઈઆર નોંધવામાં આવી નથી. રાજ્ય તરફથી હાજર રહેલા વકીલે ચૂંટણી પંચના દાવાને નકારી કાઢ્યો હતો.
ત્યારબાદ બેન્ચે પશ્ચિમ બંગાળના ડીજીપીને હિંસા વિશેના નિવેદનો પર તેમની વ્યક્તિગત એફિડેવિટ ફાઇલ કરવા માટે કારણદર્શક નોટિસ જારી કરી હતી.મતદાર યાદીના સુધારા અંગેના અંતિમ નિર્ણયો હંમેશા ચૂંટણી મતદારયાદી અધિકારીઓ દ્વારા લેવામાં આવશે તેમ જણાવતાં બેન્ચે ઉમેર્યું હતું કે ચૂંટણી પંચ પાસે હાલના ઈઆરઓ અથવા આસિસ્ટન્ટ ઇલેક્ટોરલ રજીસ્ટ્રેશન ઓફિસરને બદલવાની અને તેમની યોગ્યતાને આધારે આ અધિકારીઓની સેવાઓ લેવાની સત્તા રહેશે.
તેમાં કહેવામાં આવ્યું છે કે ૮,૫૦૫ અધિકારીઓની યાદીમાંથી ચૂંટણી પંચ તેમના બાયો-ડેટા અને કામના અનુભવની ચકાસણી કર્યા પછી, પહેલેથી કાર્યરત માઇક્રો-ઓબ્ઝર્વર્સની સંખ્યા જેટલા અધિકારીઓને શોર્ટલિસ્ટ પણ કરી શકે છે. બેન્ચે કહ્યું કે આ અધિકારીઓને માઇક્રો-ઓબ્ઝર્વર્સની સાથે ઈઆરઓ અથવા એઈઆરઓને મદદ કરવાના હેતુથી એકાદ દિવસ માટે તાલીમ આપવામાં આવે.SS1MS
