Western Times News

Gujarati News

કોંગ્રેસે લોકસભા સ્પીકર બિરલા સામે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવા કમર કસી

File

નવી દિલ્હી, લોકસભાના સ્પીકર ઓમ બિરલા સામે અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરવા માટે કોંગ્રેસ સહિતના વિપક્ષોએ જોર-શોરથી તૈયારી શરૂ કરી છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને રાષ્ટ્રપતિના સંબોધન પર આભાર પ્રસ્તાવ વ્યક્ત કરવાની બિરલાએ મંજૂરી આપી ન હતી, જેના કારણે સંસદમાં હોબાળો સર્જાયો હતો. અગાઉ સંસદમાં ગેરશિસ્ત આચરવાના મામલે સ્પીકરે ૮ સાંસદોને સમગ્ર બજેટ સત્ર માટે સસ્પેન્ડ કર્યા હતા.

સ્પીકરના આ નિર્ણયો બાદ વિપક્ષે સંસદમાં સતત હોબાળો ચાલુ રાખ્યો છે ત્યારે હવે આગામી સમયમાં આ વિવાદ વધુ ઉગ્ર બનવા જઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગત સપ્તાહે વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ લોકસભામાં પૂર્વ આર્મી ચીફ એમ એમ નરવણેના અપ્રકાશિત પુસ્તકનો સંદર્ભ રજૂ કરવા પ્રયાસ કર્યાે હતો, પરંતુ સ્પીકરે મંજૂરી આપી ન હતી.

રાહુલ ગાંધીના વક્તવ્ય અને સાંસદોના સસ્પેન્શન સાથે તીવ્ર બનેલી રાજકીય હુંસાતુંસી વચ્ચે વિપક્ષના કેટલાક સાંસદો સાથે રાહુલ ગાંધીએ સોમવારે ગૃહ મુલતવી રહ્યા પછી ઓમ બિરલાની મુલાકાત લીધી હતી. સંસદમાં ઊભા થયેલા અવરોધને દૂર કરવા અને ગૃહની કામગીરી હાથ ધરવા બાબતે ચર્ચા કરી હતી.સૂત્રોના જણાવ્યા મુજબ, સમાધાન બાબતે ચર્ચા હાથ ધરવાની સાથે વિપક્ષના સાંસદોએ ઓમ બિરલાને સ્પીકર પદેથી હટાવવા માટે સહી ઝુંબેશ શરૂ કરી છે.

કોંગ્રેસ, ડીએમકે અને સમાજવાદી પક્ષના ૧૦૩ જેટલા સાંસદોએ આ પ્રસ્તાવ પર હસ્તાક્ષર કરી દીધા છે. સ્પીકર સામેની નોટિસ ક્યારે જારી કરવી તે અંગેનો નિર્ણય મંગળવારે લેવામાં આવશે. બંધારણની કલમ ૯૪-ઝ્ર હેઠળ પ્રસ્તાવ રજૂ કરવા માટેની આ નોટિસ લોકસભાના મહા સચિવને સુપરત કરવામાં આવશે.

સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ કહ્યું હતું કે, સંસદીય લોકશાહીમાં પ્રસ્તાવ લાવવાની વિરોધપક્ષને છૂટ હોય છે, પરંતુ તેમની પાસે પૂરતું સંખ્યાબળ નથી. નોટિસ પાઠવવાના કારણોમાં વિપક્ષના નેતાને ગૃહમાં બોલવાની મંજૂરી નહીં આપવાના, ૮ સાંસદને સસ્પેન્ડ કરવાના અને મહિલા સાંસદો પર આરોપ લગાવનારા ભાજપના સાંસદ નિશિકાંત દુબે સામે કાર્યવાહી હાથ નહીં ધરવાના મુદ્દાનો સમાવેશ થાય છે.

સોમવારે લોકસભામાં બજેટ પર ચર્ચાની શરૂઆત થાય તે પહેલા રાહુલ ગાંધીએ પોતાને બોલવાની મંજૂરી આપવા માગણી કરી હતી. જેના કારણે હોબાળો સર્જાયો હતો અને ગૃહ મુલતવી રખાયુ હતું. ગૃહની કાર્યવાહી મોકૂફ રખાયા બાદ સ્પીકર સાથે ચર્ચા કરવા માટે ગયેલા સભ્યોમાં રાહુલ ગાંધીની સાથે તૃણમૂલ કોંગ્રેસના અભિષેક બેનરજી, સમાજવાદી પક્ષના અખિલેશ યાદવ અને ડીએમકેના ટી આર બાલુનો પણ સમાવેશ થાય છે.

વાતચીત દરમિયાન વિપક્ષના સાંસદોએ ગૃહમાં વિરોધના કારણ અંતે વાત કરી હતી. ગૃહમાં ચર્ચા માટે વિપક્ષ તૈયાર હોવાનું રાહુલ ગાંધીએ કહ્યું હોવાનું જાણવા મળ્યું છે, જો કે તેના માટે રાહુલ ગાંધીને બોલવાની મંજૂરી મળવી જોઈએ. પોતે કયા મુદ્દે બોલવા માગે છે તે અંગે પણ રાહુલ ગાંધીએ ચર્ચા કરી હોવાનું કહેવાય છે, જેમાં રાહુલ ગાંધીએ ૮ સાંસદોના સસ્પેન્શન તથા મહિલા સાંસદો પર લગાવાયેલા આરોપો મુખ્યત્વે છે.

આ ઉપરાંત ગૃહને લગતા અન્ય કેટલાક મુદ્દા અંગે પણ વાત થઈ હતી.રાહુલ ગાંધીને લોકસભામાં બોલવાની મંજૂરી નહીં મળ્યા બાદ ૨ ફેબ્›આરીથી ગૃહની કાર્યવાહી ખોરંભે ચડેલી છે ત્યારે લોકસભા સ્પીકર ઓમ બિરલા સાથે મુલાકાત બાદ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભીંસમાં લીધા હતા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.