31 લાખ રુદ્રાક્ષથી તૈયાર થયેલા 31 ફૂટ ઊંચા વિરાટ રુદ્રાક્ષ શિવલિંગનું અનાવરણ
વલસાડના વાંકલમાં ૪૦માં ભવ્ય મહાશિવરાત્રિ મહોત્સવની શરૂઆત
(પ્રતિનિધિ) વલસાડ, વલસાડથી ધરમપુર રોડ ઉપર આવેલા વાંકલ નજીક દુલસાડ ગામમાં શનિવારની બપોરે રુદ્રાક્ષ વિશેષજ્ઞ અને વિશ્વવિખ્યાત શિવ કથાકાર પૂજ્ય બટુકભાઈ વ્યાસના સંકલ્પ અને સાનિધ્યમાં આયોજિત “મહાશિવરાત્રિ મહોત્સવ ૨૦૨૬” અંતર્ગત ૩૧ લાખ રુદ્રાક્ષથી તૈયાર થતું ૩૧ ફૂટ ઊંચું વિરાટ રુદ્રાક્ષ શિવલિંગનું અનાવરણ અનેક કુમારી બાળાઓના વરદ હસ્તે સંતો, મહંતો વિશાળ સંખ્યામાં ભાવિક ભક્તજનો , મહાનુભાવો થા મોટી સંખ્યામાં પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારોની હાજરીમાં થયું હતું.
બપોરે ૨.૦૦ કલાકે પોથીયાત્રાની શોભાયાત્રા સ્વરૂપે વાંકલના કાર્તિકસિંહ અને જયેશસિંહ પઢિયારના ઘરેથી નીકળીને રુદ્રાક્ષધામ પહોચી હતી. આ મહોત્સવ ૭ થી ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૬ દરમિયાન વલસાડ-ધરમપુર રોડ ઉપર આવેલા વાંકલ પાસે – દુલસાડ ખાતે યોજાશે. શ્રદ્ધાળુઓ રોજ સવારથી સાંજ સુધી વિરાટ રુદ્રાક્ષ શિવલિંગના દર્શન અને અભિષેક કરવાનો દિવ્ય અવસર પ્રાપ્ત કરશે.
દરરોજ સવારે ૯ઃ૦૦ થી ૧૨ઃ૦૦ કલાકે હોમાત્મક મહારુદ્ર યજ્ઞ, બપોરે ૩ઃ૦૦ થી ૬ઃ૦૦ દરમિયાન પૂજ્ય બટુકભાઈ વ્યાસના શ્રીમુખે સંગીતમય શિવકથા અને સાંજે ૬ઃ૩૦ કલાકે ૧૦૮ દિવડાની ભવ્ય મહાઆરતી યોજાશે. આ મહોત્સવ દરમિયાન દિકરી દેવો ભવઃ અંતર્ગત ૧૦૮ કુમારિકા પૂજન, બ્લડ ડોનેશન કેમ્પ, શિવ મહિમ્નઃ સ્તોત્ર પાઠ, એક શામ શિવ કે નામ ભજન સંધ્યા તેમજ વિવિધ ધાર્મિક અને સેવાભાવી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
