નવોદિત ઇટાલી સામે સ્કોટલેન્ડનો શાનદાર વિજય
કોલકાતા, ઓપનર જ્યોર્જ મુન્સેના શાનદાર ૮૪ રન અને બોલર માઇકલ લિએસ્કે ઇનિંગ્સના અંત ભાગમાં વેધક બોલિંગ કરતાં આઇસીસી ટી૨૦ ક્રિકેટ વર્લ્ડ કપમાં છેલ્લી ઘડીએ પ્રવેશેલી સ્કોટલેન્ડની ટીમે શાનદાર પ્રદર્શન કરીને પહેલી વાર વર્લ્ડ કપમાં રમી રહેલી ઇટાલીની ટીમને ૭૩ રનથી હરાવી પોતાના અભિયાનનો શુભારંભ કર્યાે હતો.
આ વર્લ્ડ કપમાં ભારત સામે અને ભારતની ધરતી પર નહીં રમવાના બાંગ્લાદેશના નિર્ણય બાદ આઇસીસીએ તેની હકાલપટ્ટી કરી નાખી હતી અને છેલ્લે ઘડીએ સ્કોટલેન્ડને પ્રવેશ મળ્યો હતો.
આ તકને બંને હાથે ઝડપી લેતાં ઇટાલી સામે મજબૂત પ્રદર્શન કર્યું હતું.અહીંના ઇડન ગાર્ડન્સ ખાતે રમાયેલી મેચમાં ઇટાલીએ ટોસ જીતીને હરીફ ટીમને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું પરંતુ તેમની ગણતરી ખોટી પડી હતી કેમ કે સ્કોટલેન્ડે ૨૦ ઓવરમાં માત્ર ચાર વિકેટ ગુમાવીને ૨૦૭ રનનો સ્કોર મૂકી દીધો હતો જેના જવાબમાં ઇટાલીની ટીમે ૧૭મી ઓવર સુધીમાં ૧૩૪ રન કર્યા હતા.
સ્કોટલેન્ડના ઓપનર જ્યોર્જ મુન્સેએ ૫૪ બોલમાં ૧૩ ચોગ્ગા અને બે સિક્સર સાથે ૮૪ રન ફટકાર્યા હતા તો તેના સાથી ઓપનર માઇકલ જોન્સે ૩૦ બોલમાં ૩૭ રન ફટકારીને પહેલી વિકેટ માટે ૧૩.૫ ઓવરમાં ૧૨૬ રનની ભાગીદારી નોંધાવી હતી. આ ઉપરાંત બ્રેન્ડન મેક્કુલેને પણ એવી જ ઝંઝાવાતી બેટિંગ કરીને માત્ર ૧૮ બોલમાં જ ચાર સિક્સર સાથે અણનમ ૪૧ રન ફટકારી દીધા હતા.
માઇકલ લિએસ્કે બેટિંગમાં કમાલ કરીને છેલ્લે છેલ્લે પાંચ જ બોલ રમીને બે ચોગ્ગા અને બે સિક્સર સાથે અણનમ ૨૨ રન ફટકાર્યા હતા.મેન ઓફ ધ મેચ બનેલા લિએસ્કે બોલિંગમાં પણ તરખાટ મચાવ્યો હતો. આક્રમક બેટિંગ કર્યા બાદ તેણે ઇટાલીની ઇનિંગ્સના પહેલા જ બોલે ઓપનર જસ્ટિન મોસ્કાને આઉટ કરી દીધો હતો. લિએસ્કે અંતે ચાર ઓવરમાં માત્ર ૧૭ રન આપીને ચાર વિકેટ ઝડપી હતી.
ઇટાલી માટે બેન માનેટીએ લડાયક બેટિંગ કરી હતી અને ૩૧ બોલમાં બાવન રન ફટકાર્યા હતા જેમાં એક સિક્સર ઉપરાંત પાંચ ચોગ્ગાનો સમાવેશ થતો હતો. ઇટાલી હવે ૧૨મીએ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે નેપાળ સામે રમશે તો ૧૪મીએ ઇડન ગાર્ડન્સ ખાતે સ્કોટલેન્ડની મેચ ઇંગ્લેન્ડ સામે રમાશે.SS1MS
