Western Times News

Gujarati News

‘ભારતને વધુ સારા થિયેટ્રિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર’

મુંબઈ, ભારતમાં સિનેમા સ્ક્રીન્સની સંખ્યા અંગે ચાલી રહેલી ચર્ચા વધુ તીવ્ર બની છે, ખાસ તો આમિર ખાને ભારતની સ્થિતિની ચીન સાથે સરખામણી કરતાં આ વિવાદે મોટું સ્વરૂપ ધારણ કર્યું છે.

આમિર ખાને કહ્યું હતું કે ચીન સાથે સ્પર્ધા કરવા માટે દેશમાં ઘણાં વધુ સિનેમાઘરોની જરૂર છે. આમિરના આ નિવેદન પર હવે થિયેટર એક્ઝિબિટર્સ અને વિતરકો તરફથી કડક પ્રતિક્રિયા સામે આવી છે, જેમાંથી એક નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે.આમિર ખાને એક ઇન્ટરવ્યુમાં ભારતીય એક્ઝિબિશન સેક્ટરની માળખાકીય મર્યાદાઓ પર વાત કરી હતી.

તેણે કહ્યું કે ભારત જેવા વિશાળ અને વૈવિધ્યસભર દેશ માટે હાલની સ્ક્રીન્સની સંખ્યા ખૂબ જ ઓછી છે. આમિરે જણાવ્યું, “ભારત એક વિશાળ દેશ છે, લગભગ એક ખંડ જેટલો મોટો વિસ્તાર છે. દરેક રાજ્યની પોતાની ભાષા, પોતાની સંસ્કૃતિ અને પોતાની ફિલ્મો છે. તેથી મને લાગે છે કે ભારત જેવા દેશમાં ઘણા વધુ સિનેમાઘરો હોવા જોઈએ, જેથી આપણે વધુ લોકો સુધી પહોંચી શકીએ. જો આપણે ચીન સાથે સ્પર્ધા કરવી હોય, તો ત્યાં અંદાજે એક લાખ સ્ક્રીન્સ છે.”

આગળ આમિરે કહ્યું, “ભારતમાં હાલમાં આશરે ૯,૦૦૦ સ્ક્રીન છે. તો આપણે ચીન સાથે સરખામણી પણ કઈ રીતે કરી શકાય? આઉટલેટ્‌સની સંખ્યામાં આપણે તેમના કરતાં દસમા ભાગના સ્ક્રીનની જ સુવિધા ધરાવીએ છીએ. એ જ કારણે ચીનમાં એક મોટી ફિલ્મ બે અબજ અમેરિકન ડોલર જેટલો બિઝનેસ કરે છે, એ પણ ફક્ત ચીનમાં જ. જ્યારે આપણે સ્ક્રીનની સંખ્યા વધારીએ, ત્યારે ગ્રાસરૂટ લેવલે બિઝનેસ વિસ્તરે છે અને એક માળખાનો આધાર મજબૂત બને છે.”

છેલ્લા થોડા વખતમાં સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મમાં રનવીર સિંહની ‘ધુરંધર’નું ઉદાહરણ આપતા, આમિરે પ્રશ્ન ઉઠાવ્યો કે વધુ સ્ક્રીન પર રિલીઝ થઈ હોત તો ફિલ્મ કેટલો વધુ બિઝનેસ કરી શકી હોત. “ધુરંધરે આશરે ૧,૦૦૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યાે છે. કલ્પના કરો કે જો તે ૫,૦૦૦ નહીં પરંતુ ૧૫,૦૦૦ સ્ક્રીન પર રિલીઝ થઈ હોત તો? અદભુત! ભારતના અનેક જિલ્લાઓમાં આજે પણ એકપણ સ્ક્રીન નથી.”આમિરના નિવેદન પર વિતરક અને એક્ઝિબિટર અક્ષય રાઠીએ તીવ્ર પ્રતિભાવ આપ્યો છે.

તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું, “આદર સાથે પૂછું છું, આમિર ખાન, તમારી છેલ્લી એવી કઈ ફિલ્મ હતી જેને ભારતની ૯,૦૦૦થી વધુ સ્ક્રીન પર રિલીઝ કરવાની જરૂર પડી હતી? કે પછી હિન્દી માર્કેટની ૪,૫૦૦ સ્ક્રીન પર પણ તમે તમારી કોઈ ફિલ્મ રિલીઝ કરી હતી? હેપ્પી પટેલ, લાપતા લેડીઝ, સિતારે જમીન પર જેવી ફિલ્મને મેટ્રો કેન્દ્રિત અને મર્યાદિત રિલીઝ મળી છે અને હાલની એક્ઝિબિશન ચેઇન બાબતે આ વાત જ બિલકુલ અપ્રસ્તુત છે.”

તેમણે આગળ ઉમેર્યું, “ભારતીય બિઝનેસ સંસ્થાઓ પાસે તમે જે સુવિધાઓની વાત કરો છો તે ઝડપથી ઉભું કરવાની ક્ષમતા છે, પરંતુ તેનો ઈંધણ એ કન્ટેન્ટ(ફિલ્મ) છે જે ગ્રાસરૂટ લેવલ પર લોકો સાથે જોડાય. તમે ‘ધુરંધર’નું ઉદાહરણ આપ્યું, પરંતુ એક વર્ષમાં કેટલી ફિલ્મ એવા આંકડામાં કમાણી છે? શું માત્ર ૩-૪ મોટી ફિલ્મો માટે કરોડો રૂપિયાનું મૂડીરોકાણ કરીને સિનેમાઘરો ઊભા કરી શકાય અને ચલાવી શકાય?”તો અક્ષય રાઠી નામના એક્ઝિબિટરે કહ્યું,“આજે જે પ્રકારનું કન્ટેન્ટ બની રહ્યું છે તેને જોતાં, તમારું નિવેદન મોટી મોટી વાચોની મજાક જેવી લાગે છે.

એક્ઝિબિટર તરીકે હું ખાતરી આપું છું કે જો ફિલ્મ સર્જકો શહેરો બહારના ભારતને પણ આકર્ષે તેવી ફિલ્મો બનાવશે, તો અમે વધુ સ્ક્રીન બનાવવામાં કોઈ કસર બાકી રાખીશું નહીં.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.