AIથી બનેલા ફેક વીડિયો ૩ કલાકમાં હટાવવા પડશે: સરકારના નવા નિયમો જાહેર
એઆઈના નકલી ઓડિયો-વીડિયો ક્લિપથી લોકો સુધી ખોટી માહિતી પહોંચે છે
(એજન્સી)નવી દિલ્હી, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો દુરુપયોગ અને સદઉપયોગ ખૂબ વધી રહ્યો છે. ઘણીવાર AI દ્વારા ડીપફેક અને નકલી ઓડિયો-વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવે છે, જેના કારણે લોકો સુધી ખોટી માહિતી પહોંચે છે, ત્યારે સરકારે એઆઈથી બનેલા કન્ટેન્ટને લઈને નવા નિયમો જાહેર કર્યા છે, જેની સીધી અસર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને ડિજિટલ કંપનીઓ પર પડશે.
નવા નિયમ મુજબ હવે ઈન્ટરનેટ પરનું કોઈપણ કન્ટેન્ટ એઆઈ ટુલ્સથી બનેલું હશે તો તેના પર સ્પષ્ટ લેબલ લખવું ફરજીયાત કરાયું છે. નવા નિયમો ૨૦ ફેબ્રુઆરી- ૨૦૨૬થી લાગુ થશે. જ્યારથી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની શરૂઆત થઈ છે, ત્યારથી એઆઈ ટુલ્સથી ડીપફેક વીડિયો, નકલી ફોટાઓ અને નકલી ઓડિયો બનાવવાની સામગ્રીમાં વધારો થયો છે અને આવા કન્ટેન્ડ ઈન્ટરનેટ પર ઝડપથી ફેલાઈ રહ્યા છે.
આવા કન્ટેન્ટ અસલી છે કે નકલી, તે યુઝર્સ માટે જાણવા મુશ્કેલ હોય છે. ત્યારે આજ કારણે સરકારનું માનવું છે કે, તેનાથી ખોટી માહિતી ફેલાઈ રહી છે, કેટલાકની બદનામી થઈ રહી છે, છેતરપિંડીની ઘટનાઓ પણ વધી છે. આ સમસ્યાનું નિવારણ લાવવાના પ્રયાસો હેઠળ નવા નિયમો લાવવામાં આવ્યા છે.
કોમ્પ્યુટર અથવા અલ્ગોરિધમ દ્વારા ઓડિયો, વીડિયો, ફોટો અથવા વિઝ્યુઅલ બનાવીને તેને ઈન્ટરનેટ પર શેર કરવામાં આવે છે અને આવા કન્ટેન્ટ સંપૂર્ણ અસલી લાગતા હોય છે, ત્યારે આવી ગેરમાર્ગે દોરનારી સામગ્રીને અટકાવવી ખૂબ જરૂરી છે, તેથી જ કેન્દ્ર સરકારે કૃત્રિમ સામગ્રીની સ્પષ્ટ પરિભાષા જાહેર કરી છે.નવા નિયમો મુજબ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સે એઆઈથી બનેલા ફેક અને ગેરકાયદે કન્ટેન્ટ માત્ર ત્રણ કલાકની અંદર હટાવવા પડશે.
અગાઉ આ સમયગાળો ૩૬ કલાકનો હતો. જો કોઈ ડીપફેક વીડિયો, નકલી ડોક્્યુમેન્ટ અથવા ભડકાઉ એઆઈ કન્ટેન્ટ ફેલાઈ રહ્યું છે, તો પ્લેટફોર્મ્સે તાત્કાલીક કાર્યવાહી કરીને તેને હટાવવું પડશે. સરકારનું માનવું છે કે, આમાં વિલંબ થવાના કારણે તે ઘણું ફેલાઈ જાય છે.
નવા નિયમોમાં એવું પણ કહેવાયું છે કે, સોશિયલ મીડિયા કંપનીઓએ દર ત્રણ કલાકે યુઝર્સના નિયમોની માહિતી આપવી પડશે. આમાં યુઝર્સને સ્પષ્ટ કહેવામાં આવશે કે, જો એઆઈથી બનેલું ગેરકાયદે અથવા વાંધાજનક કન્ટેન્ટ શેર કરશો
તો તેમના વિરુદ્ધ એઆઈ એક્ટ, નવા ફોજદારી કાયદા, પોસ્કો અને અન્ય એક્ટ હેઠળ કાર્યવાહી થઈ શકે છે. કેન્દ્ર સરકારે સ્પષ્ટ કહ્યું છે કે, સોશિયલ મીડિયા કંપનીઓએ એવા ટૂલ્સ લગાવવા પડશે જે એઆઈ દ્વારા બનાવવામાં આવેલા કન્ટેન્ટની ઓળખ કરી શકે.
આવા કન્ટેન્ટ પર સ્પષ્ટ લેબલ દેખાવું જોઈએ. તેની સાથે એક ડિજિટલ ઓળખ અથવા મેટાડેટા જોડવો પડશે જેને હટાવી ન શકાય. આનો ઉદ્દેશ્ય એ છે કે કોઈપણ એઆઈ કન્ટેન્ટ ઓળખ વગર ફેલાય નહીં. કેટલાક કન્ટેન્ટ મામલે ખાસ કડકાઈ દાખવવામાં આવી છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સે બાળકો સાથે જોડાયેલ યૌન સંબંધીત કન્ટેન્ટ, મંજૂરી વગરની પ્રાઈવેટ તસવીરો અથવા વીડિયો, નકલી ડોક્્યુમે્ટ, હથિયારો અથવા હિંસા દેખાડતા કન્ટેન્ટ તાત્કાલીક બ્લોક અથવા હટાવવા પડશે.
આ ઉપરાંત કોઈપણ વ્યક્તિ અથવા ઘટનાના ડીપપેક વીડિયો સામે પણ આવી જ કાર્યવાહી કરવી પડશે. જો આમાં બેદરકારી દાખવવામાં આવશે તો કંપનીઓ સામે કાર્યવાહી કરવાની પણ ચેતવણી આપવામાં આવી છો. સરકારે સ્પષ્ટ કહ્યું છે કે, નવા નિયમોના કારણે નકલી અહેવાલો, ડીપફેક અને ભ્રામક પ્રચાર ફેલાતો અટકાવી શકાશે. આનાથી યુઝર્સનો ઓનલાઈન પ્લેટફોર્મ પર વિશ્વાસ વધશે.
બીજીતરફ કંપનીઓ સામે નવો પડકાર ઉભો થયો છે. આ માટે તેમણે ટેકનોલોજીમાં મોટાપાયે રોકાણ કરવું પડશે. તેઓએ છૈં કન્ટેન્ટને ઓળખતી સિસ્ટમ બનાવવી પડશે. દરેક પોસ્ટ પર નજર રાખવું સરળ કામ નથી. જોકે કેન્દ્ર સરકારનું વલણ સ્પષ્ટ છે કે, હવે એઆઈથી બનેલા કન્ટેન્ટ પર ગંભીરતાથી ધ્યાન આપવામાં આવશે. સોશિયલ મીડિયા પર જે કન્ટેન્ટ ફરી રહ્યું છે, તેની જવાબદારી માત્ર યુઝર્સનીં જ નહીં, પ્લેટફોર્મ્સની પણ છે.
