આ રાજ્યના મુખ્યમંત્રીએ કોંગ્રેસના નેતાઓ પર કર્યો મોટો કાનૂની હુમલોઃ 500 કરોડના માનહાનિનો કેસ દાખળ
આરોપ છે કે આ નેતાઓએ જમીન સંબંધિત મામલામાં તેમની સામે ખોટા અને દ્વેષપૂર્ણ આરોપો લગાવ્યા છે-સીએમ હિમંતાનું મોટું પગલું: ગૌરવ ગોગોઇ સહિત ૩ નેતાઓ પર ૫૦૦ કરોડનો માનહાનિ કેસ દાખલ
(એજન્સી)આસામ, આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ કોંગ્રેસના નેતાઓ પર મોટો કાનૂની હુમલો કર્યો છે જેમાં તેમણે ૫૦૦ કરોડનો માનહાનિનો દાવો દાખલ કર્યો છે. મુખ્યમંત્રીએ આ કેસ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ જિતેન્દ્ર સિંહ, ભૂપેશ બઘેલ અને આસામ કોંગ્રેસના પ્રમુખ ગૌરવ ગોગોઈ સામે દાખલ કર્યો છે. સરમાનો આરોપ છે કે આ નેતાઓએ જમીન સંબંધિત મામલામાં તેમની સામે ખોટા અને દ્વેષપૂર્ણ આરોપો લગાવ્યા છે.
ગયા અઠવાડિયે ગૌરવ ગોગોઈએ દાવો કર્યો હતો કે કોંગ્રેસની તપાસમાં ખુલાસો થયો છે કે મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્મા અને તેમના પરિવારના સભ્યોએ રાજ્યભરમાં આશરે ૧૨,૦૦૦ વીઘા જમીન પર અતિક્રમણ કર્યું છે. આ આરોપથી આસામમાં રાજકીય ખળભળાટ મચી ગયો.
ગોગોઈના આરોપોના થોડા કલાકો પછી, મુખ્યમંત્રી શર્માએ સ્પષ્ટ કર્યું કે તેઓ પુરાવા વિના લગાવવામાં આવેલા આરોપો સામે માનહાનિનો દાવો દાખલ કરશે. ત્યારબાદ મંગળવારે, તેમણે કોર્ટમાં ૫૦૦ કરોડના નુકસાનની માંગણી માટે દાવો દાખલ કર્યો.
મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને કહ્યું કે આજે મેં કોંગ્રેસના નેતાઓ જિતેન્દ્ર સિંહ, ભૂપેશ બઘેલ અને ગૌરવ ગોગોઈ સામે ૫૦૦ કરોડના નુકસાનની માંગણી કરતો માનહાનિનો કેસ દાખલ કર્યો છે. આ નેતાઓએ પ્રેસ કોન્ફરન્સ દ્વારા મારા વિરુદ્ધ ખોટા, દ્વેષપૂર્ણ અને બદનક્ષીભર્યા આરોપો લગાવ્યા હતા.
સરમાએ અગાઉ કોંગ્રેસના નેતાઓ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું હતું કે તેઓ ગાંધી પરિવારના ગુલામો દ્વારા કરવામાં આવતા પ્રચાર, બદનક્ષીના પ્રયાસો અથવા રાજકીય નાટકથી ડરશે નહીં. તેમણે એમ પણ કહ્યું હતું કે હિટ-એન્ડ-રન રાજકારણનો યુગ સમાપ્ત થઈ ગયો છે. જો તેમની પાસે કોઈ હિંમત કે પુરાવા હોય, તો તેમણે તેને કોર્ટમાં રજૂ કરવા જોઈએ.
