Western Times News

Gujarati News

લોકસભા સ્પીકર સામે વિપક્ષની અવિશ્વાસ દરખાસ્તની નોટિસ

નવી દિલ્હી, વિરોધ પક્ષોએ ઓમ બિરલાને લોકસભાના સ્પીકર પદેથી દૂર કરવા માટેની અવિશ્વાસની દરખાસ્ત લાવવા માટે મંગળવારે એક નોટિસ આપી હતી. આ નોટિસમાં કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને ડીએમકે સહિતના આશરે ૧૨૦ સાંસદોએ હસ્તાક્ષર કર્યા હતા, જોકે ટીએમસીએ તેને સમર્થન આપ્યું નથી. વિપક્ષે ગૃહના કામકાજમાં બિરલા સ્પષ્ટપણે પક્ષપાતી વલણ અપનાવતા હોવાનો અને બંધારણીય પદનો દુરુપયોગ કરતાં હોવાનો આરોપ મૂક્યો છે.

વિપક્ષની આ નોટિસ અંગે ૯ માર્ચે નિર્ણય થવાની ધારણા છે. જોકે લોકસભામાં સત્તારૂઢ એનડીએ પાસે સ્પષ્ટ બહુમતી હોવાથી આવી દરખાસ્ત પસાર થવાની શક્યતા નહિવત્ છે.

લોકસભાના અધિકારીઓએ જણાવ્યું હતું કે સ્પીકરે લોકસભાના મહાસચિવ ઉત્પલ કુમાર સિંહને આ નોટિસની વિચારણા કરવા અને નિયમો અનુસાર યોગ્ય કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે.

લોકસભામાં કોંગ્રેસના ઉપનેતા ગૌરવ ગોગોઈ, મુખ્ય દંડક કે સુરેશ અને દંડક મોહમ્મદ જાવેદે કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને ડીએમકે સહિતના પક્ષો વતી લોકસભાના મહાસચિવ ઉત્પલ કુમાર સિંહને બંધારણની કલમ ૯૪-સી હેઠળ નોટિસ સુપરત કરી હતી.સૂત્રોએ જણાવ્યું હતું કે નોટિસ પર કોંગ્રેસ, ડીએમકે, સમાજવાદી પાર્ટી, ડાબેરી પક્ષો અને આરજેડી સહિત વિપક્ષના લગભગ ૧૨૦ સાંસદોએ સહી કરી છે.

શિવસેના યુબીટી અને એનસીપી-એસપીએ પણ સ્પીકર વિરુદ્ધ નોટિસને ટેકો આપ્યો છે, પરંતુ તેમના સાંસદો તેના પર સહી કરી નથી. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના નેતૃત્વ હેઠળની તૃણમૂલ કોંગ્રેસ એ નોટિસમાં હસ્તાક્ષર કર્યા નથી.

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ નોટિસ પર સહી કરી નથી.અગાઉ વિપક્ષી સભ્યોએ સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુ સાથે બેઠક યોજી હતી, પરંતુ તેમના મુદ્દાઓનો ઉકેલ આવ્યો ન હતો. આ પછી બપોરે ૧ વાગ્યા નોટિસ સુપરત કરાઈ હતી. જોકે આ નોટિસમાં ખોટી તારીખ લખી હતી, તેથી તેની જગ્યાએ તારીખ સુધારીને બપોર પછી બીજી નોટિસ સુપરત કરી હતી.નોટિસમાં જણાવાયું છે કે અનેક પ્રસંગોએ વિરોધ પક્ષોના નેતાઓને બોલવાની મંજૂરી અપાઈ નથી.

૨ એપ્રિલે રાહુલ ગાંધીને રાષ્ટ્રપતિના અભિભાષણના આભાર પ્રસ્તાવ પર તેમનું ભાષણ પૂરુ કરવા દેવાયું ન હતું. આ કોઈ એકલદોકલ ઘટના નથી. લોકસભામાં વિરોધ પક્ષના નેતાને હંમેશા બોલવાની મંજૂરી અપાતી નથી. ૩ ફેબ્›આરીએ વિપક્ષના આઠ સાંસદોને સમગ્ર બજેટ સત્ર માટે મનસ્વી રીતે સસ્પેન્ડ કરાયાં હતાં. તેમને તેમના લોકશાહી અધિકારોનો ઉપયોગ કરવા બદલ દંડ કરવામાં આવ્યો હતો.

સ્પીકર ઓમ બિરલાએ વિપક્ષના તેમના સામેના અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા અને નિર્ણય ન આવે ત્યાં સુધી ગૃહની કાર્યવાહીમાં ભાગ ન લેવાનો નિર્ણય કર્યાે હતો. લોકસભાના એક અધિકારીએ જણાવ્યું હતું કે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ નૈતિકતાના ધોરણોને જાળવી રાખીને એક મોટો નિર્ણય કર્યાે છે.

આ અવિશ્વાસ દરખાસ્ત અંગે નિર્ણય ન ત્યા સુધી તેઓ અધ્યક્ષની ખુરશી પર બેસશે નહીં. બંધારણની કલમ ૯૬ મુજબ સ્પીકર અથવા ડેપ્યુટી સ્પીકરને પદ પરથી હટાવવાની દરખાસ્ત વિચારણા હેઠળ હોય ત્યાં સુધી તેઓ ગૃહનીનું અધ્યક્ષપદ સંભાળી શકતા નથી. જો લોકસભામાં દરખાસ્ત પર ચર્ચા થાય તો સ્પીકરને ગૃહમાં પોતાનો બચાવ કરવાનો બંધારણીય અધિકાર છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.