Western Times News

Gujarati News

પતિએ પત્નીના માથામાં હથોડી મારી દેતાં મોત

મહેસાણા, વડનગર તાલુકાના સબલપુર વેણમાં રહેતા પરિવારમાં મધરાતે કોઈ કારણોસર આવેશમાં આવી ગયેલા પતિએ પત્નીના માથામાં હથોડી મારતાં તેણીને સારવાર માટે લઈ જતાં પહેલાં જ મોત નિપજ્યું હતું. વડનગર પોલીસે પતિ સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વડનગર તાલુકાના સબલપુર વેણ કહીપુર રોડ પર રહેતા અતુલજી ભલાજી ઠાકોર અને તેમનાં પત્ની ગોમતીબેન (ઉં.વ.૫૨) સોમવારે રાત્રે જમ્યા બાદ ઘરની બાજુમાં છાપરામાં સૂવા ગયા હતા. રાત્રે ૨ વાગ્યે માતાએ બુમ પાડતાં ઘરમાં સૂઈ રહેલા તેમના પુત્ર અશ્વિનજી દોડીને છાપરામાં ગયા ત્યારે તેમના પિતા ત્યાં ઊભેલા હતા, નીચે હથોડી પડેલી હતી અને તેમનાં માતા માથાના ભાગ્યું હોઈ લોહીલુહાણ હાલતમાં પડેલાં હતાં.

અશ્વિનજીએ બુમો પાડતાં તેમના બે ભાઈઓ શૈલેશજી અને બકાજી પણ ત્યાં દોડી આવ્યા હતા અને ગંભીર ઈજાગ્રસ્ત માતાને સારવાર માટે પડોશીની કારમાં બેસાડી વડનગર સિવિલમાં લઈ ગયા હતા. જ્યાં તબીબે ગોમતીબેનને મૃત જાહેર કર્યાં હતાં. વડનગર પોલીસને જાણ કરતાં મૃતકનું પીએમ કરાવવા સહિતની કાર્યવાહી હાથ ધરાઈ હતી.

અશ્વિનજીએ પિતા સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, પતિ-પત્ની વચ્ચે અગાઉ કોઈ અણબનાવ કે ઝઘડો થયેલો નથી, પરંતુ કોઈ કારણોસર આવેશમાં આવી ગયેલા તેમના પિતાએ માતાના માથાની ડાબી બાજુ હથોડી મારી દેતાં તેમનું મોત નિપજ્યું છે.

વડનગર પોલીસે અતુલજી ભલાજી ઠાકોર સામે હત્યાનો ગુનો નોંધી પીઆઈ એ.એન.ગઢવીએ ઘટનાસ્થળનું પંચનામુ કરવા સહિત આગળની તપાસ હાથ ધરી છે. પીઆઈએ જણાવ્યું હતું કે, આરોપી સહિતની પૂછપરછ અને તપાસ બાદ હત્યાનું ચોક્કસ કારણ જાણી શકાશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.