“યુરોપ અને કેનેડા પાસે ભારત સાથેના સંબંધો ગાઢ બનાવવા સિવાય અન્ય કોઈ વિકલ્પ રહ્યો નથી”
‘વિભાજિત વૈશ્વિક અર્થતંત્રમાં ભારત એક સધ્ધર ત્રીજા ધ્રુવ તરીકે ઉભરી રહ્યું છે’
નવી દિલ્હી, વોશિંગ્ટન સ્થિત ઓનલાઈન પબ્લિકેશન ‘ધ નેશનલ ઈન્ટરેસ્ટ’ના એક લેખ અનુસાર, અમેરિકા, ચીન અને રશિયા દ્વારા સર્જાયેલા પ્રતિકૂળ વિશ્વને કારણે યુરોપ અને કેનેડા પાસે ભારત સાથેના સંબંધો ગાઢ બનાવવા સિવાય અન્ય કોઈ વિકલ્પ રહ્યો નથી.
ડૉ. જિયાનલી યાંગ દ્વારા લખાયેલા આ લેખમાં જણાવાયું છે કે, “ચીનથી ઉભા થતા જોખમોને ઘટાડવા (de-risking) અને અમેરિકાની અસ્થિરતા સામે રક્ષણ મેળવવા વચ્ચે ફસાયેલા યુરોપે હવે વ્યૂહાત્મક વિકલ્પ તરીકે ભારત તરફ નજર દોડાવી છે. ભારત, ચીન જેવી ભૌગોલિક રાજકીય અને નૈતિક નકારાત્મકતા વગર મોટા પાયે તકો પૂરી પાડે છે. તે અમેરિકાની સુરક્ષા વ્યવસ્થાનો વિકલ્પ નથી કે ચીનની મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમની નકલ નથી, પરંતુ તે વધુને વધુ વિભાજિત થતા વૈશ્વિક અર્થતંત્રમાં એક સધ્ધર ત્રીજા ધ્રુવ (Third Pole) નું પ્રતિનિધિત્વ કરે છે.”
લેખમાં હાઈલાઈટ કરવામાં આવ્યું છે કે કેનેડા પણ યુરોપ જેવી જ સ્થિતિનો સામનો કરી રહ્યું છે. આ બાબત વડાપ્રધાન માર્ક કાર્નીના ચીન તરફના સાવચેતીભર્યા અભિગમમાં પ્રતિબિંબિત થાય છે, જેનો ઉદ્દેશ્ય ભાગીદારીમાં વિવિધતા લાવવા અને અમેરિકાના એકપક્ષીય નિર્ણયોના જોખમને ઘટાડવાનો છે. આમ છતાં, તેઓ વોશિંગ્ટન અને બેઇજિંગ વચ્ચે પોતાની જગ્યા બનાવી રાખવા માંગે છે.
તાજેતરના વર્ષોમાં રાજદ્વારી અને સુરક્ષા વિવાદોને કારણે કેનેડા-ભારત સંબંધોમાં ખટાશ આવી હોવા છતાં, ઓટાવા (કેનેડા) વાસ્તવિકતા સ્વીકારીને યુરોપના માર્ગે ચાલી શકે છે અને ભારતને એક વ્યવહારુ સુરક્ષા કવચ (Pragmatic hedge) તરીકે ગણી શકે છે.
લેખમાં વધુમાં જણાવાયું છે કે, યુરોપ અને ભારત વચ્ચે વેપાર કરાર પર હસ્તાક્ષર થવા, અમેરિકા અને ભારત વચ્ચે ફ્રેમવર્ક ડીલ થવી અને “કેનેડા પણ સંભવિતપણે એ જ દિશામાં આગળ વધવું, એક અનપેક્ષિત માળખું ઊભું કરી રહ્યું છે. ભારત હવે એટલાન્ટિકના બંને છેડાઓને જોડતો વ્યાપારી, વ્યૂહાત્મક અને રાજકીય સેતુ બની રહ્યું છે.”
ભારત આ ભૂમિકામાં યોગ્ય રીતે ફિટ બેસે છે કારણ કે દેશ તેના મેન્યુફેક્ચરિંગ બેઝનો ઝડપથી વિસ્તાર કરી રહ્યો છે. કંપનીઓ તેમની સપ્લાય ચેઇનમાં વિવિધતા લાવી રહી હોવાથી ચીનથી ખસેડાયેલા રોકાણને ભારત આકર્ષી રહ્યું છે. અમેરિકામાં વેચાતા મોટાભાગના આઇફોન (iPhones) હવે ભારતમાં બને છે, જે વૈશ્વિક પરિવર્તનનું પ્રતીકાત્મક ચિહ્ન છે. લેખ મુજબ, ભારત ઓછા મજૂરી ખર્ચની સાથે સુધરતું કાયદાકીય માળખું, તકનીકી ક્ષમતા અને વિશાળ સ્થાનિક બજાર ધરાવે છે.
લેખમાં અવલોકન કરવામાં આવ્યું છે કે, “સૌથી મહત્વની વાત એ છે કે ભારત એવી વસ્તુ ઓફર કરે છે જે ચીન નથી કરી શકતું: લોકશાહી કાયદેસરતા. તેની સંસ્થાઓ કદાચ અપૂર્ણ હોઈ શકે, પરંતુ તે યુરોપ અને ઉત્તર અમેરિકા સાથે એક સમાન રાજકીય ભાષા પૂરી પાડે છે – જેમ કે ચૂંટણી, અદાલતો અને નાગરિક સમાજ – જે સહકારની રાજકીય કિંમત ઘટાડે છે. વસ્તીની દૃષ્ટિએ ભારતનું યુવા, અંગ્રેજી બોલતું કાર્યબળ અને વધતી જતી ખરીદશક્તિ તેની લાંબા ગાળાની આકર્ષકતા વધારે છે. વ્યૂહાત્મક રીતે, ચીન સાથેની તેની હરીફાઈ અને સ્વાયત્તતા માટેનો આગ્રહ તેને બેઇજિંગના સરમુખત્યારશાહી મોડલ કરતા એટલાન્ટિકના હિતો સાથે વધુ કુદરતી રીતે જોડે છે.”
રિપોર્ટમાં એવો પણ ઉલ્લેખ છે કે ભારતની સંરક્ષણવાદી માનસિકતા (Protectionist instincts) અને અમલદારી જડતા યુરોપ અને કેનેડા બંને માટે સમસ્યા ઊભી કરી શકે છે. “પરંતુ અવિશ્વાસ અને વિક્ષેપથી ભરેલા વૈશ્વિક ક્રમમાં, ભારતની લવચીકતા – એટલે કે કોઈની સાથે સંપૂર્ણ રીતે બંધાયા વગર તમામ પક્ષો સાથે જોડાવાની ક્ષમતા – તેની સૌથી મોટી સંપત્તિ સાબિત થઈ શકે છે. જેમ જેમ (અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ) ટ્રમ્પ ગઠબંધનને નવેસરથી આકાર આપી રહ્યા છે અને સાથી દેશોને નારાજ કરી રહ્યા છે, ત્યારે ભારત કોઈ મોટી યોજના વગર જ, ખાલી પડેલી જગ્યા ભરીને વિભાજિત એટલાન્ટિક વિશ્વને એકસાથે રાખતો મહત્વનો કડીરૂપ દેશ બની ગયું છે.”
