પ્લેન ક્રેશની તપાસમાં અનુસરાયેલા પ્રોટોકોલ અંગે સુપ્રીમે રિપોર્ટ માગ્યો
નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ૧૨ જૂન, ૨૦૨૫ના રોજ અમદાવાદમાં થયેલી એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાની તપાસમાં અત્યાર સુધી અનુસરવામાં આવેલા ‘પ્રક્રિયાગત નિયમો’ અંગે ટૂંકો રિપોર્ટ રજૂ કરવા બુધવારે આદેશ આપ્યો છે. એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (એએઆઈબી) દ્વારા કરવામાં આવી રહેલી આ તપાસ હવે અંતિમ તબક્કામાં હોવાની જાણકારી કોર્ટને આપવામાં આવી છે.
આ મામલે હવે ત્રણ અઠવાડિયા પછી વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે. લંડનના ગેટવિક એરપોર્ટ જઈ રહેલી એર ઇન્ડિયાની બોઇંગ ૭૮૭-૮ ફ્લાઇટ એઆઈ-૧૭૧નું સંચાલન પાયલોટ-ઇન-કમાન્ડ કેપ્ટન સુમીત સભરવાલ અને કો-પાયલોટ કેપ્ટન ક્લાઇવ કુંદેર કરી રહ્યા હતા.
અમદાવાદથી ઉડાન ભર્યા બાદ આ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું, જેમાં કુલ ૨૬૦ લોકોનાં મોત થયા હતા. કેન્દ્ર સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્ય બાગચીની બેંચને જણાવ્યું કે, “એએઆઈબી તપાસ અંતિમ તબક્કામાં છે અને તેના કેટલાક ભાગોની તપાસ વિદેશમાં કરવાની જરૂર છે.
તેમણે આ બાબતે ત્રણ અઠવાડિયા પછી સુનાવણી રાખવા વિનંતી કરી હતી.” એનજીઓ ‘સેફ્ટી મેટર્સ ફાઉન્ડેશન’ તરફથી હાજર રહેલા વકીલ પ્રશાંત ભૂષણે દલીલ કરી હતી કે, “અન્ય ત્રણ બોઇંગ ૭૮૭ વિમાનો સાથે પણ આવી જ ઘટનાઓ બની છે.
તેમણે દાવો કર્યાે કે ૮,૦૦૦ થી વધુ પાયલોટ બોઇંગ ૭૮૭ને અસુરક્ષિત ગણાવી રહ્યા છે અને તેને ગ્રાઉન્ડેડ (સેવા મુક્ત) કરવી જોઈએ.” જોકે, ચીફ જસ્ટિસ સૂર્યકાંતે વકીલ ભૂષણને આધારવિહોણા મીડિયા રિપોટ્ર્સ પર વધુ વિશ્વાસ ન કરવા જણાવ્યું અને ઉમેર્યું કે, “ડ્રીમલાઇનર (બોઇંગ ૭૮૭) એક સમયે સર્વશ્રેષ્ઠ માનવામાં આવતું હતું.
કોઈ ચોક્કસ એરલાઇન પર ટિપ્પણી કરવામાં આપણે સાવચેત રહેવું જોઈએ.” સુપ્રીમ કોર્ટની બેંચે સ્પષ્ટ કર્યું કે એએઆઈબીની ભૂમિકા દુર્ઘટનાનું કારણ શોધવાની છે, કોઈના પર દોષારોપણ કરવાની નથી.SS1MS
