ગ્રાહકને વળતરનો ચુકાદો તુક્કા નહીં, નક્કર પુરાવાના આધારે આપવો જોઈએ
નવી દિલ્હી, લૂનની બેદરકારીના કારણે પોતાના મોડેલિંગ એસાઈનમેન્ટમાં નુકસાન થયું હોવાના દાવા સાથે મહિલાએ કેસ કર્યાે હતો. જેમાં નેશનલ કન્ઝ્યુમર ડીસ્પ્યુટ્સ રીડ્રેસલ કમિશને દિલ્હીની ફાઈવ સ્ટાર હોટલ ખાતે આવેલા સલૂનને વાળ બરાબર નહીં કાપવા માટે રૂ.૨ કરોડનું વળતર ચૂકવવા આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટ સમક્ષ આ ચુકાદાને પડકારવામાં આવતાં કમિશનના ચુકાદાને રદ ઠરાવી રૂ. ૨ કરોડના બદલે રૂ.૨૫ લાખનું વળતર ચૂકવવા આદેશ આપ્યો હતો.
જસ્ટિસ રાજેશ બિન્દલ અને જસ્ટિસ મનમોહનની બેન્ચે ચુકાદામાં નોંધ્યુ હતું કે સેવામાં ખામી હોવાનું સાબિત થાય છે, પરંતુ ગ્રાહકને વળતર ચૂકવવાની બાબત માત્ર નક્કર પુરાવાના આધારે નક્કી થવી જોઈએ. ફરિયાદીએ કરેલી માગણી કે પછી કોઈ તુક્કાના આધારે આ અંગે નિર્ણય લઈ શકાય નહીં.
ખાસ કરીને આ કેસમાં વળતરની રકમ કરોડો રૂપિયા થઈ રહી છે ત્યારે વિશ્વસનીય પુરાવા હોવા જોઈએ. કન્ઝ્યુમર ડિસ્પ્યુટ્સ રીડ્રેસલ કમિશન દ્વારા ઉપલબ્ધ તથ્યોને ગ્રાહ્ય રાખીને વળતર માગેલું વળતર જાહેર કરી શકાય તેવો સરળ કેસ નથી. સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું હતું કે, ફરિયાદીને સેવામાં ખામીના લીધે નુકસાન થયું હોવાનું સાબિત કરવાનું જરૂરી હોય છે.
પ્રસ્તુત કેસમાં માત્ર દસ્તાવેજોની ફોટોકોપી રજૂ કરવામાં આવી છે અને તેની હકીકત સામે પણ અરજદારે શંકાઓ ઊભી કરી છે. આ ફોટોકોપીને સાચી માની લેવામાં આવે તો પણ આટલું મોટું વળતર આપી શકાય તેવો આ કેસ નથી. ફરિયાદીને રૂ.૨ કરોડનું વળતર જાહેર કરવાનો કન્ઝ્યુમર કમિશનનો આદેશ ભૂલ ભરેલો છે.
કમિશને પોતાના ચુકાદામાં નોંધ્યું છે કે, ફરિયાદીને વાળ બરાબર નહીં કપાવાથી આઘાત લાગ્યો હતો અને તેઓ મૂળ દસ્તાવેજો સાચવી શક્યા ન હતા અને કમિશન સમક્ષ ફોટોકોપી રજૂ કરી હતી. ફોટોકોપી પર આધાર રાખીને જંગી વળતર આપવાના હુકમન ન્યાયી કહી શકાય તેમ નથી.
આ કેસમાં દિવાની કાયદાની કલમોને ચુસ્તપણે લાગુ કરી શકાય તેમ નથી, પરંતુ ફરિયાદીને રૂ. ૨ કરોડનું નુકસાન કઈ રીતે થયું તે મૂલવવામાં કમિશન નિષ્ફળ રહ્યું છે. કેસની વિગતો મુજબ, એપ્રિલ ૨૦૧૮માં આશના રોય નામની મેનેજમેન્ટ પ્રોફેશનલે દિલ્હી ખાતે આવેલી આઈટીસી મૌર્ય હોટલના સલૂનની મુલાકાત લીધી હતી.
સલૂનમાં સ્ટાઈલિસ્ટે વાળ વધારે ટૂંકા કરી નાખ્યા હતા અને તેના કારણે મોડેલિંગ એસાઈનમન્ટ્સમાં નુકસાન થયું હોવાનો દાવો મહિલાએ કર્યાે હતો. કન્ઝ્યુમર કમિશને રૂ. ૨ કરોડનું વળતર ચૂકવવા કરેલા હુકમને હોટલ દ્વારા સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.SS1MS
