Western Times News

Gujarati News

બે લાખની ઉઘરાણીમાં યુવકને મૂઢ માર મારી છરીના ત્રણ ઘા ઝીંકી રહેંસી નાખ્યો

અમદાવાદ , શહેરના બોપલ વકીલ સાહેબ બ્રિજ નીચે મંગળવારે રાત્રે એક યુવક લક્ઝરી બસમાં બેઠો હતો. તે સમયે તેને એક યુવકનો ફોન આવ્યો હતો અને બાદમાં ત્રણેક લોકો મળવા આવ્યા હતા.

યુવકને મળવા આવેલા લોકોએ તેની સાથે બોલાચાલી ઝઘડો કરીને મૂઢ માર માર્યાે હતો. આ દરમિયાનમાં એક આરોપીએ છરીથી હુમલો કરતા યુવકનું મોત નિપજ્યું હતું.

સરખેજ પોલીસે હત્યાનો ગુનો નોંધી બે આરોપીની ધરપકડ કરી છે. જેમાં એક આરોપીએ મૃતકને ઉછીના બે લાખ રૂપિયા આપ્યા બાદ ઉઘરાણીને લઇને માથાકૂટ થતાં હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. મૂળ રાજસ્થાનનો ૨૫ વર્ષીય શિવા કલાસુઆ સાઉથ બોપલ એપલવુડ પાસે ભાડાની ઓરડીમાં રહીને ઘરઘાટીનું કામ કરતો હતો.

શિવા કલાસુઆ મંગળવારે રાત્રે બોપલ વકીલ સાહેબ બ્રિજ નીચે સ્ત્રી મિત્ર, સુરેશ અહારી તથા અનિલ ગામેતી સાથે સુરેશ અહારીની ટ્રાવેલ્સમાં બેઠા હતા. તે દરમિયાનમાં શિવાને કોઇ નારાયણ ઉર્ફે રાજકુમાર નામના વ્યક્તિએ ફોન કરતા શિવાએ મળવા બોલાવ્યો હતો. જે બાદ સુનિલ ખોખરિયા સહિત ત્રણ લોકો બોપલ વકીલ સાહેબ બ્રિજ નીચે શિવાને મળવા આવ્યા હતા. આ તમામ લોકોએ શિવાને બહાર બોલાવીને ગડદા પાટુનો માર મારવાનું શરૂ કર્યું હતું.

આ સમયે સુનિલ ખોખરિયાએ તેની પાસેની છરી કાઢીને શિવાને એક પછી એક ઘા માર્યા હતા. જેથી શિવા બચવા માટે ભાગ્યો ત્યારે ત્યાં રોડની કિનારીએ જઇને પટકાયો હતો. તેની સાથેના લોકોએ દોડી આવીને શિવાને નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યાે હતો. સરખેજ પોલીસને જાણ કરાયા બાદ પોલીસે સ્થળ પર પહોંચી હત્યાનો ગુનો નોંધીને સુનિલ ખોખરિયા અને જયેશ વર્મા નામના બે આરોપીની ધરપકડ કરી છે.

પોલીસ તપાસ કરતા આરોપી સુનિલ ખોખરિયાએ દિવાળી સમયે મૃતક શિવાને બે લાખ રૂપિયા ઉછીના આપ્યા હતા. મૃતક શિવાએ તે રૂપિયા પરત ન આપતા આરોપી સુનિલ ઉઘરાણી કરતો હતો. તે દરમિયાનમાં મારામારી ઝપાઝપી થતાં આરોપી સુનિલે સહઆરોપી જયેશ બલાઇ અને સગીર સાથે મળીને છરીના ત્રણ ઘા ઝીંકી શિવાની હત્યા કરી નાખી હતી.

સરખેજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ. એ. ગોહિલે જણાવ્યું હતું કે સુનિલ ખોખરિયાએ સહઆરોપી જયેશ બલાઇ અને સગીર સાથે મળીને હત્યા કરતા બંને આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

આરોપી સુનિલ શ્યામલ ચાર રસ્તા પાસે આવેલી મેડિલિંક હોસ્પિટલમાં કેરટેકરનું કામ કરે છે અને તેની સામે મારામારી અને લૂંટના પાંચ ગુના નોંધાયા છે. જ્યારે આરોપી જયેશ પેલેડિયમ મોલમાં સફાઇનું કામ કરે છે અને તેની સામે ત્રણ ગુના નોંધાયા છે. જ્યારે મૃતક શિવા સામે પણ ચાર ગુના નોંધાયા હોવાનું સામે આવ્યું છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.