Western Times News

Gujarati News

એસઓજીએ રિવરફ્રન્ટ પરથી ૯.૪૮ લાખના એમડી ડ્રગ્સ સાથે યુવકને ઝડપ્યો

અમદાવાદ, શહેરમાં ડ્રગ્સ અને હાઈબ્રીડ ગાંજાનો વેપાર સતત વધતો જઈ રહ્યો છે ત્યારે એરપોર્ટ પર હેરોઈન અને ડ્રગ્સનો જથ્થો ઝડપાયા બાદ શહેર પોલીસ પણ એલર્ટ મોડમાં છે.

સ્પેશિયલ ઓપરેશન ગ્રુુપ દ્વારા અમદાવાદ રિવરફ્રન્ટ પરથી એક પેડલરને ૯.૪૮ લાખના એમડી ડ્રગ્સ સાથે ઝડપી લેવામાં આવ્યો છે. અમદાવાદમાં રહેતો પરંતુ મૂળ રાજસ્થાનનો આ પેડલર બે સપ્લાયરો પાસેથી ડ્રગ લઈને અમદાવાદના પેડલરને ડિલિવરી આપવા માટે આવ્યો હતો ત્યારે ઝડપાઈ ગયો છે.

એસઓજીની ટીમને બાતમી મળી હતી કે નહેરુબ્રિજ પાસે આવેલી પતંગ હોટલની પાછળ રિવરફ્રન્ટ જવાના રસ્તા પર નય્યાર રઝા નામનો શખ્સ એમડી ડ્રગ્સ લઈને યુગલો અને નશાખોરોને વેચાણ માટે ફરી રહ્યો છે. બાતમીના આધારે ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ૨૧ વર્ષીય નય્યાર રઝા કુરેશીની અટકાયત કરી હતી. કાલુપુરના પાંચપટ્ટી વિસ્તારમાં પરિવાર સાથે રહેતો નય્યાર મૂળ રાજસ્થાનના આબુ રોડનો વતની હોવાનું સામે આવ્યું છે.

તેની તલાશીમાં ૯.૪૮ લાખ રૂપિયાનું એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. પૂછપરછ દરમિયાન નય્યારે જણાવ્યું હતું કે રાજસ્થાનમાં રહેતા તેના મિત્રો સોહિલ બલોચ અને નઈમ શેખ પાસેથી ડ્રગ્સ લાવ્યો હતો અને અમદાવાદના સલમાન શેખને આપવાનો હતો. એસઓજીએ નય્યાર રઝા, સલમાન શેખ, સોહિલ બલોચ અને નઈમ શેખ વિરુદ્ધ ડ્રગ્સનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

અમદાવાદ શહેરમાં જે રીતે યુવાધન શોર્ટકટમાં વધુ રૂપિયા કમાવવાની લાલચે ડ્રગના વેપારમાં જોડાઈ રહ્યું છે તે ચિંતાજનક છે. ઘણી વખત ડ્રગ પેડલર યુવાનોને ટાર્ગેટ કરી પહેલા તેમને નશાના રવાડે ચડાવી રહ્યા છે અને ત્યારબાદ તેમની પાસે આ મોતના સામાનની હેરાફેરી કરાવી રહ્યા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.