Western Times News

Gujarati News

શહેરમાં વાયુ પ્રદૂષણ ઘટાડવા અમદાવાદમાં પણ ઠેર ઠેર એર પ્યોરીફાયર લગાવાશે

અમદાવાદ, વિકાસનાં મામલે અનેક શહેરોને પાછળ છોડી દેનારા અમદાવાદ મહાનગરપાલિકાનાં સત્તાધીશોએ વાયુ પ્રદૂષણમાં ઘટાડો કરી શહેરીજનોના સ્વાસ્થ્યની ચિંતા કરવામાં દેશભરમાં અગ્રેસર રહેલાં જયપુરનું અનુકરણ કરી શહેરમાં ઠેર ઠેર આધુનિક ટેકનોલોજી ધરાવતાં એર પ્યોરીફાયર લગાવવાનો નિર્ણય લીધો છે.

મ્યુનિ. સ્ટે.કમિટી ચેરમેન દેવાંગભાઇ દાણી તેમજ ડે.મેયર જતીનભાઇ પટેલે જણાવ્યું હતું કે, કોઇ રાજ્ય કે મહાનગરપાલિકા નાગરિકલક્ષી નમૂનારૂપ કામગીરી કરે તો તેનું અનુકરણ કરવામાં સહેજપણ નાનપ અનુભવવી જોઇએ નહિ અને આ બાબતને ધ્યાને લઇ અમે રાજસ્થાનના જયપુર શહેરનું અનુકરણ કરવાનું નક્કી કર્યું છે. જયપુર મહાનગરપાલિકાના શાસકોએ નાગરિકોને વાયુ પ્રદૂષણથી રાહત આપવા માટે જાહેર માર્ગાે ઉપર લાઇટનાં થાંભલાઓ ઉપર મીની એર પ્યોરીફાયર લગાવ્યાં છે.

આ મીની એર પ્યોરીફાયર જર્મન ટેકનોલોજીથી બનેલાં છે અને ડેન્માર્કની કંપનીએ બનાવ્યા છે, આ એર પ્યોરીફાયર હવામાંથી ધૂળ-સિમેન્ટનાં રજકણો તથા ધુમાડા ખેંચી લઇને સ્વચ્છ હવાનો પ્રવાહ છોડવાનું કામ કરે છે.

જયપુરમાં એર પ્યોરીફાયરથી વાયુ પ્રદૂષણમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે તેને ધ્યાને લઇ અમદાવાદમાં પણ ઠેર ઠેર આ પ્રકારનાં એર પ્યોરીફાયર લગાવવામાં આવશે તેવી માહિતી આપતાં તેમણે કહ્યું કે, વાયુ પ્રદૂષણને અંકુશમાં રાખતાં વૃક્ષો ઉપર મોટા પ્રમાણમાં ધૂળ જામી જાય છે તેનાથી વૃક્ષોની કાર્બન ડાયોક્સાઇડ શોષી ઓક્સિજન છોડવાની ક્ષમતા ઘટતી હોવાથી પાણીનાં ઝીણા ફુવારા છોડતા મિસ્ટ મશીનથી રોડ સાઇડનાં વૃક્ષો ઉપર પાણીનો છંટકાવ ચાલુ કરાવી દેવામાં આવ્યો છે.

આ સિવાય શહેરનાં લગભગ તમામ વિસ્તારોમાં બાંધકામ સાઇટો ધમધમતી હોય છે, તેમજ રિડેવલપમેન્ટની સ્કીમો અને નાગરિકોનાં પોતાનાં ઘરમાં નાનામોટા રિપેરિંગનાં કારણે પણ ધૂળ-સિમેન્ટનાં રજકણો હવામાં ફેલાઇને રોડ-ફૂટપાથ ઉપર જામતાં હોય છે.

તેનાથી શહેરની સ્વચ્છતા અને સુંદરતાને અસર થતી હોવાથી સોલીડ વેસ્ટ ખાતાને ગટરનાં ટ્રીટ થયેલાં પાણી ન્યૂસન્સ ટેન્કરોમાં ભરી લાવીને આંતરે દિવસે જુદા જુદા વિસ્તારનાં રોડ ધોવાની સૂચના આપવામાં આવી છે.

આ કામગીરીથી પણ વાયુ પ્રદૂષણમાં ઘટાડો થશે તે નિશ્ચિત છે તેમ મ્યુનિ.હોદ્દેદારોએ જણાવ્યું હતું.મ્યુનિ. હોદ્દેદારોએ જણાવ્યું હતું કે, જાહેર માર્ગાે ઉપર જંકશન ખાતે ફુવારા ચાલુ કરવાથી ગરમીમાં રાહત મળવાની સાથે ફુવારાથી હવામાં ભળતાં પાણીનાં કણમાં ધૂળ જેવા રજકણ ચોંટીને જમીનદોસ્ત થતાં હોય છે અને તેનાથી વાયુ પ્રદૂષણ ઘટતુ હોય છે.

આથી હયાત ફુવારા ચાલુ કરવા અને જ્યાં જગ્યા મળે ત્યાં નવા ફુવારા બનાવવામાં આવશે. તદઉપરાંત તળાવોમાં સ્માર્ટ એરિએટરની સાથે ફુવારા લગાવવાનો નિર્ણય લેવાયો છે, તેનાથી તળાવનાં પાણીમાં ઓક્સિજન ભળશે તથા ફુવારાથી વાયુ પ્રદૂષણમાં ઘટાડો થશે. આમ શહેરમાં વાયુ પ્રદૂષણની માત્રા અંકુશમાં લેવા માટે અનેકવિધ ઉપાયો કરવામાં આવી રહ્યાં છે, જેનાં પરિણામ આગામી સમયમાં જોવા મળશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.