રાહુલ ગાંધીને ચૂંટણી લડવા પર આજીવન રોક લગાવો -ભાજપના સાંસદે નોટિસ આપી
File PHoto
(એજન્સી)નવી દિલ્હી, સંસદનું આ બજેટ સત્ર અત્યાર સુધીમાં ખૂબ જ હોબાળો અને સનસનીખેજ રહ્યું છે. હવે ભાજપ સાંસદ નિશિકાંત દુબેએ કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ એક પ્રસ્તાવની નોટિસ આપી છે.
ભાજપ સાંસદે રાહુલ ગાંધી પર આરોપ લગાવ્યો છે કે તેમને ભારત વિરોધી તત્ત્વો સાથે મિલિભગત છે. આવા સમયે તેમની લોકસભા સદસ્યતા રદ થવી જોઈએ, સાથે જ કોંગ્રેસ સાંસદને આજીવન ચૂંટણી લડતા પણ રોકવામાં આવે તેવી ભાજપના સાંસદે વાત કહી છે.
ભાજપ સાંસદ નિશિકાંત દુબેએ ગુરુવારે ૧૨ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ સબ્સટેંટિવ મોશન લાવવાની નોટિસ આપી છે અને તેમની સંસદ સદસ્યતા રદ કરવાની સાથે આજીવન ચૂંટણી લડવા માટે અયોગ્ય ઘોષિત કરવાની માગ કરી છે.
સંસદ પરિસરમાં ભાજપ સાંસદે કહ્યું કે, તેમણે પોતાની નોટિસમાં રાહુલ ગાંધીની વિદેશ મુલાકાત અને કથિત રીતે સોરોસ ફાઉન્ડેશન, યુએસએઆઈડી અને ફોર્ડ ફાઉન્ડેશન જેવી સંસ્થાઓ સાથે જોડાયેલા લોકો સાથે સંપર્કનો ઉલ્લેખ કર્યો છે.
દુબેએ આરોપ લગાવ્યો કે, રાહુલ ગાંધી થાઈલેન્ડ, વિયતનામ અને કંબોડિયા જેવા દેશોની યાત્રા દરમ્યાન ભારત વિરોધી તત્ત્વો સાથે મિલીભગત કરે છે. તેમણે સ્પષ્ટ કર્યું કે આ કોઈ વિશેષાધિકાર પ્રસ્તાવ નથી, પણ એક સ્વતંત્ર અને આત્મનિર્ભર પ્રસ્તાવ એટલે કે સબ્સટેંટિવ મોશન છે, જેનો ઉદ્દેશ્ય સદન સમક્ષ નિર્ણય અથવા મત વ્યક્ત કરવાનો હોય છે.
