Western Times News

Gujarati News

SIRની કામગીરીમાંથી હજુ તો શૈક્ષણિક સ્ટાફ છૂટો થયો નથી ત્યાં તો ફરી એક પરિપત્ર કરી દેવાતા વિવાદ

સર્વે માત્ર શૈક્ષણિક સંસ્થાઓ પૂરતો, બહાર જવાની જરૂર નથીઃ શિક્ષણ મંત્રી

ગુજરાતની તમામ શૈક્ષણિક સંસ્થાઓને શ્વાનોનો તાત્કાલિક સર્વે કરવા આદેશ

અમદાવાદ, ગુજરાતમાં SIRની કામગીરીમાંથી હજુ તો શૈક્ષણિક સ્ટાફ છૂટો થયો નથી ત્યાં તો ફરી એક પરિપત્ર કરી દેવાતા વિવાદનું વંટોળ ઊભું થયું છે. હવે સુપ્રીમ કોર્ટના આદેશને ટાંકીને રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રહેલા શ્વાનોનો રિપોર્ટ સોંપવા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ પરિપત્ર જાહેર કર્યો છે.

જેમાં શાળાના કેમ્પસની અંદર અને આસપાસ કેટલા શ્વાન છે તેની વિગતો જણાવવા સૂચન કરવામાં આવ્યું છે. કોંગ્રેસે દાવો કર્યો છે કે શિક્ષણ નિયામકે પરિપત્ર કરી શિક્ષકોને શ્વાન ગણવાની જવાબદારી આપી છે. જો કે શિક્ષકો કે શાળાના સ્ટાફે શૈક્ષણિક સંસ્થાઓ પૂરતી જ શ્વાનની મર્યાદિત ગણતરી કરવાની છે તેનો પણ સરકાર દ્વારા સ્પષ્ટ ઉલ્લેખ કરાયો છે.

આ આદેશ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુઓમોટો જાહેર હિત અરજી ૫/૨૦૨૫ના સંદર્ભમાં આપવામાં આવ્યો છે. જેનો મુખ્ય હેતુ શૈક્ષણિક પરિસરો ઉપરાંત જાહેર સ્થળોને રખડતાં શ્વાનથી સુરક્ષિત રાખવાનો છે. માત્ર શાળાઓ જ નહીં, પરંતુ હોસ્પિટલો, બસ સ્ટેશનો અને રેલ્વે સ્ટેશન જેવા જાહેર સ્થળો પર પણ શ્વાનોની સ્થિતિ અંગે સચોટ ડેટા તૈયાર કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે.

શાળાના આચાર્યને કઈ કઈ વિગતો આપવા જણાવાયું?
-શાળાનું નામઃ જે-તે શાળાની વિગત.
-કેમ્પસની અંદરઃ શાળાના કૅમ્પસમાં રખડતા શ્વાનોની ચોક્કસ સંખ્યા.
-કેમ્પસની આસપાસઃ શાળાની આજુબાજુના વિસ્તારમાં રખડતા શ્વાનોની સંખ્યા.
– હા/ના માં જવાબઃ શું આ અંગે વિસ્તારના સંબંધિત અધિકારીને જાણ કરવામાં આવી છે કે નહીં?

સમગ્ર મામલે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી સરકાર પર સવાલો ઉઠાવતા કહ્યું કે, શિક્ષકોને શિક્ષણ સિવાય શૌચાલય ગણવા, ભીડ ભેગી કરવા, ચૂંટણીના કામ, જીંઇની કામગીરી આપવામાં આવી છે, જેના કારણે શિક્ષણ પર ગંભીર અસર પડી છે.

હવે શિક્ષકોને પોતાના વિસ્તારમાં શ્વાનની ગણતરી માટે આદેશ કરાયો છે જેથી વર્ગખંડમાં શિક્ષણ આપવાનો સમય મળશે નહીં, શું ગુજરાતમાં શિક્ષકો સિવાય આ કામગીરી માટે કોઈ છે જ નહીં? તાત્કાલિક પરિપત્રને રદ કરી દેવામાં આવે, કારણ કે રાજ્યના શિક્ષકો પાસે શિક્ષણ સિવાય ૬૦ વધારાની કામગીરી છે.

શિક્ષણ મંત્રી પ્રદ્યુમ્ન વાજાએ કોંગ્રેસના સવાલો પર જવાબ આપતા કહ્યું કે, ‘આરોપ કરવોએ એમનો અધિકાર છે અને કામ પણ છે, નામદાર સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. અને તેમાં સ્પષ્ટ લખેલું છે કે પોતે પોતાની શૈક્ષણિક સંસ્થાઓ એ પૂરતી જ ગણતરી મર્યાદિત છે. તેને કોઈ બહારની જગ્યાએ સર્વે કરવા જવાની જરૂર નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.