Western Times News

Gujarati News

ભરૂચના શક્તિનાથથી શ્રવણ ચોકડી સુધીના માર્ગ પરના દબાણો દૂર કરંતુ તંત્ર

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ શહેરમાં વધતા જતાં ટ્રાફિક બોજા અને માર્ગો પર થતા અવરોધોને ધ્યાનમાં રાખી ભરૂચ વહિવટી તંત્ર દ્વારા દબાણ હટાવો કામગીરી હાથ ધરવામાં આવી હતી.

શહેરના મુખ્ય માર્ગોને દબાણમુક્ત બનાવવાના હેતુસર શક્તિનાથથી શ્રવણ ચોકડી તરફ જતાં માર્ગના બંને બાજુ આવેલા ગેરકાયદેસર બાંધકામો અને દબાણો સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી. માર્ગની સીમાથી અંદાજે ૧૫ મીટર સુધી આવેલા લારીઓ, ગલ્લાઓ, શેડ, ઓટલા તેમજ અન્ય પક્કા-કચ્ચા બાંધકામો પર જેસીબી મશીનો ફેરવી દબાણો દૂર કરવામાં આવ્યા હતા.

આ કામગીરી બુધવારની સવારે એસ.ડી.એમ મનીષા માનાની તથા મામલતદારના માધવી મિસ્ત્રીના માર્ગદર્શન અને સૂચના હેઠળ હાથ ધરવામાં આવી હતી.કામગીરીની શરૂઆત અયોધ્યાનગર નજીક આવેલ શ્રી મોઢેશ્વરી માતાજી મંદિરના કંપાઉન્ડના દબાણગ્રસ્ત ભાગને દૂર કરીને કરવામાં આવી હતી. તંત્રની ટીમે પૂર્વ સૂચના મુજબ માપણી કરી ગેરકાયદેસર ભાગ તોડી પાડ્‌યો હતો.

દબાણ હટાવાની કાર્યવાહી દરમ્યાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.પોલીસની હાજરીમાં તંત્રની ટીમે સુચારૂ રીતે કામગીરી પૂર્ણ કરી હતી.અચાનક હાથ ધરાયેલી આ કાર્યવાહીથી દબાણકારોમાં ફફડાટનો માહોલ ફેલાયો હતો,જ્યારે કેટલાક લોકોએ સ્વયંભૂ રીતે પોતાના દબાણો દૂર કરવાની પ્રક્રિયા શરૂ કરી હતી.

વહિવટી તંત્રના અધિકારીઓએ જણાવ્યું હતું કે શહેરના મુખ્યમાર્ગોને દબાણમુક્ત બનાવવાની ઝુંબેશ આગળ પણ યથાવત રાખવામાં આવશે અને જાહેર માર્ગો પરના ગેરકાયદેસર દબાણો સામે સતત કાર્યવાહી કરવામાં આગામી દિવસોમાં પણ કરવામાં આવનાર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.