Western Times News

Gujarati News

મહેમદાવાદની શાળામાં વિદ્યાર્થીને ઢોર માર મારતા પ્રિન્સિપાલ વિરુદ્ધ ગુનો દાખલ

પ્રતિકાત્મક

(પ્રતિનિધિ) નડિયાદ, મહેમદાવાદ તાલુકાના છાપરા ગામે આવેલી સરકારી માધ્યમિક શાળામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શાળાના પ્રિન્સિપાલે ધોરણ ૯ માં અભ્યાસ કરતા ૧૪ વર્ષીય વિદ્યાર્થીને સામાન્ય બાબતે ક્લાસ રૂમમાં લઈ જઈ નિર્દયતાપૂર્વક માર માર્યો હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ છે.

આ મામલે વિદ્યાર્થીના પિતાએ મહેમદાવાદ પોલીસ સ્ટેશનમાં પ્રિન્સિપાલ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા અરજી આપતા પોલીસે બી.એન.એસ. તથા જ્યુવેનાઈલ જસ્ટિસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ ?મહેમદાવાદના વીરોલ નીલકંઠ પુરા વિસ્તારમાં રહેતા સુખદેવભાઇ બાબરભાઇ ચૌહાણે નોંધાવેલી ફરિયાદ માં જણાવ્યું છે કે તેમનો ૧૪ વર્ષીય પુત્ર કરણ છાપરા ગામની સરકારી માધ્યમિક શાળામાં ધોરણ ૯ માં અભ્યાસ કરે છે.

ગત તારીખ ૦૬/૦૨/૨૦૨૬ ના રોજ કરણ શાળાએ ગયો હતો, તે દરમિયાન બપોરના સમયે તે ક્લાસમાંથી કોઈની રજા લીધા વગર વોશરૂમ જવા માટે બહાર નીકળ્યો હતો. કરણ જ્યારે વોશરૂમથી પરત આવી રહ્યો હતો ત્યારે શાળાના પ્રિન્સિપાલ સુરેશભાઇ કે. પરમારે તેને જોઈ ગયા હતા અને “કેમ બહાર રખડે છે” તેમ કહી તેને પકડી લીધો હતો. ?

પ્રિન્સિપાલ સુરેશભાઇ પરમાર વિદ્યાર્થી કરણને ખેંચીને ક્લાસ રૂમમાં લઈ ગયા હતા, જ્યાં તેના બંને પગ વચ્ચે વિદ્યાર્થીનું માથું દબાવી દઈ બરડાના ભાગે ચાર-પાંચ લાફા ઝીંકી દીધા હતા. આટલેથી ન અટકતા, પ્રિન્સિપાલે વિદ્યાર્થીના બંને કાન પકડીને તેને ટેબલ ઉપર પછાડ્‌યો હતો, જેના કારણે વિદ્યાર્થીને કાન અને ગળાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.

ઘટના બાદ સાંજે ઘરે પહોંચેલા કરણે બીજા દિવસે પોતાના પિતા અને અન્ય શિક્ષકોને આ આપવીતી જણાવી હતી. ?પુત્રને થયેલી ઈજાઓને પગલે પિતા તેને સારવાર માટે મહેમદાવાદ સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. ત્યારબાદ આ મામલે મહેમદાવાદ પોલીસ મથકે પહોંચી પ્રિન્સિપાલ સુરેશભાઇ પરમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ કેસની વધુ તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આશ્વિનભાઈ રામજીભાઈ અસારી ચલાવી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.