સુરતના ઉદ્યોગોના કેમિકલથી નવસારીના ૧૦ ગામોની પ૦૦ વીઘા જમીન સ્મશાનમાં ફેરવાઈ
પ્રતિકાત્મક
નવસારી, સોનગઢના ડુંગરાઓમાંથી નીકળી પવિત્ર મીંઢોળા નદી આજે ઉદ્યોગપતિઓની ગટર લાઈન બની ગઈ છે. સુરત અને નવસારીના ઉદ્યોગો દ્વારા ઠલવાતા ઝેરી એસિડ અને કેમિકલે મરોલી પંથકના પોસરા વાડા ગામ સહિતના અનેક ગામોમાં વિનાશ નોતર્યો છે.
સ્થિતિ એટલી ગંભીર છે કે, પ૦૦ વીઘાથી વધુ ઉપજાઉ જમીન હવે ડેડ ઝોન બની ગઈ છે જ્યાં ઘાસનું તરણું પણ ઉગવા તૈયાર નથી. મીંઢોળ નદી તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ડોસવાડા નજીકના પહાડોમાંથી શુદ્ધ પાણી સાથે નીકળે છે.
પરંતુ સુરતના પલસાણાની ડાઈંગ-પ્રિન્ટિંગ મિલો અને સચિન જીઆઈડીસીના રાક્ષસી એકમોનું કેમિકલયુક્ત પાણી ખાડીઓ વોટ આ નદીમાં ભળે છે. મરોલી પંથક સુધી પહોંચતા આ પાણી એટલું ઝેરી થઈ જાય છે કે તેની દુર્ગંધ સહન કરવી મુશ્કેલ બને છે. પ૦૦ વીઘા જમીનમાં કેમિકલ ઉતરી જતાં ભૂગર્ભજળ પ્રદૂષિત થયા છે.
