Western Times News

Gujarati News

વડગામના માહી ગામે જૈનમ બ્રાન્ડના નામે નકલી ઘી બનાવતી ફેકટરી ઝડપાઈ

પ્રતિકાત્મક

વગર પરવાને ચાલતી પેઢીના માલિક વિરુધ્ધ કાર્યવાહી કરાઈ

છાપી, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, પાલનપુર દ્વારા જાહેર જનતાના આરોગ્યના હિતમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વિભાગના ડેઝિગ્નેટેડ ઓફિસર ટી.એચ. પટેલ અને ફૂડ સેફટી ઓફિસર ઈ.એસ. પટેલની ટીમ દ્વારા બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના માહી ખાતે આવેલા ગુડલક એસ્ટેટના પ્લોટ નં.પ૯૦૦ પર સ્થિત મે. ખુશ્બુ એન્ટરપ્રાઈજ નામની પેઢીમાં તપાસ કરવામાં આવી હતી.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, આ પેઢીના માલિક અલમદારઅલી અબ્બાસ અલી સુણસરા કોઈપણ પ્રકારના કાયદેસરના પરવાના કે મંજૂરી વગર શંકાસ્પદ ઘીના ઉત્પાદન અને વેચાણનો ધંધો કરતા હતા.

આ તપાસ દરમિયાન પેઢીમાં કલર, એસેન્સ, સોયાબીન ઓઈલ, પામોલીન ઓઈલ અને વનસ્પતિનો ઉપયોગ કરી મોટાપાયે શંકાસ્પદ ઘીનું ઉત્પાદન, વેચાણ અને સંગ્રહ થતું હોવાનુ જણાયું હતું. ફૂડ સેફટી ઓફિસર દ્વારા પંચોની હાજરીમાં કરાયેલી તપાસમાં “જૈનમ બ્રાન્ડનું ૧ લિટરના પેકિંગમાં શુદ્ધ ગાયનું ઘી તેમજ લૂઝ ઘીનો જથ્થો મળી આવ્યો હતો.

આ ઉપરાંત ભેળસેળ માટે વપરાતા જલારામ રિફાઈન્ડ સોયાબીન તેલ, પામોલીન તેલ, સૂર્યા ગોલ્ડ વનસ્પતિ, વેજીબટેલ ફેટ, બીટા કેરોટીન કલર અને આર્ટિફિશિયલ ફલેવર સબસ્ટન્સ જેવા પદાર્થો મોટી માત્રામાં મળી આવ્યા હતા. “જૈનમ” બ્રાન્ડના નામે ગાય અને ભેંસનું ઘી બનાવીને જુદા-જુદા રાજયોમાં તેનું વેચાણ કરતી હોવાનું તપાસમાં ખુલ્યું હતું.

આ કાર્યવાહી અંતર્ગત ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ- ર૦૦૬ હેઠળ શંકાસ્પદ ઘી અને એડલટ્રન્ટના કુલ ૦૮ નમૂનાઓ લેવામાં આવ્યા છે, જેને ચકાસણી અર્થે સરકારી ફૂડ લેબોરેટરી ખાતે મોકલવાની તજવીજ હાથ ધરાઈ છે. વિભાગ દ્વારા આશરે ૧પ૧૩ કિલોગ્રામ શંકાસ્પદ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે જેની અંદાજિત કિંમત રૂ.૩,૬૭,૯૮૬/- થાય છે.

હાલ આ મામલે જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેમ ખોરાક અને ઔષધ નિયમન તંત્રના અધિકારી દ્વારા માહિતી આપવામાં આવી હતી. વડગામના વેપારી હબ ગણાતા છાપી હાઈવે વિસ્તારમાં મોટાપાયે હલકી ગુણવત્તાવાળા ખાદ્ય પદાર્થનું ઉત્પાદન થતું હોવાની રાવ ઉઠવા પામી છે જયારે ઉનાળાની શરૂઆત થતાની સાથે વ્યાપકપણે પીવાતા ઠંડા પીણા અને મિનરલ પાણીનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે જે બાબતે ફૂડ એન્ડ સેફટી વિભાગ તપાસ હાથ ધરે તેવી માંગ ઉઠવા પામી છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.