Western Times News

Gujarati News

સાઉદી ‘વિઝન ૨૦૩૦’ હેઠળ ઊંટોને પણ પાસપોર્ટ આપી રહ્યું છે

નવી દિલ્હી, સાઉદી અરેબિયાએ એક અનોખી અને નવતર યોજના શરુ કરી છે, જેમાં દેશના લાખો ઊંટોને સત્તાવાર પાસપોર્ટ અપાઈ રહ્યા છે. આ પહેલનો મુખ્ય હેતુ ઊંટોની યોગ્ય ઓળખ, નોંધણી અને સંચાલન સુનિશ્ચિત કરવાનો છે.

સરકારનું માનવું છે કે આ વ્યવસ્થા ઊંટોના માલિકો, પશુપાલન ઉદ્યોગ અને પ્રાણીઓના આરોગ્ય સંભાળ માટે ખૂબ ઉપયોગી સાબિત થશે.પર્યાવરણ, પાણી અને કૃષિ મંત્રાલય દ્વારા રજૂ કરાયેલા દસ્તાવેજોમાં લીલા રંગના પાસપોર્ટ ઉપર ઊંટની સોનેરી છાપ દર્શાવાઈ છે.

આ પાસપોર્ટમાં દરેક ઊંટ વિશે વિગતવાર માહિતી સંગ્રહિત કરવામાં આવશે. જેમ કે, ઊંટની જાતિ, ઊંચાઈ અને માથાથી પૂંછડી સુધીની લંબાઈ, ઉંમર, વજન, શારીરિક ઓળખના ચિહ્નો, આરોગ્ય સંબંધિત વિગતો, માલિકનું નામ, સરનામું અને ફોન નંબર તેમજ ઊંટની અવરજવરની માહિતી. આમ, ઊંટના પાસપોર્ટને આધારે એના વિશેની તમામ માહિતી જાણી શકાય, એવી વ્યવસ્થા ઊભી કરાઈ રહી છે.

આમ કરવાથી ઊંટની તસ્કરી અને ગેરકાયદે વેચાણ રોકી શકાશે. સાઉદી અરેબિયામાં ઊંટ માત્ર પરંપરાગત પ્રાણી નથી; ઊંટો દેશની અર્થવ્યવસ્થામાં મોટું યોગદાન પણ આપે છે. સરકારી અંદાજ મુજબ દેશમાં લગભગ ૨૨ લાખ ઊંટ છે, જે દર વર્ષે બે અબજ રિયાલથી વધુ આવક ઊભી કરે છે.

ઊંટ સાઉદી અરેબિયાના રાષ્ટ્રીય પ્રતીકોમાં સ્થાન ધરાવે છે. દેશભરમાં ઊંટની સૌંદર્ય સ્પર્ધા, દોડ સ્પર્ધા અને પ્રદર્શનોનું આયોજન થાય છે, જેમાં શ્રેષ્ઠ ઊંટોને લાખો રૂપિયાનું ઇનામ અપાય છે. રાષ્ટ્રીય ઉત્સવો, ધાર્મિક કાર્યક્રમો અને ઐતિહાસિક ઉજવણીઓ ઊંટ વિના અધૂરી ગણાય છે. ઊંટો અરબી સમાજના ગૌરવ અને પરંપરાનો ભાગ છે.

સદીઓથી તેઓ જીવન, વેપાર અને મુસાફરી માટે અત્યંત મહત્ત્વના રહ્યા છે.વૈશ્વિક સ્તરે ઊંટોની સંખ્યા લગભગ ૩.૫ કરોડ જેટલી માનવામાં આવે છે, જેમાંથી અડધાથી વધુ ઊંટ આરબ દેશોમાં જોવા મળે છે. સૌથી વધુ ઊંટ સોમાલિયામાં છે. ત્યારબાદ સુદાન, મૌરિટાનિયા, સાઉદી અરેબિયા અને યમન આવે છે. આરબ દેશોમાં ઊંટ-ઉદ્યોગોમાં દૂધ, માંસ, ઊન, ચામડી અને રમતગમત જેવા ક્ષેત્રો સામેલ છે.

ઊંટોના વેપાર અને પ્રજનન ઉદ્યોગ પણ ઝડપથી વિકસી રહ્યો છે.ઊંટો હંમેશથી રણમાં મુસાફરી માટે સૌથી વિશ્વસનીય વાહન રહ્યા છે. વાહનો અને પરિવહનના આધુનિક સાધનોના વિકાસ પહેલાં ઊંટો વેપાર અને સંચારના મુખ્ય સાધન હતા. મક્કા અને મદીનાની યાત્રા માટે વિવિધ દેશોના યાત્રાળુઓ ઊંટ પર લાંબી મુસાફરી કરીને સાઉદી અરેબિયા પહોંચતા હતા.

મધ્ય એશિયા, દક્ષિણ એશિયા અને દૂર પૂર્વથી આવેલા વેપારીઓ પણ ઊંટના કાફલા દ્વારા વેપાર કરતા હતા.૨૦૧૮માં સાઉદી અરેબિયામાં પથ્થર પર ઊંટના ભીંત ચિત્રો અને શિલ્પો કંડારાયેલા મળી આવ્યા હતા, જે વિશ્વના સૌથી જૂના પ્રાણી ચિત્રો માનવામાં આવે છે.

શરુઆતમાં સંશોધકો માનતા હતા કે આ કોતરણી લગભગ બે હજાર વર્ષ જૂની છે, પરંતુ નવા સંશોધન મુજબ તે સાતથી આઠ હજાર વર્ષ જૂની હોઈ શકે છે. આ શિલ્પો પથ્થર યુગના હોવાની સંભાવના છે અને કદાચ ગિઝાના પિરામિડ કરતાં પણ જૂના હોઈ શકે છે. તે સમયે સાઉદી પ્રદેશ આજની જેમ રણપ્રદેશ નહોતો, પરંતુ લીલોતરી અને તળાવો ધરાવતો વિસ્તાર હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.