Western Times News

Gujarati News

જમીન પર ભયભીત કરનારા BLAએ પ્રથમ એર યુનિટ લોન્ચ કરી

બલૂચિસ્તાન, પાકિસ્તાનના અશાંત પ્રાંત બલૂચિસ્તાનમાં પાકિસ્તાની સેનાની મુશ્કેલીઓ આગામી દિવસોમાં વધી શકે છે. બલૂચિસ્તાનમાં સક્રિય અલગતાવાદી સંગઠન બલૂચ લિબરેશન આર્મીએ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરતા પોતાની પ્રથમ એર અને ડ્રોન વોરફેર યુનિટ ‘કાઝી એરો હાઈવ રેન્જર્સ’ની રચના કરવાની સત્તાવાર જાહેરાત કરી છે.

સંગઠનના જણાવ્યા અનુસાર, આ યુનિટ ખાસ કરીને અદ્યતન ડ્રોન ઓપરેશન અને હવાઈ દેખરેખ રાખવાની ક્ષમતા પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ વ્યૂહરચના પાછળ વરિષ્ઠ કમાન્ડર અબ્દુલ બાસિતનો હાથ હોવાનું કહેવાય છે, જેમણે સંગઠનમાં આધુનિક યુદ્ધ પદ્ધતિઓને પ્રાધાન્ય આપ્યું છે.

બીએલએ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે આ નવી યુનિટનો પ્રથમ ઉપયોગ તાજેતરમાં ગ્વાદરમાં હાથ ધરવામાં આવેલા ‘ઓપરેશન હેરોફ ૨.૦’ દરમિયાન કરવામાં આવ્યો હતો. આ ઓપરેશનમાં લશ્કરી મથકો, બંદર અને સંચાર માળખાને નિશાન બનાવવામાં આવ્યા હતા.

જોકે, આ દાવાઓની હજુ સુધી કોઈ સ્વતંત્ર પુષ્ટિ થઈ શકી નથી. આ જાહેરાતની સાથે સંગઠને એક વીડિયો પણ જાહેર કર્યાે છે, જેમાં પહાડી વિસ્તારોમાં હથિયારધારી સભ્યો ડ્રોનનું પરીક્ષણ કરતા અને ગ્વાદર પર ડ્રોન ઉડતું હોય તેવા દ્રશ્યો જોવા મળે છે.

સંરક્ષણ નિષ્ણાતો માને છે કે જો આ દાવો સાચો હોય, તો તે બલૂચિસ્તાનમાં ઉગ્રવાદી સંગઠનોની લડવાની રીતમાં મોટા ફેરફારનો સંકેત છે. અત્યાર સુધી અહીં પરંપરાગત ગેરિલા હુમલાઓ થતા હતા, પરંતુ હવે ડ્રોન ટેકનોલોજીનો પ્રવેશ પાકિસ્તાની સુરક્ષા એજન્સીઓ માટે એક નવો અને ગંભીર પડકાર ઉભો કરી શકે છે. હાલમાં આ મામલે પાકિસ્તાની અધિકારીઓ તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.