એચ-૧બી વિઝા ફીમાં રાહત આપવા ૧૦૦ અમેરિકી સાંસદોની માગણી
વોશિંગ્ટન, યુએસ કોંગ્રેસના ૧૦૦ સભ્યોએ હોમલેન્ડ સીક્યુરિટી સેક્રેટરી ક્રિસ્ટી નોએમને પત્ર પાઠવી એચ-૧બી વિઝા ફીમાં આરોગ્ય ક્ષેત્રને રાહત આપવા માગણી કરી છે.
બે પક્ષના સાંસદોએ રજૂઆત કરી હતી કે, એચ-૧બી વિઝા પર કર્મચારીઓને લાવવા માગનારા નોકરીદાતાએ એક લાખ ડોલર ફી ભરવી પડે છે. જેના કારણે સમગ્ર દેશમાં આરોગ્ય સેવાઓને માઠી અસર પહોંચી છે અને ભવિષ્યમાં આ સંકટ વધારે ઘેરું બની શકે છે. ૧૦૦ સાંસદોએ હોમલેન્ડને પાઠવેલા પત્રમાં ૧૯ સપ્ટેમ્બરે પ્રમુખ ટ્રમ્પે જારી કરેલા આદેશો અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. ટ્રમ્પ સરકારે મેક અમેરિકા ગ્રેટ અગેઈન અભિયાન હેઠળ નોનઈમિગ્રન્ટ કામદારોનો પ્રવેશ નિયંત્રિત કરવા કવાયત હાથ ધરી છે.
વિદેશી કામદારો ઓછા વેતનમાં કામ કરી સ્થાનિકોની નોકરી ભરખી જતા હોવાનો દાવો સરકારે કર્યાે હતો. કંપનીઓ પોતાનો ખર્ચ ઘટાડવા નોનઈમિગ્રન્ટ કામદારને બોલાવતી હોવાથી સરકારે આવી કંપનીઓ કે નોકરીદાતાઓ માટે એક લાખ ડોલર ફી લાગુ કરી છે. ૧૦૦ સાંસદોનું માનવું છે કે, આરોગ્ય ક્ષેત્રે એચ-૧બી વિઝા ફીમાં એક લાખ ડોલરની ફી રાખવી જોઈએ નહીં. ફીમાં રાહત આપવાથી અમેરિકાની સલામતી કે સુખાકારીને કોઈ નુકસાન થવાનું નથી. આરોગ્ય ક્ષેત્રે સેવાનો અભાવ ધરાવતા વિસ્તારમાં ૮.૭૦ કરોડ અમેરિકનો વસવાટ કરી રહ્યા છે અને આ તારણ આરોગ્ય વિભાગનું છે.SS1MS
