ઇસરી નજીક ખેતરમાં નશાની ખેતી, ૪.૩૬ લાખના ગાંજાના છોડ પકડાયા
ભિલોડા, અરવલ્લી જિલ્લા એસઓજી પોલીસે સાધુના વેશમાં રહેલા નશાની ખેતી કરતા એકને દબોચી લીધો હતો. આ વ્યક્તિએ તેના પિતાની સમાધી નજીક ખેતરમાં ઘઉંની આડમાં ગાંજાના છોડનું ૮૩ વાવેતર કર્યું હતું. સાધુના વેશમાં નાથબાવો નશાની ખેતી કરતો પોલીસની ઝપટે ચઢાતાં લોકોમાં ભારે આક્રોશ ફેલાયો હતો.
અરવલ્લી જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્›પને ઈસરી નજીક કુણોલ (લાલપુર)ગામ નજીક નાથબાવા તરીકે રહેતો એક વ્યકિત તેની મઢુલી નજીક ખેતરમાં ઘઉંની ખેતીની આડમાં ગાંજાની ખેતી કરતો હોવાની બાતમી મળી હતી. આથી ટીમે બાતમી સ્થળે પહોંચી ડ્રોનની મદદથી ખેતરમાં ઘઉંની આડમાં વાવેતર કરેલા ગાંજાના ૮૩ છોડ શોધી કાઢ્યા હતા.
રૂ.૪.૩૬ લાખનો ૮.૭૩૦ ગ્રામ લીલો ગાંજો જપ્ત કરી રાજુ કાંતિ નાથબાવા (હાલ રહે, કુણોલ, લાલપુર, મૂળ રહે, ગાયત્રી નગર સોસાયટી, વિસનગર) નામના વ્યકિતને દબોચી લઇ એસઓજી પોલીસે ઈસરી પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર,કુણોલ (લાલપુર)ગામ નજીક રાજુ નાથબાવાના પિતા કાંતિ નાથબાવા બે નાની રૂમમાં આશ્રમ અને મઢુલી જેવું બનાવી સંતની ધૂણી ધખાવી હતી અને નજીક ખેતરમાં ખેતી કરી જીવનનિર્વાહ ચલાવતા હતા. તેમનું અવસાન થતાં તે સ્થળે સમાધી બનાવી હતી.
તેમનું મૃત્યુ થતાં તેમનો પુત્ર રાજુ નાથબાવા રહેતો હતો અને ભજન કીર્તન કરતો હોવાની સાથે સત્સંગ કરતો હોવાથી મોટી સંખ્યામાં ભક્તો આવતા હતા. રાજુ નાથબાવા ભક્તો સાથે મળી ગાંજાનો નશો કરતો હતો ગાંજાના નશાના પગલે સાંજે અને રાત્રીના સુમારે અનેક યુવકોની અહીંયા અવર જવર રહેતી હતી.SS1MS
