Western Times News

Gujarati News

‘વારાણસી’ના માધ્યમથી પ્રિયંકા ચોપરા ભારતમાં પુનરાગમન કરશે

મુંબઈ, પ્રિયંકા ચોપરા આજના સમયમાં વિશ્વભરમાં પોતાની આગવી ઓળખ ધરાવતી ગણતરીની ભારતીય અભિનેત્રીઓ પૈકીની એક છે. હોલિવૂડમાં મજબૂત સ્થાન ઉભું કર્યા બાદ હવે તે લગભગ એક દાયકાના લાંબી વિરામ બાદ એસ.એસ. રાજામૌલીની ફિલ્મ ‘વારાણસી’ દ્વારા ભારતીય સિનેમામાં પુનરાગમન કરી રહી છે.

જોકે, આ સફળતાની મજલ સરળ નહોતી.બોલિવૂડમાં ટોચના શિખરે હોવા છતાં પ્રિયંકાએ ભારતીય સિનેમા છોડવાનો સાહસિક નિર્ણય લીધો હતો. તે સમયગાળામાં તે ભારતની સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓ પૈકીની એક હતી અને ‘મેરિ કોમ’, ‘બાજીરાવ મસ્તાની’ અને ‘દિલ ધડકને દો’ જેવી સફળ ફિલ્મો આપી ચૂકી હતી.વેરાયટી મેગેઝિનને આપેલા ઇન્ટરવ્યુમાં પ્રિયંકાએ જણાવ્યું હતું કે “તમારી ૩૦ની ઉંમરે કરિયર ફરીથી શરૂ કરવું ખરેખર ડરાવનારું છે.

હું સુરક્ષિત હતી, આર્થિક રીતે મજબૂત હતી, અને સ્થાપિત હતી. છતાં મેં બધું જ બદલવાનો નિર્ણય લીધો.” ૨૦૧૫ આસપાસ તે અમેરિકા સ્થાયી થઈ અને શરૂઆતમાં ગાયિકા તરીકે પશ્ચિમમાં પ્રવેશ કર્યાે. ત્યારબાદ તેણે અભિનય ક્ષેત્રમાં પગલું ભર્યું.પ્રિયંકાએ સ્વીકાર્યું હતું કે પશ્ચિમમાં શરૂઆતમાં તેને પૂર્વગ્રહો અને માન્યતાઓનો સામનો કરવો પડ્યો.“લોકો કહેતા, ‘ઓહ, તમે તો અંગ્રેજી સારું બોલો છો.’

મીટિંગમાં જવાના પહેલાં જ મારા વિશે એક પૂર્વધારણા બનાવી લેવાતી,” તે યાદ કરે છે.પરંતુ પ્રિયંકાએ ‘નવાઈભર્યા’ કે મર્યાદિત પાત્રોમાં અટવાઈ રહેવું સ્વીકાર્યું નહીં. તેના બદલે તે ‘બોર્ડરલેસ એન્ટરટેઇનમેન્ટ’નો ભાગ બનવા માગતી હતી, જ્યાં અલગ-અલગ દેશોના કલાકારો સાથે કામ કરવાની તક મળે.

પ્રિયંકાએ પશ્ચિમમાં અભિનયની શરૂઆત ટેલીવિઝન શો ‘ક્વોન્ટિકો’માં મુખ્ય ભૂમિકા સાથે કરી. ત્યારબાદ તેણે ‘બેવોચ’ અને ‘ધ મેટ્રિક્સ ૪’ જેવી મોટી ફિલ્મોમાં સહાયક ભૂમિકાઓ ભજવી.પછી તે ‘સિટાડેલ’, ‘હેડ્‌સ આૅફ સ્ટેટ’ અને આવનારી પાઇરેટ એડવેન્ચર ફિલ્મ ‘ધ બ્લફ’ (કાર્લ અર્બન સાથે) જેવી પ્રોજેક્ટ્‌સમાં મુખ્ય ભૂમિકાઓમાં દેખાઈ છે.

‘વારાણસી’ પ્રિયંકાની લગભગ દસ વર્ષ બાદ ભારતીય ફિલ્મોમાં પુનરાગમનનો સંકેત કરે છે. તેની છેલ્લી હિન્દી ફિલ્મ ‘ધ સ્કાય ઇઝ પિંક’ કોરોના મહામારી પહેલાં રિલીઝ થઈ હતી.પેન-ઇન્ડિયા ફિલ્મ ‘વારાણસી’માં પ્રિયંકા સાથે મહેશ બાબુ અને પૃથ્વીરાજ સુકુમારન પણ મુખ્ય ભૂમિકામાં છે.

ભારતીય ઇતિહાસ પર આધારિત સમય-યાત્રા (ટાઇમ-ટ્રાવેલ) એડવેન્ચર તરીકે વર્ણવાયેલી આ ફિલ્મ એપ્રિલ ૨૦૨૭માં સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. પ્રિયંકાનું પુનરાગમન માત્ર એક ફિલ્મ નહીં, પરંતુ તેની સાહસિક સફરની નવી કડી માનવામાં આવી રહી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.