સેનાના જવાનનો મોબાઈલ ફોન હેક કરી ૭૫,૦૦૦ની ઓનલાઇન છેતરપિંડી
(એજન્સી)અમદાવાદ, શહેરમાં સાયબર ક્રાઇમની ઘટનાઓ સતત વધી રહી છે, ત્યારે તાજેતરમાં એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ઓનલાઇન ફ્રોડની એક ચોંકાવનારી ફરિયાદ નોંધાઈ છે. આ વખતે સાયબર ઠગોએ દેશની રક્ષા કરતા ભારતીય સેનાના એક જવાનને પોતાનો શિકાર બનાવ્યો છે.
જવાનનો મોબાઈલ ફોન હેક કરીને અજાણ્યા શખ્સોએ તેમના બેંક ખાતામાંથી કુલ રૂ.૭૫,૦૦૦ની રકમ સેરવી લીધી હોવાની વિગતો સામે આવી છે. આ મામલે એરપોર્ટ પોલીસે ફરિયાદ નોંધી તપાસ આદરી છે. લલિતકુમાર જીવનસિંહ પ્રજાપતિ (ઉં.વ. ૩૨), જેઓ મૂળ ઉત્તર પ્રદેશના વતની છે અને હાલ અમદાવાદમાં હનુમાન કેમ્પ ખાતે ભારતીય સેનામાં ‘નાયક’ તરીકે ફરજ બજાવે છે, તેમણે આ મામલે ફરિયાદ નોંધાવી છે.
લલિતકુમારે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમનું સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં ખાતું છે, જેની સાથે તેમનો મોબાઈલ નંબર અને ડિજિટલ પેમેન્ટ એપ્લિકેશન્સ લિંક છે. ૨૯ જાન્યુઆરીથી ૩૧ જાન્યુઆરી, ૨૦૨૬ દરમિયાન કોઈ અજાણ્યા શખ્સે તેમનો મોબાઈલ ફોન હેક કરી લીધો હતો.
આ સમયગાળા દરમિયાન જવાનના જાણ બહાર તેમના ડેબિટ કાર્ડનો એક્સેસ મેળવીને અલગ-અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા પૈસા ઉપાડી લેવામાં આવ્યા હતા. જવાન જ્યારે ફરજ પર હતા ત્યારે તેમના મોબાઈલ પર ૪૯,૫૦૦ ટ્રાન્સફર કરવાનો ઓટીપી આવ્યો હતો. શંકા જતા તેમણે બેલેન્સ ચેક કર્યું તો ખાતામાં માત્ર ૨૩૩ જ બાકી હતા.
બેંક સ્ટેટમેન્ટ કઢાવતા જાણવા મળ્યું કે ૨૯ જાન્યુઆરીએ એટીએમ દ્વારા ૨૦,૦૦૦ ઉપાડી લેવામાં આવ્યા અને ૩૧ જાન્યુઆરીએ ઓનલાઇન ટ્રાન્સફર દ્વારા શ્ ૪૯,૫૦૦ સેરવી લેવાયા તથા ૩૧ જાન્યુઆરીએ ફરી એટીએમ દ્વારા ૫,૫૦૦નો ઉપાડ કરવામાં આવ્યો હતો. આમ, કુલ ૭૫,૦૦૦ની છેતરપિંડી આચરવામાં આવી હતી.
જવાનનું એટીએમ કાર્ડ તેમની પાસે જ હોવા છતાં પિન ‘ઇનવેલિડ’ બતાવતો હતો, જે સૂચવે છે કે હેકર્સે કાર્ડનો સંપૂર્ણ કંટ્રોલ મેળવી લીધો હતો.આ મામલે શરૂઆતમાં જવાને સાયબર હેલ્પલાઇન ૧૯૩૦ પર ફરિયાદ નોંધાવી હતી, પરંતુ પૈસા પરત ન મળતા આખરે તેમણે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ કરી છે.
એરપોર્ટ પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ બીએનએસ (ભારતીય ન્યાય સંહિતા) ની કલમ ૩૧૮(૪) અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી એમેન્ડમેન્ટ એક્ટની કલમ ૬૬-ડી હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
