દેશભરની અદાલતોમાં ૪.૭૬ કરોડથી વધુ કેસો પેન્ડિંગ
નવી દિલ્હી, સરકાર અને ન્યાયતંત્રે કેસોનો ઝડપથી નિકાલ માટે વિવિધ પગલાં લીધા હોવા છતાં દેશોમાં પેન્ડિંગ કેસોની સંખ્યામાં ચિંતાજનક દરે વધારો થઈ રહ્યો છે અને ઝડપથી ન્યાય મેળવવાનું મુશ્કેલ બન્યું છે. હાલમાં દેશભરની અદાલતોમાં આશરે ૪.૭૬ કરોડ કેસો પેન્ડિંગ પડ્યાં છે. આમાંથી ૬૩.૬૬ લાખ કેસો વિવિધ રાજ્યોમાં હાઇકોર્ટમાં અને ૯૨,૧૦૧ કેસો સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે.
દેશની સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ કેસોની સંખ્યામાં ત્રણ વર્ષમાં આશરે ૧૨ ટકાનો વધારો થયો છે, જ્યારે ૨૫ હાઇકોર્ટમાં આ કેસો આશરે ૫ ટકા વધ્યાં છે. શુક્રવારે કાયદા અને ન્યાય મંત્રાલયે લોકસભામાં આ માહિતી આપી હતી.
લોકસભામાં એક પ્રશ્નના સવાલમાં રાજ્ય કક્ષાના કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રી (સ્વતંત્ર હવાલો) અર્જુન રામ મેઘવાલે જણાવ્યું હતું કે નેશનલ જ્યુડિશિયલ ડેટા ગ્રીડ પર ઉપલબ્ધ ડેટા મુજબ ૩૧ ડિસેમ્બર, ૨૦૨૫ સુધીમાં ડિસ્ટ્રિક્ટ અને બીજા નીચલી અદાલતોમાં કુલ ૪.૭૬ કરોડ કેસો પેન્ડિંગ હતાં. આ સમયગાળા સુધીમાં સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ કેસોની સંખ્યા ૯૨,૧૦૧ હતી, જે છેલ્લાં ત્રણ વર્ષમાં ૧૧.૪૦ ટકાનો મોટો વધારો દર્શાવે છે.
બીજી તરફ વિવિધ રાજ્યોની હાઇકોર્ટમાં ૬૩.૬૬ લાખ કેસો પેન્ડિંગ હતાં, જે આ સમયગાળામાં આશરે ૪.૭૫ ટકાનો વધારો દર્શાવે છે. સત્તાવાર ડેટામાં જણાવ્યા મુજબ વિવિધ રાજ્યોની હાઇકોર્ટમાં અલ્હાબાદ હાઇકોર્ટમાં સૌથી વધુ આશરે ૧૨.૦૭ લાખ કેસ પેન્ડિંગ હતાં. આ ઉપરાંત બોમ્બે હાઇકોર્ટમાં આશરે ૬.૬૪ લાખ, રાજસ્થાન હાઇકોર્ટમાં ૬.૮૭ લાખ કેસો પડતર હતાં.
ડિસ્ટ્રિક્ટ અને બીજા અદાલતોમાં આવા કેસોમાં છેલ્લાં ત્રણ વર્ષમાં ૫.૮૪ ટકાનો વધારો થયો હતો અને ૩૧ ડિસેમ્બર ૨૦૨૫ સુધીમાં કુલ સંખ્યા વધીને ૪.૭૬ કરોડ થઈ હતી. રાજ્યવાર ડેટા દર્શાવે છે કે એકલા ઉત્તરપ્રદેશમાં જિલ્લા અને બીજી નીચલી અદાલતોમાં ૧.૧૩ કરોડ પેન્ડિંગ કેસ છે. મહારાષ્ટ્રમાં આ સંખ્યા ૫૯.૨૬ લાખ અને અને પશ્ચિમ બંગાળમાં ૩૮.૩૫ લાખ હતી.
મંત્રીએ જણાવ્યું હતું કે કેસોનો નિકાલ ન્યાયતંત્રના વિશેષ કાર્યક્ષેત્ર હેઠળ આવે છે. સરકારે ઝડપી નિકાલ માટે ઇકોસિસ્ટમ પૂરી પાડવા માટે ઘણી પહેલ કરી છે.રાજ્ય કક્ષાના કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રી અર્જુન રામ મેઘવાલે જણાવ્યું હતું કે કેસોનો નિકાલ ન્યાયતંત્રના વિશેષ કાર્યક્ષેત્રમાં આવે છે.
જોકે કેન્દ્ર સરકાર બંધારણની કલમ ૨૧ હેઠળ ફરજિયાત કેસોના ઝડપી નિકાલ અને પેન્ડિંગ કેસોમાં ઘટાડવા માટે પ્રતિબદ્ધ છે, સરકારે આ સમસ્યાના ઉકેલ માટે નેશનલ મિશન ફોર જસ્ટિસ ડિલિવરી એન્ડ લિગલ રિફોર્મ, લોક અદાલતોને પ્રોત્સાહન, વિવિધ કાયદાઓમાં સુધારો, ઇ-કોર્ટ પ્રોજેક્ટ્સનો અમલ જેવા પગલાં લીધા છે.SS1MS
