સરકારે ૨૫ લાખ ટન ઘઉં, પાંચ લાખ ટન ખાંડની નિકાસની મંજૂરી આપી
નવી દિલ્હી, દેશમાં ઘઉં અને ખાંડના પૂરતા જથ્થાને ધ્યાનમાં રાખીને સરકારે ૨૫ લાખ ટન ઘઉં અને પાંચ લાખ ટન ખાંડની નિકાસને મંજૂરી આપી છે. આ ઉપરાંત સ્થાનિક બજારોમાં સ્થિરતા જાળવવા અને ખેડૂતોને તેમના પાકના યોગ્ય ભાવ મળી રહે તે હેતુથી સરકારે, ઘઉંના ઉત્પાદનોની પાંચ લાખ ટનની નિકાસ કરવાની છૂટ આપી છે.
આ અંગે માહિતી આપતાં ખાદ્યાન્ન મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, પૂરવઠાની વર્તમાન સ્થિતિ તથા કિંમતોનું ઝીણવટપૂર્વક વિશ્લેષણ કર્યા બાદ સરકારે ખેડૂતોના હિતમાં આ નિર્ણય લીધો છે.
વર્ષ ૨૦૨૫-૨૬માં ખાનગી એકમો પાસે ઘઉંનો અંદાજે ૭૫ લાખ ટન પુરવઠો હતો, જે ગત વર્ષના સમાન સમયગાળાની તુલનાએ આશરે ૩૨ લાખ ટન વધુ હતો. ફૂડ કોર્પાેરેશન ઓફ ઈન્ડિયા (એફસીઆઈ) પાસે ૧ એપ્રિલ, ૨૦૨૬ સુધીમાં ઘઉંનો ૧૮૨ લાખ ટન જથ્થો છે. આમ, નિકાસથી સ્થાનિક ખાદ્યાન્ન સુરક્ષાની જરૂરિયાતો પર કોઈ અસર નહીં થાય તેમ મંત્રાલયે જણાવ્યું હતું.
૨૦૨૬માં રવિ સીઝનમાં ઘઉંનું વાવેતર પર ગત વર્ષના ૩૨૮.૦૪ લાખ હેક્ટરની તુલનાએ વધીને આશરે ૩૩૪.૧૪ લાખ હેક્ટર થયું હતું. આ ઊંચુ વાવેતર ઘઉંના પાકમાં ખેડૂતોનો વિશ્વાસ દર્શાવે છે, જે એમએસપીની ખાતરી તથા ખરીદીની વ્યવસ્થા દ્વારા સમર્થિત છે. પુરવઠાની ઊંચી ઉપલબ્ધતા, કિંમતોમાં ઘટાડો, અપેક્ષા મુજબનું વધુ ઉત્પાદન તથા પાકના બજારમાં આગમન સમયે ઉતાવળે થતું વેચાણ નિવારવા માટે સરકારે આ નિર્ણય લીધો છે.
આ નિર્ણયને લીધે સ્થાનિક બજારમાં કિંમતો સ્થિર થવાની સાથે સાથે જ બજારમાં પ્રવાહિતતા તથા સ્ટોકનું રોટેશન વધશે જેનાથી ખેડૂતોની આવક વધવા ઉપરાંત રાષ્ટ્રીય ખાદ્યાન્ન સુરક્ષાનું પણ જતન થશે. ખાંડની નિકાસ માટે સરકારે, વર્તમાન ખાંડ સીઝન ૨૦૨૫-૨૬ દરમિયાન વધુ પાંચ લાખ ટન નિકાસની મંજૂરી આપી છે. અગાઉ વર્તમાન ખાંડ સીઝન દરમિયાન સરકારે ૧૪ નવેમ્બર, ૨૦૨૫ના રોજ ૧૫ લાખ ટન ખાંડની નિકાસની મંજૂરી આપી હતી.SS1MS
