ખેડૂતને પ્રેમજાળમાં ફસાવી રૂ.૭૫.૬૦ લાખ પડાવ્યા
નડિયાદ, મહેમદાવાદ તાલુકાના અકલાચા ગામના ૪૭ વર્ષીય ખેડૂતને પાલનપુરની એક યુવતીએ ડેટિંગ એપ અને સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રેમજાળમાં ફસાવી, અલગ-અલગ બહાને કુલ રૂ.૭૫,૬૦,૦૦૦/-ની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ મહેમદાવાદ પોલીસમાં નોંધાઈ છે. યુવતીએ પોતે બેલ્જિયમ (યુરોપ)માં ફસાઈ હોવાનું જુઠાણું ચલાવી ખેડૂત પાસેથી લાખો રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કરાવી લીધા હતા, પરંતુ ફરિયાદીએ તેને અમદાવાદમાં રિક્ષામાં મુસાફરી કરતી જોતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો.
વર્ષ ૨૦૨૨માં ફરિયાદી મહેશભાઈ પટેલે પોતાના મોબાઈલમાં ડેટિંગ એપ ઇન્સ્ટોલ કરી હતી, જેના દ્વારા તેઓ પાલનપુરના સમર્પણ ફ્લેટમાં રહેતી ફાલ્ગુની દીપકભાઈ માલવીના સંપર્કમાં આવ્યા હતા. ત્યારબાદ બંને વચ્ચે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક મેસેન્જર પર વાતચીત શરૂ થઈ હતી. ફાલ્ગુનીએ પોતાની આર્થિક સ્થિતિ ખરાબ હોવાનું અને પરિવાર મદદ ન કરતો હોવાનું કહી મહેશભાઈનો વિશ્વાસ જીત્યો હતો.
એપ્રિલ ૨૦૨૨માં ફાલ્ગુની મહેશભાઈના ઘરે અકલાછા ગામે પણ આવી બે દિવસ રોકાઈ હતી. શરૂઆતમાં વિવિધ બહાને કટકે-કટકે નાની રકમો પડાવવાનું શરૂ કર્યું હતું. સંબંધો ગાઢ બનાવી મહેશભાઈને સંપૂર્ણપણે વિશ્વાસમાં લીધા હતા. વર્ષ ૨૦૨૩માં ફાલ્ગુનીએ યુરોપના બેલ્જિયમમાં પાસપોર્ટ નોકરીમાં લઈ લીધો હોવાથી છોડાવવા માટે માંગેલા ૬૦ લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યાં હતા. આ ઉપરાંત તેણે તેના પિતાના ખાતામાં પણ નાણાં નંખાવ્યા હતા.
જાન્યુઆરી ૨૦૨૫માં મહેશભાઈ અમદાવાદના નારોલ વિસ્તારમાં ગયા હતા. ત્યાં તેમણે ફાલ્ગુનીને રિક્ષામાં બેસીને જતી જોઈ હતી. જેથી ભાંડો ફૂટી ગયો હતા. ત્યાર બાદ મહેશભાઈને અન્ય બહાના બતાવીને વધારે નાણાં પડાવ્યાં હતા. અંકે મહેશભાઈએ આ મામલે ૭૫.૬૦ લાખની ઠગાઈની ફરિયાદ નોંધાઈ હતી.SS1MS
