ગોંડલ માર્કેટિંગ યાર્ડની પેઢીઓના નામે ૪૦૦ કરોડનું દેશવ્યાપી સાયબર કૌભાંડ
પ્રતિકાત્મક
રાજકોટ, રાજકોટ ગ્રામ્ય પોલીસે ‘ઓપરેશન મ્યુલ હંટ’ અંતર્ગત ગોંડલ માર્કેટિંગ યાર્ડની પેઢીઓના બેંક ખાતાનો ઉપયોગ કરી આચરવામાં આવતા ૪૦૦ કરોડ રૂપિયાના દેશવ્યાપી સાયબર ફ્રોડનો પર્દાફાશ કર્યાે છે.
આ કેસમાં પોલીસે છ આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે હૈદરાબાદના મુખ્ય સૂત્રધાર આદિલ સહિત ચાર શખ્સોની શોધખોળ હાથ ધરી છે. આરોપીઓ એગ્રીકલ્ચર પેઢીને મળતી ટેક્સ રાહતનો ગેરલાભ ઉઠાવી સરકારી એજન્સીઓની નજરથી બચવા માટે કરોડોના ટ્રાન્ઝેક્શન આ ખાતાઓ દ્વારા કરતા હતા.રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે પત્રકારોને વિગતો આપતા જણાવ્યું હતું કે, સાયબર ક્રાઇમ હેલ્પલાઇન ૧૯૩૦ પર મળેલી ૬૬ જેટલી ફરિયાદોના આધારે ટેકનિકલ તપાસ કરતા ગોંડલની ‘જ્યોત એન્ટરપ્રાઇઝ’ નામની પેઢી શંકાના દાયરામાં આવી હતી.
તપાસ દરમિયાન ખુલાસો થયો કે જય નાંદપરા નામના યુવકે તેની પેઢીના ૬ ખાતાઓમાં દોઢ વર્ષમાં ૧૯૮ કરોડના વ્યવહારો કર્યા હતા. ઉપરાંત અન્ય આરોપી મનીષ કમાણીના ખાતામાંથી ૧૫૦ કરોડ અને પ્રવીણસિંહ પરમારના ખાતામાંથી ૩૩ કરોડના ટ્રાન્ઝેક્શન મળી આવ્યા છે.
તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આરોપીઓ મુખ્યત્વે યસ બેંક, એક્સિસ બેંક અને આઈસીઆઈસીઆઈ બેંકમાં કરંટ એકાઉન્ટ ખોલાવતા હતા.એસપી વિજયસિંહ ગુર્જરે આ મોડસ ઓપરેન્ડી અંગે જણાવ્યું હતું કે, આરોપીઓ યસ બેંક, એક્સિસ બેંક અને આઈસીઆઈસીઆઈ બેંકમાં કરંટ એકાઉન્ટ ખોલાવતા હતા.
આરોપીઓ માર્કેટિંગ યાર્ડની પેઢીઓ સાથે પોતાના ખાતા લિંક કરાવી દેતા હતા. જેથી મોટા પ્રમાણમાં રોકડ ઉપાડ કરવા છતાં ટીડીએસ કપાય નહીં. ટેક્સમાંથી મળતી આ મુક્તિને કારણે જંગી નાણાકીય વ્યવહારો તપાસ એજન્સીઓની નજરમાં આવતા નહોતા, જેનો ફાયદો ઉઠાવીને આ આખું સાયબર ફ્રોડનું નેટવર્ક ચલાવવામાં આવતું હતું.આરોપીઓ સાયબર ફ્રોડની રકમ પોતાના ખાતામાં મેળવી ૧ લાખ રૂપિયા દીઠ ૨૦૦થી ૪૦૦ રૂપિયાનું કમિશન લેતા હતા.
કૌભાંડમાં સામેલ આંગડિયા પેઢીના બે કર્મચારીઓ મયૂરસિંહ વાઘેલા અને મહેન્દ્રસિંહ જાડેજા ફ્રોડની રકમ હોવાનું જાણવા છતાં રોકડ ઉપાડી અન્ય સ્થળે ટ્રાન્સફર કરી આપતા હતા.
આ નેટવર્ક હૈદરાબાદનો આદિલ ઓપરેટ કરતો હતો અને નાણાં આંગડિયા કે બેંક મારફતે મુંબઈ અને હૈદરાબાદ મોકલવામાં આવતા હતા.પોલીસે અત્યાર સુધીમાં જય નાંદપરા, મનીષ કમાણી, પ્રવીણસિંહ પરમાર, મહેન્દ્રસિંહ જાડેજા, મયૂરસિંહ વાઘેલા અને મધ્યસ્થી ઋષિત રૈયાણીની ધરપકડ કરી છે.
ગુજરાતની ૧૨ અને અન્ય ૧૧ રાજ્યોની ૧૦૩ મળી કુલ ૧૩૦ ફરિયાદોમાં આ ટોળકીની સંડોવણી ખુલી છે. ફરાર આરોપીઓ લાલાભાઈ ઝાલાવડિયા, હર્ષિલ શાહ અને ભરત પરમારને ઝડપી લેવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.SS1MS
