Western Times News

Gujarati News

ભુજ ખાતે દીનદયાળ પોર્ટ પર મેગા કન્ટેનર ટર્મિનલનું નિર્માણ કાર્ય પ્રગતિ પર

DRM અમદાવાદ સહિત વરિષ્ઠ અધિકારીઓ દ્વારા સ્થળ નિરીક્ષણ

અમદાવાદ, ગુજરાતના ભુજ સ્થિત દીનદયાળ પોર્ટ પ્રાધિકરણ (કાંડલા) ખાતે વિકસાવવામાં આવી રહેલા મેગા કન્ટેનર ટર્મિનલના નિર્માણ કાર્યનું તા. 12.02.2026ના રોજ અમદાવાદ મંડળના મંડળ રેલ પ્રબંધક (ડીઆરએમ) શ્રી વેદ પ્રકાશ, પશ્ચિમ રેલવેના મુખ્ય માલ ભાડા પરિવહન પ્રબંધક શ્રી નરેન્દ્ર પંવાર તથા ગાંધીધામ અને અમદાવાદ મંડળના એરિયા મેનેજર શ્રી આશીષ ધાનિયા દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું. આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ પશ્ચિમ ભારતના લોજિસ્ટિક્સ ઇકોસિસ્ટમને નવી ગતિ આપનાર એક મહત્વપૂર્ણ પહેલ છે.

નિરીક્ષણ દરમિયાન પ્રોજેક્ટની નિર્માણ પ્રગતિ, ઓપરેશનલ તૈયારીઓ અને ભવિષ્યની ક્ષમતા વિસ્તરણ અંગે વિગતવાર સમીક્ષા કરવામાં આવી. આ અદ્યતન કન્ટેનર ટર્મિનલની વાર્ષિક હેન્ડલિંગ ક્ષમતા આશરે 2.19 મિલિયન TEU રહેશે. ટર્મિનલ પર આશરે 1100 મીટર લાંબી બર્થ વિકસાવવામાં આવી રહી છે, જેથી મોટા અને આધુનિક કન્ટેનર જહાજોનું સંચાલન શક્ય બનશે. આ પ્રોજેક્ટ PPP મોડલ હેઠળ આશરે ₹4,200 કરોડના રોકાણથી વિકસાવવામાં આવી રહ્યો છે.

ડીઆરએમ અમદાવાદના મુલાકાત દરમિયાન પોર્ટ–રેલ કનેક્ટિવિટી, કન્ટેનર મૂવમેન્ટ, રેક હેન્ડલિંગ ક્ષમતા તથા ભવિષ્યની લોજિસ્ટિક્સ જરૂરિયાતો અંગે વિશેષ ચર્ચા કરવામાં આવી. સાથે જ, આ ટર્મિનલને ઝડપી, સુરક્ષિત અને નિરવિઘ્ન રેલ કનેક્ટિવિટી પૂરી પાડવા માટે ભારતીય રેલવે દ્વારા કરવામાં આવી રહેલા પ્રયત્નોની પણ સમીક્ષા કરવામાં આવી.

આ પ્રોજેક્ટ દીનદયાળ પોર્ટને એક સશક્ત મલ્ટી-મોડલ લોજિસ્ટિક્સ હબ તરીકે સ્થાપિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તથા ભારતીય રેલવે અને બંદર ક્ષેત્ર વચ્ચેના સમન્વયને વધુ મજબૂત બનાવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.