બોલો લ્યો, શિક્ષણ મંત્રી પ્રદ્યુમ્ન વાજાની આજ્ઞા પણ રાજ્ય પરીક્ષા બોર્ડ નથી માનતું!
શિક્ષણ મંત્રીએ તાબડતોબ આ અંગે પગલાં લેવા બોર્ડના અધિકારીઓને સુચના આપી પણ અધિકારીઓ ટસના મસ ન થયા!
નખશીખ સજ્જન અને કોઈ પણ ડાઘ વગરની રાજકીય કારકિર્દી ધરાવતા અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના દિક્ષિત અધિકારી પ્રદ્યુમ્ન વાજા શિક્ષણ મંત્રી બન્યા હોવા છતાં વહીવટીતંત્રમાં પોતાનો પ્રભાવ ઉભો નથી કરી શક્યા.
તેનું હાજરાહજૂર ઉદાહરણ એ છે કે ગત ડિસેમ્બર-૨૦૨૫મા લેવાયેલ ટેટ-૧ની ગુજરાતી માધ્યમની પરીક્ષામાં ૧૯ જેટલા પ્રશ્નો ભૂલ ભરેલાં અને વિવાદાસ્પદ હોવાથી ૩૦૦૦ થી ૪૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ ૧ કે ૨ માર્કથી મેરીટ લીસ્ટમાંથી નીકળી ગયા તેથી વિદ્યાર્થીઓ રાજ્ય પરીક્ષા બોર્ડને ફાઈનલ આન્સર કી રીવાઈઝ કરવા માટે વિનંતી કરવા ગયા પણ ત્યાંથી અધિકારીઓ દ્વારા જવાબ તોછડો મળ્યો

એટલે વિદ્યાર્થીઓ પ્રદ્યુમ્ન વાજાને મળવા ગયા. વાજાએ તાબડતોબ આ અંગે પગલાં લેવા બોર્ડના અધિકારીઓને સુચના આપી પણ અધિકારીઓ ટસના મસ ન થયા! આખરે વિદ્યાર્થીઓ નછૂટકે અને લાચારીથી હાઈકોર્ટેના શરણે ગયા છે અને પીટીશન નંબર -૪૮૭૮થી ન્યાય યાચિકા દાખલ કરી છે.
આ પરીક્ષાના એક ઉમેદવાર રાજકુમાર જોટવા એ તેમની આ વિતક કથા કહી છે. હાઈકોર્ટનો ચુકાદો જો ઉમેદવારોની તરફેણમાં આવશે તો ત્રણ થી ચાર હજાર વિદ્યાર્થીઓને ફાયદો થશે. સરકારમાં ૧૨૦૦૦ જગ્યાઓ ખાલી છે એટલે આવા સંભવિત ચુકાદાથી સરકારને કોઈ સમસ્યા ઉભી થવાની નથી.
પશ્ચિમ ગુજરાત વિજળી કંપનીનો નવો ફતવોઃ “કામ ફિલ્ડમાં અને હાજરી મશીનમાં!

પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડે (PGVCL) તાજેતરમાં એક નવો પરિપત્ર બહાર પાડીને બાયોમેટ્રિક હાજરીનો આદેશ આપ્યો છે. આ આદેશ વાંચીને એવું લાગે છે કે કંપનીના એરકન્ડિશન્ડ ઓફિસોમાં બેસતા સાહેબો એવું માની રહ્યા છે કે વીજળીના થાંભલા અને લાઈન ફોલ્ટ પણ હવે ઓફિસના પંચિંગ મશીન પાસે આવીને ઠીક થઈ જશે!પ્રશ્ન એ થાય કે આ નિયમ કોના માટે ઘડાયો છે?
સ્થાઈ’ માટે કે ‘દોડાદોડ’ કરનારા માટે?બાયોમેટ્રિક સિસ્ટમનો પ્રાથમિક તર્ક એ છે કે જે વ્યક્તિની નોકરી એક જ ટેબલ કે ખુરશી પર બેસીને કરવાની હોય તો તેની આવનજાવનની શિસ્ત ચકાસી શકાયવ.પરંતુ અહીં તો ઉલટી ગંગા વહે છે.જે લાઈનમેન કે હેલ્પર રાત-દિવસ જોયા વગર, ધોમધખતા તાપમાં કે મુશળધાર વરસાદમાં ફિલ્ડમાં રખડીને ફોલ્ટ સુધારે છે, તેમને હવે ‘ડિજિટલ સાંકળ’ થી બાંધવાનો પ્રયાસ થઈ રહ્યો છે.વિચારવુ એ પડે કે ફોલ્ટ રિપેરિંગ મહત્ત્વનું કે પંચિંગ?
વિચારો કે કોઈ વિસ્તારમાં મોટો પાવર કટ થયો હોય, લોકોના ઘરે અંધારું હોય અને લાઈનમેન બિચારો લાઈન ક્લિયરન્સ લેવા દોડતો હોય, ત્યારે અચાનક તેને યાદ આવે કેઃ અરે! મારે તો સબ ડિવિઝન જઈને અંગૂઠો દબાવવાનો સમય થઈ ગયો! શું PGVCL મેનેજમેન્ટ ઈચ્છે છે કે કર્મચારી જનતાની સેવાનો ફોલ્ટ પડતો મૂકીને પંચિંગ મશીનની સેવા કરવા જાય?
જો પંચિંગ કરવામાં મોડું થશે તો પગાર કપાશે, અને જો ફોલ્ટ સુધારવામાં મોડું થશે તો જનતાનો માર પડશે. બિચારો વર્ગ ૩ અને ૪ નો કર્મચારી જાય તો ક્યાં જાય ?
PGVCLએ સમજવાની જરૂર છે કે ટેકનિકલ કર્મચારીઓનું કામ ‘પરિણામલક્ષી’ હોય છે, ‘હાજરીલક્ષી’ નહીં. વીજળીનો ફોલ્ટ મશીનમાં અંગૂઠો દબાવવાથી નહીં, પણ ફિલ્ડમાં પરસેવો પાડવાથી સુધરે છે. બસ આ વાત સમજીને ટેકનિકલ કર્મચારીઓને આ નિર્ણય થી મુક્તિ આપવી જોઈએ.એવુ કંપનીનો મોટાભાગનો કર્મચારીગણ ઈચ્છી રહ્યો છે!
આઈ.એ.એસ.અધિકારીને નિવૃતિ પછી પૂનઃ નિયુક્તિ આપવામાં પણ બેવડાં ધોરણ?

ગુજરાત સરકારમાં અધિકારીઓ અને કર્મચારીઓને નિવૃત્તિ પછી કરાર આધારિત પૂનઃ નિયુક્તિ આપવામાં આવે છે.પરંતુ સચિવાલયમાં થતી ચર્ચાઓ જો સાચી માનીએ તો આઈ.એ.એસ.અધિકારી માટે નિવૃતિ પછી પૂનઃ નિયુક્તિ આપવામાં વહાલા-દવલાની નીતિ રાખવામાં આવે છે.
નિવૃત સનદીને પૂનઃ નિમણૂક આપવાના કિસ્સામાં ગમા-અણગમાને ખૂબ મહત્વ આપવામાં આવે છે અને ખાસ કરીને કોઈ સનદી અધિકારી તેની નિયમિત સેવાકાળ દરમિયાન પોતાના આગવા વિચારથી સ્વતંત્ર રીતે વર્ત્યો કે ચાલ્યો હોય તો તેના એ વલણ અને વર્તનને યાદ રાખીને તેને સરકારમાં પૂનઃ પ્રવેશ અંગે કશું જ વિચારવામાં આવતું નથી!
ખાસ કરીને ગુજરાતમાંથી નોમીનેશન મેળવીને આઈ.એ.એસ.થયેલા અધિકારીઓને આ અંગે વિશેષ સહન કરવું પડે છે.ગુજરાતમાં એક કહેવત છે કે “કામ વહાલા હોય,નામ વહાલા ન હોય” અર્થાત્ ક્ષમતા જોવાની હોય માણસ નહીં! પણ એવું કહેવાય છે કે હાલના સરકારી તંત્રમાં ‘ગંગા ઉલટી વહે છે.’
સંસ્કૃતિકુંજમાં વસંતોત્સવનો પ્રારંભ તા.૨૧મી ફેબ્રુઆરીથી પ્રારંભ થશે

ગાંધીનગરવાસીઓ જેની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે એ સંસ્કૃતિકુંજમાં યોજાતો વસંતોત્સવ આગામી તા.૨૧મી ફેબ્રુઆરીથી તા.૨ માર્ચ -૨૦૨૬ સુધી યોજવામાં આવનાર છે. ગાંધીનગર શહેર અને જિલ્લાની આગવી ઓળખ બની ચૂકેલા આ વસંતોત્સવમાં ગોઠવાતા હસ્તકલા કારીગરી ની વસ્તુઓ વેચતા હાટ બજાર અને સાંજે ૭-૦૦ થી ૯-૦૦ વાગ્યા દરમિયાન રજુ થતા
ભારતના વિવિધ રાજ્યોના અને ગુજરાતના વિવિધ જિલ્લાઓના લોકનૃત્યોની પ્રસ્તુતિ પણ આગવા આકર્ષણનું કેન્દ્ર બને છે. સંસ્કૃતિકુંજમાં ૧૦ દિવસ માટે યોજાતા આ વસંતોત્સવ નું આયોજન ગુજરાત રાજ્યના કમિશનર,યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા સંપૂર્ણપણે સરકારી રાહે થતું હોવા છતાં એ આડકતરી રીતે લોકમેળાનું સ્વરૂપ ધારણ કરી ચૂક્યો છે.
આને કહેવાય લોકમતઃ વાવોલનો અંડર પાસ ઉદ્દઘાટન વગર જ શરૂ થઈ ગયો

ગુજરાતમાં એવી પ્રણાલીકા છે કે કોઈ ઓવર બ્રિજ કે અંડર પાસ બનાવવામાં આવે તો તેનાં વિધિવત ઉદ્ઘાટન પછી જ એ જાહેર જનતા માટે વપરાશ અર્થે ખુલ્લો મુકવામાં આવે.
કિસ્સા તો એવા ય જોયા છે કે ઓવર બ્રિજ કે અંડર પાસ સંપૂર્ણ બની ગયાં પછી પણ ઉદ્દઘાટનના અભાવે મહિનાઓ સુધી બિન વપરાશી રહે.
પણ આમાં એક સુખદ અપવાદ ગાંધીનગર પાસેના વાવોલ ગામમાં સર્જાયો છે.બન્યુ એવું કે ગાંધીનગરથી બસ સ્ટેન્ડથી વાવોલ જતા માર્ગમાં એક રેલવે ફાટક આવતું હતું એ લોકો માટે ભારે અડચણરૂપ હતું.એટલે ત્યાં અન્ડર પાસ બનાવવામાં આવ્યો હતો.
આ અન્ડર પાસ બન્યા પછી વાવોલ ગામના લોકોએ ઉદ્દઘાટનનો કોઈ તાયફો કર્યા વગર જ એ અન્ડર પાસનો ઉપયોગ શરૂ કરી દીધો છે!એક ખોટી પરંપરામાંથી મુક્ત થવા માટે વાવોલ ગામને અભિનંદન આપવા પડે હોં.
