Western Times News

Gujarati News

ગોધરામાં કિન્નર સમાજનો અનોખો પ્રયાસઃ દત્તક દીકરીના ધામધૂમથી લગ્ન કરાવ્યા

(પ્રતિનિધિ) ગોધરા, ગોધરા શહેરના ભુરાવાવ વિસ્તારમાં આવેલી જય ઝૂલેલાલ સોસાયટીના મઠ ખાતે પ્રેમ, જવાબદારી અને સ્વીકારનો અદભૂત પ્રસંગ સર્જાયો હતો. કિન્નર સમાજ દ્વારા દત્તક લેવામાં આવેલી પાયલ રણવીરસિંહના લગ્ન ધામધૂમથી યોજાતા સમગ્ર વિસ્તાર હર્ષોલ્લાસ અને ભાવુકતાથી ઝગમગી ઉઠ્‌યો હતો.

અંદાજે દોઢ વર્ષ પૂર્વે રિંકુ દે અને સંગીતા દે નામના કિન્નરોએ પાયલને દત્તક લીધી હતી. દત્તક લીધા બાદથી પાયલનું પાલનપોષણ, શિક્ષણ અને સંસ્કારોથી ભરપૂર ઉછેરની સંપૂર્ણ જવાબદારી કિન્નર સમાજે નિભાવેલી. માતૃત્વ અને સંરક્ષણનો અર્થ રક્તસબંધોથી જ ન માપાય, તેવું જીવંત ઉદાહરણ આ પ્રસંગે સૌએ જોયું.

તા. ૧૪ ફેબ્રુઆરીના રોજ આણંદ ખાતેથી જાન ગોધરા આવી પહોંચી હતી. પરંપરાગત રીતિ-રિવાજો અનુસાર મંડપ મહોરાયો, શુભ વેળાએ ફેરા ફરાયા અને વિધિવત રીતે લગ્નવિધિ પૂર્ણ થઈ. મઠને રંગબેરંગી સજાવટથી સજાવવામાં આવ્યો હતો. સંગીતના સુર અને શુભેચ્છકોના આશીર્વાદોથી સમગ્ર વાતાવરણ ઉત્સવમય બની ગયું હતું. કિન્નર સમાજના સભ્યો દીકરીના લગ્ન પ્રસંગે ગૌરવ અને આનંદથી ઝળહળી રહ્યા હતા.

લગ્ન પ્રસંગે દીકરીનો કરિયાવર, સમારંભનો તમામ ખર્ચ, મહેમાનોના જમણવાર અને વ્યવસ્થા સહિતનો સંપૂર્ણ ખર્ચ કિન્નર સમાજે પોતાના ખભે ઉઠાવ્યો હતો. પાયલના વિદાય ક્ષણે અનેક આંખો ભીની થઈ ગઈ હતી. આશીર્વાદ આપતા સમયે કિન્નર સમાજના સભ્યો માટે આ માત્ર એક વિધિ નહોતી, પરંતુ માતાપિતાની લાગણીનું પરિપૂર્ણ સ્વરૂપ હતું.

સ્થાનિક રહેવાસીઓ અને ઉપસ્થિત મહેમાનોએ કિન્નર સમાજની આ પહેલને હૃદયપૂર્વક સરાહનીય ગણાવી હતી. સમાજમાં સમાનતા, સ્વીકાર અને માનવતાનો સંદેશ આપતો આ પ્રસંગ અનેક લોકો માટે પ્રેરણારૂપ બની રહ્યો છે. કિન્નર સમાજ પ્રત્યેની પરંપરાગત માન્યતાઓને બદલીને તેમને સંવેદનશીલ, જવાબદાર અને સમાજના અભિન્ન હિસ્સા તરીકે જોવાની દિશામાં આ ઘટના મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

આ પ્રસંગે એક સ્પષ્ટ સંદેશ આપ્યો કે પ્રેમ અને જવાબદારીને કોઈ પરિભાષાની જરૂર નથી. સંબંધો હૃદયથી બંધાય છે અને માનવતાનો સૌથી સુંદર રૂપ ત્યારે દેખાય છે, જ્યારે સમાજ એકબીજાને સ્વીકારવાની તૈયારી રાખે. ગોધરામાં યોજાયેલા આ લગ્ન સમારોહે માનવતાનો મંગલગીત ગાઈ સમગ્ર શહેરને એક અનોખો સંદેશ આપ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.