Western Times News

Gujarati News

લગ્ન પ્રસંગમાં ભોજન બાદ ૨૦૦ લોકોને ફૂડ પોઈઝનિંગ

પ્રતિકાત્મક

માતર તાલુકાના સિંજીવાડામાં લગ્ન પ્રસંગમાં ભોજન બાદ ૨૦૦ લોકોને ફૂડ પોઈઝનિંગ

(પ્રતિનિધિ) નડિયાદ, ખેડા જિલ્લાના માતર તાલુકામાં આવેલા સિંજીવાડા ગામે લગ્ન પ્રસંગમાં આઈસ્ક્રીમ અને મીઠાઈ ખાધા બાદ અંદાજે ૨૦૦ જેટલા લોકોને ઝાડા-ઉલટીની અસર થતા સમગ્ર પંથકમાં દોડધામ મચી ગઈ હતી.

ખેડા જિલ્લાના માતર તાલુકાના સિંજીવાડા ગામમાં ગત સાંજે એક લગ્ન પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગમાં ભોજન લીધાના ગણતરીના કલાકોમાં જ મહેમાનો અને ગ્રામજનોને શારીરિક અસ્વસ્થતા અનુભવાઈ હતી. ૧૫૦ થી ૨૦૦ જેટલા લોકોને એકાએક ઉલટી અને ઝાડાની ફરિયાદ થતા ગામના ખાનગી ક્લિનિકો અને સરકારી દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઈ ગયા હતા.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, ભોજનમાં પીરસવામાં આવેલી મીઠાઈ અને આઈસ્ક્રીમ ખાધા બાદ લોકોની તબિયત લથડવાનું શરૂ થયું હતું.ઘટનાની જાણ થતા જ વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું હતું. માતરના ધારાસભ્ય કલ્પેશ પરમાર તાત્કાલિક સ્થળ પર પહોંચી દર્દીઓની મુલાકાત લીધી હતી.

જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડો. વી.એસ. ધુવે, નાયબ મામલતદાર અને આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓનો કાફલો પણ સિંજીવાડા પહોંચ્યો હતો અને પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને લઈ જરૂરી સૂચનાઓ આપી હતી. આરોગ્ય વિભાગ દ્વારા ગામમાં જ તાત્કાલિક કેમ્પ જેવી સુવિધા ઊભી કરવામાં આવી હતી અને ટીમો બનાવીને ઘરે-ઘરે સઘન સર્વે હાથ ધરવામાં આવ્યો હતો, જેથી કોઈ અસરગ્રસ્ત સારવાર વિના રહી ન જાય.

મોટાભાગના દર્દીઓને ગામમાં જ પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. જોકે, પાંચ જેટલા દર્દીઓની હાલત વધુ નાજુક જણાતા તેમને અન્ય હોસ્પિટલમાં રીફર કરાયા હતા, જ્યાં સારવાર બાદ સુધારો જણાતા તેમને રજા આપી દેવામાં આવી છે.

જિલ્લા આરોગ્ય અધિકારી ડો. વી.એસ. ધુવેના જણાવ્યા મુજબ, પ્રાથમિક દ્રષ્ટિએ આઈસ્ક્રીમના સેવનથી ફૂડ પોઈઝનિંગ થયું હોય તેવું જણાય છે. તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે ભોજનમાં વપરાયેલા તમામ ખાદ્ય પદાર્થોના સેમ્પલ મેળવીને લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.