Western Times News

Gujarati News

આમોદ નગરપાલિકાના વોર્ડ નંબર ૬ માં ઉભરાતી ખુલ્લી ગટરોથી રોગચાળો ફેલાવવાની દહેશત

(પ્રતિનિધિ) ભરૂચ, આમોદમાં વોર્ડ નંબર ૬ માં ઊભરતી અને દુર્ગંધ મારતી ખુલ્લી ગટરોથી સ્થાનિક રહીશોમાં રોગચાળાનો ભય સતાવી રહ્યો છે.તેમજ વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું હોવાનું જાણવા મળ્યું છે.ત્યારે સ્થાનિક સદસ્યએ જ ભાજપ શાસિત નગરપાલિકાની નિષ્ક્રિયતા અને બેદરકારી સામે મોરચો માંડવાની ચીમકી આપતા આમોદનુ રાજકારણ ગરમાયું છે.

આમોદ નગરમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન પાછળ કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોવા છતાં,આમોદ નગરમાં સફાઈની કામગીરી માત્ર કાગળ ઉપર થતી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.જેના કારણે વોર્ડ નંબર ૬ માં ગંદકીનું સામ્રાજ્ય અને ખુલ્લી ગટરોને કારણે જનતાનું આરોગ્ય જોખમમાં મૂકાયું છે.ત્યારે આગામી સમયમાં શાસક પક્ષને મતો લેવા જવું ભારે પડી શકે તેવી ચર્ચાઓએ જોર પકડ્‌યું છે.

આમોદ નગરના વોર્ડ નંબર ૬ માં ઠેર-ઠેર ગંદકીના ઢગલા અને દુર્ગંધ મારતી ખુલ્લી ગટરોને કારણે રોગચાળો ફેલાવવાની દહેશત ફેલાઈ છે.નાના બાળકો અને વડીલોને સારવાર માટે ભરૂચ સુધી દોડવું પડી રહ્યું છે.આ બાબતે નગરપાલિકાના સ્થાનિક સદસ્ય કમલેશ સોલંકીએ પાલિકા તંત્રને અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરી હોવા છતાં તંત્ર જાણે ઘોર નિદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે.

તેમણે આક્ષેપ કર્યો હતો કે મુખ્ય અધિકારી અને પ્રાદેશિક કચેરીના કર્મચારીઓ માત્ર ફોટોસેશન અને દેખાવ પૂરતી કામગીરી બતાવી પ્રજાને ઉલ્લુ બનાવી રહ્યા છે.પરંતુ વાસ્તવિક પ્રશ્નો વણઉકેલ્યા રહ્યા છે.ત્યારે આગામી દિવસોમાં જો સફાઈ અને ગટરના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો નગરપાલિકા કચેરી ખાતે ધરણા પ્રદર્શન અને ઉગ્ર આંદોલનની સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે.

આમોદ નગરપાલિકાના પ્રમુખ જલ્પા પટેલ સૌથી શિક્ષિત મહિલા પ્રમુખ છે.પરંતુ આમોદ નગરજનોને પ્રાથમિક સુવિધાઓ આપવામાં તેમનો વહીવટ સંદતર નિષ્ફળ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે.આમોદમાં હાલ એક મહિલા શિક્ષિત પ્રમુખ હોવા છતાં લોકોને પારાવાર મુશકેલીઓનો સામનો કરવો પડે છે.જેથી શિક્ષિત નારી સબ પે ભારી તે નગરમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.

જે નગરપાલિકાના વહીવટ સામે આંગળી ચીંધે છે.અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપના ચૂંટાયેલા સદસ્યો જ પાલિકા પ્રમુખના વહીવટથી નારાજ હોય અગાઉ પાલિકાના સત્તાધારી પક્ષના સદસ્યો, ભાજપ શહેર સંગઠનના હોદેદારો તેમજ ધારાસભ્ય ડી. કે.સ્વામીએ ભરૂચ જીલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીને રૂબરૂ મળી તેમને પ્રમુખના હોદ્દા ઉપરથી દૂર કરવા સામુહિક રજૂઆત કરી હતી

છતાં કોઈ મજબૂત પરિણામ નહીં મળતાં લોકોમાં મહિલા પ્રમુખ સામે નારાજગી જોવા મળી રહી છે.હાલ આમોદ નગરમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ ચૂંટણી સમયે સ્થાનિક લોકોને પ્રાથમિક સુવિધાઓ આપવાના વચનો ભૂલી ગયા હોય તેવી લોકલાગણી પ્રવર્તી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.