Western Times News

Gujarati News

સ્પા સંચાલકની હત્યા: ભાગીદાર અને મેનેજરે બુરખાની આડમાં ખેલ્યો ખૂની ખેલ

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ શહેરના ઝાડેશ્વર રોડ પર આવેલા શ્વાસ ડી પ્રોફેશનલ સ્પાના સંચાલક કૃણાલ પટેલની ભેદી સંજોગોમાં ગુમ થયા બાદ મળેલી લાશના કેસમાં ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચે સનસનાટીભર્યો ખુલાસો કર્યો છે.

આ કેસની વિગતવાર તપાસમાં બહાર આવ્યું છે કે, મૃતક કૃણાલ અને મુખ્ય આરોપી મુન્તજીર પટેલ મિત્રો હતા અને તેઓએ સાથે મળીને પહેલા પાંચબત્તી અને ત્યારબાદ ઝાડેશ્વર ખાતે ભાગીદારીમાં સ્પાનો વ્યવસાય શરૂ કર્યો હતો. જોકે છેલ્લા કેટલાક સમયથી ધંધામાં થયેલા નુકસાન અને આશરે ૯.૫૦ લાખ રૂપિયાની મોટી રકમની લેણી ઉઘરાણી મુદ્દે બંને ભાગીદારો વચ્ચે તીવ્ર મતભેદો અને ઝઘડાઓ ચાલતા હતા.

આ વિવાદમાં સ્પાના પૂર્વ મેનેજર મહંમદ સૌયેબ ભાદરકાને પણ સામેલ કરવામાં આવ્યો હતો. કારણ કે તેને પણ પગારના નાણાં લેવાના નીકળતા હતા.આ આર્થિક અદાવત એટલી હદે વકરી કે બંનેએ મળીને કૃણાલને રસ્તામાંથી હટાવવાનો ખતરનાક મનસૂબો ઘડી કાઢ્યો હતો.

હત્યાના આયોજનને અંજામ આપવા માટે આરોપીઓએ કોઈ પ્રોફેશનલ ગુનેગારની જેમ પૂર્વતૈયારી કરી હતી. ગત ૧૦ ફેબ્રુઆરીના રોજ આરોપીઓએ કૃણાલને હિસાબ પતાવવા અને રૂપિયા આપવાના બહાને વિશ્વાસમાં લઈ ક્રેટા કારમાં બેસાડ્‌યો હતો. ઓળખ છુપાવવા અને પોલીસને ચકમો આપવા માટે મેનેજર સૌયેબ ભાદરકા સ્ત્રીના કપડાં અને બુરખો પહેરીને કારની પાછળની સીટ પર અગાઉથી જ ગોઠવાઈ ગયો હતો.

કાર જ્યારે વોરા સમની ગામથી બહાર નીકળી ગ્રામ્ય વિસ્તારના સુમસામ રસ્તા પર પહોંચી, ત્યારે પાછળ બેઠેલા બુરખાધારી સૌયેબે નાયલોનની દોરી વડે કૃણાલના ગળામાં ફાંસો નાખી દીધો હતો, જ્યારે મુન્તજીરે કાર હંકારી તેને સહકાર આપ્યો હતો.

ચાલુ કારમાં જ કૃણાલનું ગળું ટૂંપીને કરપીણ હત્યા કરવામાં આવી હતી.આ અગાઉ પણ એકવાર તેને મારવાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો કારણ કે કૃણાલ અચાનક કોસંબા જતો રહ્યો હતો, પરંતુ આ વખતે તે હત્યારાઓની જાળમાં ફસાઈ ગયો હતો.

હત્યા કર્યા બાદ પુરાવાનો નાશ કરવા માટે આરોપીઓએ મૃતકના હાથ-પગ બાંધી લાશને એક પ્લાસ્ટિકની થેલીમાં પેક કરી દીધી હતી. દિવસભર લાશનો નિકાલ કરવા માટે સુરક્ષિત જગ્યાની શોધમાં આ હત્યારાઓ વાગરાના ગ્રામ્ય પંથકોમાં લાશ ભરેલી કાર લઈને ભટકતા રહ્યા હતા. અંતે, મોડી રાત્રિના અંધકારનો લાભ લઈ રહાડ-વચ્છનાદ માર્ગ પર આવેલા એક નાળા નીચે લાશને ફેંકી આરોપીઓ નાસી છૂટ્યા હતા.

ઘટનાની જાણ થતા જ જંબુસર ડીવાયએસપી પી.એલ.ચૌધરી અને ન્ઝ્રમ્ પીઆઈ મનીષ વાળાની ટીમે અલગ-અલગ ટુકડીઓ બનાવી તપાસ શરૂ કરી હતી.ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી પોલીસે સૌ પ્રથમ મુન્તજીર પટેલને વિલાયત રોડ પરથી ક્રેટા કાર સાથે ઝડપી પાડ્‌યો હતો,

જ્યારે બીજી ટીમે મેનેજર સૌયેબને તેના વતન પ્રભાસપાટણ, ગીર સોમનાથ ખાતેથી દબોચી લીધો હતો. હાલ પોલીસે હત્યામાં વપરાયેલ સાધનો અને વાહન સહિત ૫.૬૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.