Western Times News

Gujarati News

રાજકોટમાં પાર્કમાં દિપડો ઘુસી આવતા તંત્રમાં દોડધામ

અમદાવાદ: રાજકોટ શહેરમાં આવેલા પ્રદ્યુમન પાર્કમાં બહારથી દીપડો અંદર ઘૂસી આવ્યો હતો અને હરણનો શિકાર કરી મારણ કર્યું હતું. જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. ખાસ કરીને સ્થાનિક વનવિભાગ ને પ્રદ્યુમન પાર્ક ઝુ સત્તાવાળાઓ દિપડાને પાંજરે પૂરવા દોડતા થયા હતા. મુલાકાતીઓની સુરક્ષાને ધ્યાનમાં લઇ પ્રદ્યુમન પાર્ક સ્થિત  ઝુમાં પ્રવેશ બંધ કરાવાયો હતો. સાથે સાથે દિપડાને પકડવા સંભવિત સ્થાનોએ પાંજરા મૂકવામાં આવ્યા હતા.

દિપડાને પકડવાની કવાયત બહુ અસરકારક રીતે હાથ ધરવામાં આવી રહી છે પરંતુ સાંજ સુધી દિપડાને પકડવામાં તંત્રને સફળતા મળી ન હતી. જેથી તે માટેના પ્રયાસો ચાલુ રખાયા હતા. રાજકોટના પ્રદ્યુમન પાર્ક સ્થિત  ઝુમાં રોજ મોટી સંખ્યામાં સહેલાણીઓ મુલાકાત લેતા હોય છે, મુલાકાતીઓની ખાસ કરીને મહિલાઓ, બાળકો સહિતના લોકોની સુરક્ષાને લઇ ગંભીર સવાલો ઉઠયા હતા પરંતુ દિપડો રાત્રિના સુમારે આવ્યો હોઇ માણસ પર હુમલાની સંભવિત ઘટના ટાળી શકાઇ હતી.

ઘટનાની જાણ થતાં ફોરેસ્ટ વિભાગના તમામ અધિકારીઓ ઝુ ખાતે પહોંચી ગયા હતા અને દિપડાની શોધખોળ હાથ ધરી હતી. દિપડાને પકડવા માટે ઝુ અને આસપાસના વિસ્તારોમાં પાંચથી વધુ પાંજરા મૂકી તંત્ર દ્વારા પ્રયાસ હાથ ધરાયા હતા. દરમ્યાન રાજકોટ પ્રદ્યુમન પાર્ક ઝુ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.આર.કે.હિરપરાએ જણાવ્યું હતું કે, દિપડાને રાતના સ્ટાફે નજરે જોયો હતો. દીપડો હતો અને તેણે એક હરણનુ મારણ કર્યું છે.

જા કે, સમગ્ર વાતને ગંભીરતાથી લઇ રાત્રે જ જંગલ ખાતાની ટીમને જાણ કરી બોલાવી લેવાઇ છે. હજુ દિપડો પકડાયો નથી. નાગરિકો અને મુલાકાતીઓની સલામતી માટે ઝુમાં હાલ પૂરતો પ્રવેશ બંધ કરી દેવાયો છે. ઝુની અંદર અન્ય પ્રાણીઓને પણ પાંજરામાં પૂરી દેવામાં આવ્યા છે.

સૌરાષ્ટ્રના ગામડાઓમાં તો અવારનવાર સિંહ અને દીપડા આવી ચડતા હોય છે અને માનવીઓ પર હુમલા કરતા હોય છે. થોડા દિવસ પહેલા જ સિંહ પોતાની ટેરેટરી તોડી રાજકોટની ભાગોળે દેખા દીધા હતા. ત્યારે હવે દીપડો રાજકોટમાં જ ઘૂસી આવતાં આસપાસની ઝુપડપટ્ટીમાં રહેતા લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, પ્રદ્યુમન પાર્કમાં અગાઉ પણ સિંહ પાંજરામાંથી બહાર આવી ગયો હતો. આ સમયે ઝુમાં સહેલાણીઓની સંખ્યા ઓછી હોવાથી જાનહાનિ સર્જાઇ નહોતી. તો, ઝુ ની અંદર અમુક સીસીટીવી પણ બંધ હોવાની વાત પણ સામે આવી રહી છે. પ્રદ્યુમન પાર્કમાં હાલ ૫૫ પ્રજાતિના ૪૩૦ પ્રાણી-પક્ષીઓ આવેલા છે. દરેક પર સીસીટીવી દ્વારા નજર રાખવામાં આવી રહી છે.

પ્રદ્યુમન પાર્કમાં સિંહ, રીંછ, સફેદ વાઘ, હરણ સહિતના પ્રાણીઓ અને પક્ષીઓ આવેલા છે. પ્રતિદિન ખૂબ મોટી સંખ્યામાં મુલાકાતીઓ ઝુની મુલાકાતે આવતા હોય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.