Western Times News

Gujarati News

નશા માટે વપરાતા ‘ગોગો સ્મોકિંગ કોન’ અને રોલિંગ પેપરનો જથ્થો ઝડપાયો

AI Image

ચાંગોદર પોલીસની મોટી કાર્યવાહીઃ  રૂપિયા ૩.૨૬ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

અમદાવાદ,  અમદાવાદ ગ્રામ્યની ચાંગોદર પોલીસે યુવાધનને નશાના રવાડે ચડાવતા સાધનો સામે મોટી કાર્યવાહી કરી છે. ચાચરાવાડી વાસણા ગામની સીમમાં આવેલ એક વેર હાઉસના ગોડાઉનમાં દરોડો પાડી પોલીસે ગાંજાના નશા માટે વપરાતા ‘ગોગો સ્મોકિંગ કોન’ અને રોલિંગ પેપરનો મોટો જથ્થો ઝડપી પાડ્‌યો છે. આ મામલે પોલીસે એક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર, ચાંગોદર પોલીસનો સર્વેલન્સ સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમી મળી હતી કે ચાચરાવાડી વાસણાની સીમમાં આવેલા અસ્વીકા-૪ વેર હાઉસના એક ગોડાઉનમાં પ્રતિબંધિત રોલિંગ પેપર અને સ્મોકિંગ કોનનો સંગ્રહ કરવામાં આવ્યો છે.

પોલીસે તુરંત જ દરોડો પાડતા ત્યાંથી લોકલ છૂટક વેચાણ માટે રાખવામાં આવેલો રૂપિયા ૩,૨૬,૪૨૦ ની કિંમતનો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે તમામ જથ્થો જપ્ત કરી આરોપી વિરુદ્ધ બી.એન.એસની કલમ-૨૨૩ મુજબ ગુનો દાખલ કર્યો છે.

રાજ્યના ગૃહ વિભાગના જણાવ્યા અનુસાર, સગીરો અને યુવાનો દ્વારા ચરસ-ગાંજાના સેવન માટે આ પ્રકારના પેપર્સ અને કોનનો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રોડક્ટ્‌સમાં ટાઇટેનીયમ ઓક્સાઇડ, પોટેશીયમ નાઇટ્રેટ, આર્ટીફીશયલ ડાય અને ક્લોરીન બ્લીચ જેવા ઝેરી પદાર્થો હોય છે, જે માનવ સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક છે.

પાન પાર્લર અને કરીયાણાની દુકાનોમાં આ વસ્તુઓ સરળતાથી ઉપલબ્ધ હોવાને કારણે યુવા વર્ગમાં નશાની વૃત્તિમાં વધારો થયો છે. ગૃહ વિભાગના જાહેરનામા બાદ ચાંગોદર પોલીસે સઘન પેટ્રોલિંગ હાથ ધરીને આ સફળતા મેળવી છે. પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ, પાન પાર્લર, ચાની દુકાનો કે ગોડાઉનોમાં આવા પદાર્થોનું વેચાણ કે સંગ્રહ કરવો એ ગુનો છે. આગામી દિવસોમાં પણ આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.