ટ્રિબ્યુનલો પ્રત્યે કેન્દ્રની નિષ્ક્રિયતા બાબતે સુપ્રીમે નારાજગી વ્યક્ત કરી
નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે સોમવારે અર્ધ-ન્યાયિક સંસ્થાઓના કામકાજ અને સંચાલનમાં આવી રહેલી મુશ્કેલીઓની નોંધ લીધી હતી અને કેન્દ્ર સરકારને દેશભરની તમામ ટ્રિબ્યુનલ્સના સુચારુ સંચાલન માટે ચાર અઠવાડિયામાં વ્યાપક અને એકરૂપ પ્રસ્તાવ રજૂ કરવાનો આદેશ આપ્યો.
ચીફ જસ્ટિસ સુર્ય કાંત અને જસ્ટિસ સર્વશ્રી જોયમલ્યા બાગચી તથા જસ્ટિસ વિપુલ એમ પંચોલીની બેંચ લાંબા સમયથી ચાલતા મદ્રાસ બાર એસોસિયેશનના કેસની સુનાવણી કરી રહી હતી. આ કેસ ટ્રિબ્યુનલ્સની સ્વતંત્રતા અને માળખાકીય અખંડિતતા સાથે સંબંધિત છે.
બેંચે ટ્રિબ્યુનલ્સમાં ઉભી થયેલી ખાલી જગ્યાઓની ગંભીર સમસ્યા અને સુવ્યવસ્થિત કાનૂની માળખાના અભાવ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. અવારનવાર આ કારણોસર ટ્રિબ્યુનલ્સ કાર્યરહિત સ્થિતિમાં પહોંચી જાય છે. ચીફ જસ્ટિસે એટર્ની જનરલ આર. વેંકટરમણને જણાવ્યું કે સરકારને અગાઉના ન્યાયિક આદેશોને અનુસરી કાર્યવાહી કરવી જ પડશે.
“સંસ્થાઓ નિષ્ક્રિય ન બનવી જોઈએ,” એમ તેમણે જણાવ્યું હતું. તેમણે આગળ કહ્યું હતું કે, “ચાર અઠવાડિયામાં તમામ ટ્રિબ્યુનલ્સને આવરી લેતો એકરૂપ પ્રસ્તાવ અમારી સમક્ષ લાવો. તમામ ટ્રિબ્યુનલ્સ માટે સર્વગ્રાહી યોજના રજૂ કરો. તમે નવો કાયદો લાવવા માંગો છો કે સુધારા કરવા માંગો છો તે સ્પષ્ટ કરો.”
કોર્ટએ કેન્દ્રને સૂચના આપી કે બંધારણ હેઠળ કે વિશિષ્ટ કાયદા હેઠળ રચાયેલા તમામ ટ્રિબ્યુનલ્સને આવરી લેતો એકરૂપ પ્રસ્તાવ લાવવામાં આવે. સાથે જ સરકારનો રોડમૅપ શું છે?, નવો કાયદા લાવવાનો ઈરાદો છે કે વ્યાપક સુધારા કરવાનો? તે તમામ બાબતો પણ સ્પષ્ટ કરવા જણાવ્યું હતું.
એટર્ની જનરલે તાત્કાલિક ખાલી જગ્યાઓ ભરવા માટે વ્યાવહારિક અભિગમ સૂચવ્યો હતો. તેમણે પ્રસ્તાવ મૂક્યો કે હાલના અધ્યક્ષોને નિવૃત્તિ વય સુધી અથવા નવી પસંદગી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી (જે પહેલું થાય તે મુજબ) કાર્ય કરવાની મંજૂરી આપવામાં આવશે.SS1MS
