Western Times News

Gujarati News

ગુજરાતમાં એક જ વર્ષમાં રૂ.૨૨૪૦ કરોડનું સિન્થેટિક ડ્રગ્સ ઝડપાયું

અમદાવાદ, વિકાસશીલ અને સરહદી રાજ્ય ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સ સહિતની બદીઓ વિસ્તરી રહી છે. ત્યારે સરકારી એજન્સીઓ કડક કાર્યવાહી કરી રહી છે, વર્ષ ૨૦૨૫ દરમિયાન જ ગુજરાતમાંથી ૨૨૪૦ કરોડ રૂપિયાનું સિન્થેટીક ડ્રગ્સ પકડવામાં આવ્યું છે.

આ ડ્રગ્સ બનાવતી અડધો ડઝન જેટલી ફેક્ટરીઓ પકડવાની કામગીરી રાજ્ય અને કેન્દ્રની એજન્સીઓ દ્વારા કરવામાં આવી છે.ગુજરાતના દરિયાકાંઠેથી ડ્રગ્સ ઘુસાડવાની પ્રવૃત્તિ પર અંકુશ મેળવાયા પછી ગુજરાતમાં ગેરકાયદે સિન્થેટીક ડ્રગ્સ બનાવતી ફેક્ટરીઓ ઉપર પસ્તાળ પાડવામાં આવી છે.

વર્ષ ૨૦૨૫માં જ ગુજરાતમાંથી ૨૨૪૦ કરોડ રૂપિયાની કિંમતનું સિન્થેટીક ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યું છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ગેરકાયદે ધમધમતી અડધો ડઝન જેટલી ફેક્ટરીઓ પકડી પાડવામાં આવી હતી. આ ફેક્ટરીઓમાંથી ૨૨૪૦ કરોડ રૂપિયાનું ૨૦૮૨૩ કિલો સિન્થેટીક ડ્રગ્સ પકડી પાડમાં આવ્યું છે.

છેલ્લા ૧૦ વર્ષ દરમિયાન ગુજરાતમાંથી કુલ ૧૩,૯૩૯ કરોડ રૂપિયાની કિંમતનું ૧.૭૪ લાખ કિલો સિન્થેટીક ડ્રગ્સ એજન્સીઓએ પકડી પાડ્યું છે. વર્ષ ૨૦૨૪ દરમિયાન કુલ ૫૮૮ કેસ કરીને ૧૪૭૯ કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડ્યા પછી વર્ષ ૨૦૨૫માં ૯૮૦ કેસ કરીને ૨૨૪૦ કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડવામાં આવ્યું છે. રાજ્યમાંથી પકડાયેલા ડ્રગ્સમાં મોર્ફિન, કોડેઈન, હેરોઈન, મેથએમ્ફેટામાઇન જેવા ડ્રગ્સનો સમાવેશ થાય છે.

સૂત્રોના જણવ્યાનુસાર, ગુજરાતના વિશાળ દરિયાકાંઠેથી સિન્થેટીક ડ્રગ્સ ઘુસાડવામાં આવે છે અને તે અન્ય રાજ્ય, દેશોમાં મોકલવામાં આવે છે. ગાંધીધામ નજીકથી દરિયાકાંઠેથી પકડાયેલા કરોડો રૂપિયાના ડ્રગ્સનો જથ્થો કોણે મોકલ્યોને ક્યાં જવાનો હતો તેની જાણકારી બે વર્ષે પણ મળી નથી. બીજી તરફ, દવાઓના ઉત્પાદનમાં ગુજરાત અગ્રેસર છે. દવાના ઉત્પાદનના બહાને ગેરકાયદે ડ્રગ્સનું ઉત્પાદન કરતી ફેક્ટરીઓ વર્ષ ૨૦૨૫માં પણ પકડાઈ ચૂકી છે.

દેશ-દુનિયામાં ડિમાન્ડ વધતાં સિન્થેટીક ડ્રગ્સની હેરાફેરી અને ગેરકાયદે ઉત્પાદન મુદ્દે ગુજરાત કેન્દ્રસ્થાને રહ્યું છે. ગુજરાત પોલીસ, એટીએસ ઉપરાંત ડીઆરઆઈ અને એનસીબી સહિતની કેન્દ્રિય એજન્સીઓ ડ્રગ્સના ગેરકાયદે કારોબાર સામે સક્રિય કામગીરી કરી રહી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.