Western Times News

Gujarati News

વિસનગરના ૩ યુવાનો સાથે વર્ક પરમીટ વિઝા-પીઆરના બહાને ૨૬.૮૧ લાખની ઠગાઈ

મહેસાણા, વિસનગરની ઈગ્લીશ એકેડેમીના ત્રણ વિદ્યાર્થીઓને કેનેડાના વર્ક પરમીટ વિઝા અને પીઆર અપાવવાના બહાને રૂ.૨૬.૮૧ લાખ મેળવી લઈ છેતરપિંડી કરનારા થાણેના ત્રણ જણા સામે એકેડેમીના માલિકે ફરિયાદ નોંધાવી છે.

વિસનગરના હેમાંગ મહેશભાઈ કંસારા શહેરના સ્પાન ચંદન મોલ કોમ્પ્લેક્સમાં આલાપ ઈગ્લીશ એકેડેમીમાં લેલ્ટસનું કોચિંગ આપે છે. તેઓ વિદ્યાર્થીઓનાં રિઝલ્ટ સોશિયલ મિડીયા પર મુકતા હોઈ વિઝા કન્સલ્ટન્ટ તેમનો સંપર્ક કરતા હોય છે.

એ મુજબ ત્રણેક વર્ષ પહેલાં આરકેન ઓવરસીઝ નામની કંપનીનાં નીશા પાલ (રહે. ભાયન્દર થાણે)એ ફોન પર તેમનો સંપર્ક કર્યાે હતો અને તેમની કંપની કેનેડા વર્ક વિઝા વિથ જોબ ઓફર અને સાથે પીઆર માટેના ૧૦૦ ટકા વિઝા અપાવતી હોવાની વાત કરી હતી, કંપનીનાં સોનાલી ગુરૂમખુ ખાન ચંદાણીએ પણ વિડીયો કોલથી વાત કરી હતી.

હેમાંગભાઈએ તેમના વિદ્યાર્થીઓને વાત કરતાં ત્રણ વિદ્યાર્થીઓ તૈયાર થયા હતા.જેમાં વિદ્યાર્થિની આરતી રાજેશકુમાર શર્મા વર્ક વિઝા માટે તૈયાર થતાં તેના માટે રૂ.૮.૭૫ લાખ ભરવાની વાત થઈ હતી. રૂ.૧.૫૦ લાખ રજિસ્ટ્રેશન ફી પેટે નીશા પાલના કહેવાથી આરકેન ઓવરસીઝ કંપનીના ખાતામાં ભરાવ્યા હતા. લોગીંગ ક્રેડિટ સેલ, એપ્›વલ લેટર, ઓફર લેટર, વિઝા સબમીશનવગેરે પેટે કુલ રૂ.૭,૬૫,૫૦૦ ભર્યા હતા.

તે જ રીતે વિદ્યાર્થી સુનિલ રાજપૂતની કેનેડા ફાઈલ માટે વિવિધ તબક્કે કુલ રૂ.૬,૧૫,૫૦૦ ભર્યા હતા. જેમાં આરતી શર્માના વિઝીટર વિઝાનું પણ રીઝેક્શન આવ્યું હતું અને સુનિલ રાજપૂતના વર્ક પરમીટ બદલે વિઝીટર વિઝા આવ્યા હતા. જે અંગે વાત કરતાં નીશા પાલે સુનિલ કેનેડા ઉતરે એટલે વર્ક પરમીટમાં કન્વર્ટ કરી આપીશું તેવી વાત કરી હતી. પરંતુ વિઝા ટ્રાન્સફર થતા ન હોઈ અને જરૂરી ડોક્યુમેન્ટ ન આપતાં સુનિલ જઈ શક્યો નહોતો.

ઉપરાંત પટેલ કૃતજ્ઞ નેહાકકુમારની વિઝા ફાઈલ માટે આ કંપનીના ખાતામાં વિવિધ તબક્કે કુલ રૂ.૧૩ લાખ આપ્યા હતા. પરંતુ તેના વિઝાની કોઈ કાર્યવાહી થઈ નહોતી.આમ ૧૦૦ ટકા વર્ક વિઝાનો ભરોષો આપી ત્રણેય વિદ્યાર્થીઓના કુલ રૂ.૨૬.૮૧ લાખ લીધા બાદ તે મુજબ કામ ન થતાં તેમણે ફાઈલ ખર્ચ રૂ.૧૫ હજાર અને વહીવટી ખર્ચ રૂ.૨૦ હજાર કાપીને પૈસા પરત આપવાનું કહ્યું હતું.

પરંતુ પૈસા પરત આપ્યા નહોતા. જેથી હેમાંગભાઈએ આરકેન ઓવરસીઝ કંપનીની તપાસ કરતાં તેના માલિક દિશાન્ત શૈલેષકુમાર મણીયાર (રહે. ભાયન્દર, થાણે) તથા સોનાનલી ગુરૂમુખખાન ચંદાણી (રહે. મીરા રોડ, ઈસ્ટ થાણે) હોવાનું તેમજ તેમની ઓફિસ મલાડ વેસ્ટ, મુંબઈ હોવાનું જણાયું હતું. જેથી તેમણે ઉપરોક્ત ત્રણેય જણા સામે વિસનગર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.